News of Wednesday, 4th December 2024
પાંચીયાવદર પાસે ઝોકુ આવી જતાં કાર ઝાડમાં અથડાતાં આરકે યુનિવર્સિટીના કર્મચારી હર્ષિત વઘાસીયાનું મોત
સુલતાનપુરાના ૨૪ વર્ષિય યુવાને પાંચ મહિના પહેલા જ લવમેરેજ કર્યા હતાં: નોકરી પર આવતી વખતે બનાવઃ ત્રણેક દિવસનો ઉજાગરો હતોઃ વઘાસીયા પરિવારે એકનો એક દિકરો ગુમાવી દેતાં પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૪: ગોંડલના સુલતાનપુર નજીકના ખેરાળા ગામ પાસે ચાલક યુવાનને ઝોકુ આવી જતાં કાબૂ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી ઝાડમાં ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું. સુલતાનપુર રહેતો હર્ષિતભાઇ કિશોરભાઇ વઘાસીયા (ઉ.વ.૨૫) સવારે પોતાની વેગનઆર કાર હંકારી રાજકોટના ત્રંબા નજીક આરકે યુનિવર્સિટીમાં નોકરીએ આવી રહ્યો હતો ત્યારે પાંચીયાવદર પાસે કાર ઝાડમાં અથડાતાં હર્ષિતભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુ માહિતી અનુસાર મૃત્યુ પામનાર હર્ષિતભાઇ આરકે યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર વિભાગમાં નોકરી કરતો હતો. આજે સવારે પોતાની કાર હંકારી નોકરીએ જવા નીકળેલ ત્યારે ઝોકુ આવી જતાં કાબુ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી જતાં ઝાડમાં અથડાઇ હતી.
હર્ષિતભાઇ માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેણે પાંચ મહિના પહેલા જ લવમેરેજ કર્યા હતાં. ત્રણેક દિવસથી પ્રસંગને કારણે ઉજાગરો હતો અને આજે સવારે કાર લઇને નીકળ્યા ત્યારે ઝોકુ આવી જતાં કાર ઝાડમાં ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજા થઇ હતી. જે જીવલેણ નીવડી હતી. આ બનાવ બન્યો હતો. એકના એક આધારસ્તંભ દિકરાના મૃત્યુથી વઘાસીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:08 PM IST)










