News of Wednesday, 4th December 2024
સસ્તા અનાજના દુકાનદારોની અનેક સમસ્યાઃ જથ્થો સમયસર પહોંચતો નથીઃ ડબલ ફિંગર પ્રિન્ટ માથાનો દુઃખાવોઃ ડીએસઓને આવેદન
દર મહિને કોઇને કોઇ જણસમાં કાપ આવતો હોય વેપારીઓના કરોડો રૂપિયા સલવાઇ જાય છે... મિનિમમ કમીશનનો હજુ કોઇ ઉકેલ નથીઃ ઇ-પ્રોફાઇલ યોજનામાં પણ સુધારા જરૂરી

રાજકોટ તા.૪: રાજકોટ શહેર ફોરપ્રાઇઝ એસો.એ ડીએસઓને આવેદન પાઠવી દુકાનદારોની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે રજુઆતો કરી હતી.
રાજ્યની ૧૭૦૦૦ સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર ૨૦૨૪ના મહિના માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેરદાળ અને ચણાની ફક્ત ૫૦% જ ફાળવણી કરવામાં આવી છે. જેના પરિણામે ગુજરાત રાજ્યના ૭૫ લાખ ૨૬ હજાર ૧૨૩ રાશનકાર્ડ ધારકો માંથી અડધો અડધ રાશનકાર્ડ ધારકો તુવેરદાળ અને ચણા જેવી જણસીઓથી આ વખતે પણ વંચિત રહેશે.
ઉપરોક્ત સમસ્યાઓની સાથે સાથે વધારે એક ગંભીર સમસ્યા એ પણ છે કે પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજની દુકાનો ખાતે કયારેય પણ સમયસર જથ્થો પહોંચતો કરવામાં આવતો નથી મહિનાના પંદર પંદર કે વિસ વિસ અને કયારેક તો પચ્ચીસ છવ્વીસકે સતાવીસમાં દિવસે અમુક દુકાને જથ્થો પહોંચતો કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન રાશનકાર્ડ ધારકો ને દરરોજ દુકાનના ધક્કા ખાવા પડે છે. પરિણામે રાશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે ઘર્ષણ થતું રહે છે. દર માસે સસ્તા અનાજના દુકાનદારોને મળવાપાત્ર જથ્થાની પરમીટ મૂકવામાં આવે છે અને આ પરમિટ મુજબની જણસીઓના નાણા દુકાનદારો દ્વારા પરમીટ કાઢી ચલણ જનરેટ કરી ૨કમ ભરી આપવામાં આવે છે પરંતુ પરમીટ મુજબનો જથ્થો જે તે માસ માટે સસ્તા અનાજની દુકાન ખાતે પુરવઠા નિગમ દ્વારા પહોંચતો ના હોવાના કારણે બીજા માસે વેપારીઓને આ નાણાં પરત કરવામાં આવે છે પરિણામે હજારો વેપારીઓના કરોડો રૂપિયા એક માસ માટે ફસાયેલા રહે છે. અને વેપારીઓને વધારાનું રોકાણ કરવાનું થાય છે, જે કયારેક સામાન્ય વેપારીઓ માટે મુશ્કેલીઓ પેદા કરે છે.
તેમજ ડબલ ફિંગર પ્રિન્ટમાંથી છૂટકારો કરવામા આવતો નથી. જો સિસ્ટમમા આ ફેરફાર કરીને સિંગલ ફિંગર પ્રિન્ટ કરી દેવામા આવે તો સર્વર પર કામનુ ભારણ અડધુ થઈ જાય પરીણામે કાર્યની ઝડપ વધી જાય. દુકાનદારોના કુટુંબના ભરણપોષણ માટે રાજ્ય એસોસિએશન દ્વારા સરકારશ્રી સામે લડત ચલાવીને મિનિમમ કમિશન મંજૂર કરાવવામાં આવ્યું હતું પરંતુ સરકારે આ મિનિમમ કમિશન મેળવવા માટે વિતરણની ટકાવારી ફરજિયાત કરી હતી આ ટકાવારી ઘટાડવા માટે પણ ગત આંદોલન બાદ સરકારશ્રીએ સહમતિ આપી હતી પરંતુ આજે બે મહિના થયા છતાં પણ વિતરણની ટકાવારી ઘટાડવાનું વચન સરકારે પાડ્યું નથી. પરિણામે હજારો દુકાનદારો મિનિમમ કમિશન મેળવવા માંથી વંચિત રહી જાય છે.
રજુઆતમાં આગેવાનો હિતેન્દ્રસિંહ જાડેજા, માવજીભાઇ રાખશીયા, નરેન્દ્રભાઇ ડવ, પરેશભાઇ, નીમભાઇ ક્રિપલાણી વિગેરે જોડાયા હતા.
(3:35 PM IST)










