તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
રાજકોટના પ્રહલાદ પ્લોટમાં ચાર દાયકાથી ચાલતો નિત્ય સત્સંગ
મયુરબાપુ ગુરૂ અરૂણબાપુ દ્વારા ધ્યાન-ધર્મ-સત્સંગની અવિરત પ્રવૃત્તિ : દર પૂનમ અને સૂદ બીજે હજારો લોકોને મહાપ્રસાદ : નવસારી-મહેસાણા-સુરત સહીત ગુજરાતભરમાં સેવકો : અખંડ જયોત સતત પ્રજવલિત

રાજકોટ તા. ૪ : છેલ્લા ૪૦ વર્ષથી જયાં નિત્ય સત્સંગ ચાલી રહ્યો છે તેવું રાજકોટનું એક સ્થળ એટલે પ્રહલાદ પ્લોટ. મયુરબાપુ ગુરૂ અરૂણબાપુ દ્વારા પ્રહલાદ પ્લોટ૨૭/૪૨ ના ખુણે આવેલ એક નાનકડા મકાનમાં ધ્યાન-ધર્મ-સત્સંગની અવિરત પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મયુરબાપુએ જણાવ્યુ હતુ કે લાડલેલાલ મઢીથી ઓળખાતા આ સ્થળે અમારા ગુરૂ અરૂણબાપુ દ્વારા આ ધર્મ સેવાનો યજ્ઞ શરૂ કરાયો હતો. જયાં દરરોજ રાત્રે ૯.૩૦ થી ૧૧.૩૦ સુધી નિત્ય સત્સંગ ચાલે છે. તેમજ દર પૂનમ અને સુદ બીજના મોટો સત્સંગ થાય છે. જે સવાર સુધી ચાલે છે. મહાપ્રસાદની વ્યવસ્થા પણ હોય છે. હજારોની સંખ્યામાં ભાવિક સમુદાય લાભ લ્યે છે.
મયુરબાપુએ જણાવ્યુ હતુ કે મારા ગુરૂ એટલે અરૂણબાપુ કે જેઓએ શ્રી રણછોડદાસજીબાપુના શિષ્ય માધાબાપાના સત્સંગનો પણ લાભ લીધેલ છે. તેમણે હરજીબાપા પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ લીધો હતો.
હું નાનો હતો ત્યારે રામાયણના પાઠમાં જતો અને ગુરૂ અરૂણબાપુના સંપર્કમાં આવ્યો. ગુરૂદેવને સાંભળતા જ અલગ જ અનુભૂતિ થઇ અને મે આત્મજ્ઞાનનો ઉપદેશ લીધો. બસ ત્યારથી અમે અવિરતપણે આ નિત્ય સત્સંગ સેવા ચલાવીએ છીએ.
પ્રહલાદ પ્લોટ ૨૭/૪૨ ના ખુણે ૧૪×૧૨ ના એક રૂમ ઉપરાંત રસોડા અને ફળીયાની સુવિધા ધરાવતી આ નાનકડી જગ્યામાં દરરોજ નિત્યસત્સંગ ચાલે છે. અહીંયા ગુરૂ અરૂણબાપુના બહેન જયોતિમાની ફુલ સમાધી પણ છે. આ સ્થળે અખંડ જયોતિ ચાલુ હોય છે.
ગુરૂ અરૂણબાપુનો સાક્ષાત્કાર કરનાર મયુરબાપુએ આ સત્સંગ પ્રવૃત્તિ વિસ્તારી છે. ૫૦૦ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. આ પાવન જગ્યાના સેવકો નવસારી, મહેસાણા, સુરત સહીત ગુજરાતભરમાં વસવાટ કરે છે.
અમે કોઇ ટ્રસ્ટ બનાવ્યુ નથી. બધુ ભગવાન ભરોસે ચાલ છે. જે કંઇ આવક થાય છે તે ભજન સત્સંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નિત્ય સત્સંગથી આ જગ્યા એટલી પ્રભાવી બની ચુકી છે કે કોઇ પગ મુકે તો પણ દીવ્ય ઉર્જાનો અહેસાર થાય છે.
મયુરબાપુએ જણાવેલ કે ગુરૂ મહારાજે મને અંદરથી જ એવોડ ઘડયો છે કે હવે મારે બીજે કયાય જવાની જરૂર નથી. મારી અંદરની ગતિ થઇ ચુકી છે. અહી આવરનાર સાથે પણ બસ અંતરાત્માની ઓળખ કરાવવાની જ સદ્દપ્રવૃતિ થાય છે. વધુને વધુ લોકો આ નિત્ય સત્સંગ અને પ્રસાદનો લાભ લ્યે તેવો અનુરોધ અંતમાં શ્રી મયુરબાપુ (મો.૯૫૫૮૯ ૯૫૮૮૯)એ કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શ્રી મુયુરબાપુ ગુરૂ અરૂણબાપુ અને તેમની બાજુમાં સચિનભાઇ ખખ્ખર તથા ભુપેન્દ્રભાઇ સંખલપરા નજરે પડે છે.
(4:08 PM IST)










