<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

બપોરે ફેસબૂક લાઇવ કરી ગાળો દીધી, મોડી રાતે ટોળકી રચી હીચકારો હુમલોઃ કૂક ગોરવ નેપાળીની હત્‍યાનો પ્રયાસ

કાલાવડ રોડ કાઠીયાવાડી જલ્‍સા હોટેલ નજીક મોડી રાતે આંતરીને રાજન છેત્રી સહિતના પાંચ શખ્‍સો છરી-ધોકાથી તૂટી પડયા : ગોૈરવના કુટુંબી ભાઇ શાહબાઝને નેપાળમાં રાજકોટ રહેતાં રાજન છેત્રીના ભાઇ સાથે ડખ્‍ખો થયો હતોઃ તેનો ખાર રાખી રાજને ગત બપોરે ગોૈરવને ફેસબૂક પર લાઇવમાં ‘આવી જા મેદાન'માં કહી ગાળો દીધી પછી રાતે અજાણ્‍યા ચાર શખ્‍સો સાથે મળી મારી નાખવાનો પ્રયાસ કર્યોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો :હુમલો થતાં ગોૈરવ સાથેનો કુટુંબી ભાઇ વિશાલ જીવ બચાવીને ભાગ્‍યોઃ સગાને બોલાવીને આવ્‍યો ત્‍યાં ગોૈરવ લોહીલુહાણ મળ્‍યો

રાજકોટ તા. ૪: શહેરમાં હત્‍યાની કોશિષનો વધુ એક બનાવ બન્‍યો છે. કાલાવડ રોડ મોટા મવા નજીક કાઠીયાવાડી જલ્‍સા હોટલ પાસે મોડી રાતે કસ્‍તુરી ફૂડ કોર્ટ હોટલમાં કૂક તરીકે કામ કરતાં અન્‍ય પાંચ નેપાળી શખ્‍સે છરી, ધોકાથી હુમલો કરી માથા, શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્‍યાનો પ્રયાસ કરતાં લોહીલુહાણ હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. નેપાળ વતનમાં રહેતાં આ યુવાનના કુટુંબી ભાઇ સાથે હુમલાખોરના ભાઇને માથાકુટ થઇ હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયાનું ખુલ્‍યું હતું. હુમલાખોરે ગત બપોરે ફેસબૂક પર લાઇવ કરી ગાળો દઇ મેદાનમાં આવી જવાનું કહ્યું હતું અને મોડી રાતે હીચકારો હુમલો કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોટામવામાં આવેલી કસ્‍તુરી ફૂડ કોર્ટ હોટલમાં કૂક સહિતના કામ કરતો ગોૈરવ શેરબહાદુર શાહુ-છેત્રી (ઉ.વ.૨૦) રાતે કસ્‍તુરથી નજીકમાં કાઠીયાવાડી જલ્‍સા હોટલ પાસે હતો ત્‍યારે હુમલો થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે યુનિવર્સિટી પોલીસને કરતાં પીએસઆઇ ડી.આર. રત્‍નુએ હોસ્‍પિટલે પહોંચી ગોૈરવ છેત્રીની ફરિયાદ પરથી નેપાળી રાજન છેત્રી અને ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. ગોૈરવે જણાવ્‍યું હતું કે હું નેપાળના કેલાલી જીલ્લાના ટીકાપુર ગામનો વતની છું. હાલમાં કાલાવડ રોડ સરિતા વિહારના પૂલ પાસે ભાડેથી ઓરડીમાં રહુ છું અને મોટા મવા કસ્‍તુરી ફૂડ કોર્ટ ખાતે નોકરી કરુ છું. રાતે પોણા ત્રણેક વાગ્‍યે હું અને મારા કુટુંબી ભાઇ વિશાલ અમરસિંગ ઠાકુર (રહે. અવધનો ઢાળ) નોકરીએથી છુટીને અમારી રૂમ પર જતાં હતાં ત્‍યારે કસ્‍તુરી હોટેલથી આશરે બે મિનીટના રસ્‍તે મારી ઓરડી નજીક પૂલ પહેલા પાંચ જણા છરીઓ અને ધોકા સાથે ઉભા હતાં.

આ પાંચેયએ મારા પર હુમલો કરવો દોટ મુકી હતી. જેમાં એક રાજન છેત્રી હતો અને બીજો ગોૈરવ હતો. રાજન સાથે અગાઉ મારે ઝઘડો થયો હતો. મને બધાએ મોટરસાઇકલ પરથી ખેંચીને નીચે પાછી ધોકા-છરીથી માર માર્યો હતો. મારા કુટુંબી ભાઇ વિશાલે બાઇક હંકારી મુક્‍યુ હતું અને તે દૂર જતો રહ્યો હતો. પાંચેયએ મને આડેધડ ઘા માર્યા હતાં. જેના કારણે લોહી નીકળવા માંડયા હતાં. મને બંને હાથની કોણી નીચે, વાંસામાં, હાથના આંગળામાં,  માથામાં ઇજાઓ થઇ હતી. આ બધા હુમલો કરીને ભાગી ગયા હતાં. બદામાં મારો ભાઇ વિશાલ અને અમારા જાણીતા લોકોએ આવી મને હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

ગોૈરવે વધુમાં જણાવ્‍યું હતું કે અગાઉ મારા કુટુંબી ભાઇ શાહબાઝ સાથે અમારા વતનમાં રાજન છેત્રીના ભાઇએ ઝઘડો કર્યો હતો. તેનો ખાર રાખી રાજને તેની સાથેના ચાર અજાણ્‍યા સાથે મળી છરી, ધોકાથી તૂટી પડી હુમલો કરી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ ડી.આર. રત્‍નુએ ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે.

હુમલામાં ઘાયલ ગોૈરવ શાહુ-છેત્રી  હાલ તેના માતા સાથે રાજકોટ રહે છે. તેણે હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે જુના મનદુઃખનો ખાર રાખી ગઇકાલે બપોરે બારેક વાગ્‍યે રાજન છેત્રીએ પહેલા ફેસબૂક પર લાઇવ કરી મને ગાળો દઇ આવી જા મેદાનમાં તેમ કહીને મને ઉશ્‍કેર્યો હતો. બાદમાં રાતે વોચ રાખી હું હોટલેથી નોકરી પુરી કરીને નીકળતાં હું જ્‍યાં રહુ છે એ ઓરડી નજીક જ હીચકારો હુમલો કર્યો હતો. રાજન હાલમાં રાજકોટ અમદાવાદ રોડ પરની કોઇ હોટલમાં નોકરી કરી એ તરફ જ રહે છે. તેમ વધુમાં ગોૈરવે કહ્યું હતું.

(3:11 PM IST)