તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 35 જેટલી બિલ્ડિંગોને રાજકોટ મનપા સીલ મારશે.? :છેલ્લા 15 વર્ષનો વેરો ભર્યો નથી
વારંવારની પાઠવેલી નોટિસ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈપણ બાકી વેરો ન ભરતા મનપાની ટીમ યુનિવર્સિટીના કેમ્પસની બિલ્ડિંગોને સીલ કરવા પહોંચી

રાજકોટ :દોઢ દાયકાના બાકી વેરાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાજકોટ મનપાએ વારંવારની પાઠવેલી નોટિસ છતાં યુનિવર્સિટી દ્વારા કોઈપણ બાકી વેરો ન ભરતા મનપાની ટીમ યુનિવર્સિટીના કેમ્પસની બિલ્ડિંગોને સીલ કરવા પહોંચી હતી.
મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા 15 વર્ષથી વેરો ભરવામાં આવ્યો નથી. જ્યારે પણ આ બાબતે પત્ર લખીને યુનિવર્સિટીના કુલપતિને જાણ કરવામાં આવે છે ત્યારે યુનિવર્સિટી પાસે ગ્રાન્ટ નથી તેમ કહી વાતને ટલ્લે ચડાવી દેવામાં આવે છે. ત્યારે આ વખતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લાલ આંખ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભીંસમાં લઈને છેલ્લા 15 વર્ષનો બાકી વેરો ભરવા કહેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા 15 વર્ષનો વેરો ભર્યો જ નથી. રાજકોટ મનપાનું વેરા લેખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે કુલ 17 કરોડ રૂપિયાનું લેણું છે. જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા વેરાની બાકી રકમ ભરવામાં નહિ આવે તો રાજકોટ મનપા યુનિવર્સિટીની 35 જેટલી બિલ્ડિંગોને સીલ મારશે.
આ અંગે વેરા વસૂલાત અધિકારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બાકી વેરા અંગે જણાવે છે કે તે એક સરકારી એકમ હોય તેમને સરકારી ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. આથી તેમને ગ્રાન્ટ મળે ત્યારે વેરો ભરી શકે છે. જો કે આટલા વર્ષો વીતવા છતાં વેરો ભર્યો નથી એટલે મનપાએ કડક વલણ દાખવ્યું છે.
(8:50 PM IST)










