તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
હત્યાનો ભોગ બનનાર હર્મીશ ગજેરાને ન્યાય અને ફાટીને ધુમાડે ગયેલા અસામાજીક તત્વો પર લગામ કસવા માંગણી
કૂર્મી સેનાની પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆત

રાજકોટ, તા., ૪: ભકિતનગર પોલીસ સ્ટેશન નજીક તાજેતરમાં સરાજાહેર હર્મીશ ગજેરા નામના યુવાનની છરીના ઘા ઝીંકી તેના ભાઇની નજર સમક્ષ કરવામાં આવેલી હત્યામાં પોલીસે આરોપીને ઝડપી લીધા છે. પરંતુ આ ઘટનામાં ભોગ બનનારને ન્યાય મળે અને આરોપીને કડક સજા મળે તે માટે આજે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
આ રજુઆતમાં જણાવાયુ઼ છે કે, રાજકોટ શહેરની ઓળખ તેમના સાલસ અને સહૃદય શહેરી જનોને કારણે હંમેશા રંગીલા રાજકોટ તરીકે શાંતી પ્રિય શહેરની રહી છે. તાજેતરમાં રાજકોટ શહેરની આ ઓળખને ગ્રહણ લાગ્યું હોય તેમ શહેરમાં એક બાદ એક સામાન્ય બાબતમાં હત્યાના બનાવો સામે આવ્યા છે. દિપાવલી પર્વમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય માથાકૂટમાં એક વ્યક્તિનું ખૂન થયું અને તેના થોડા જ દિવસોમાં આ સિલસિલો આગળ વધ્યો છે. શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા જાણે કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ અસ્તિત્વ ન ધરાવતી હોય તેમ આમ નાગરિકો પર હિંસક હુમલાઓ કરવા કે ચપ્પુ કે છરી જેવા હથિયારો સાથે રાખીને ગમે તેને દમ દાટી આપવી સામાન્ય વાત બની ગયેલ છે વ્યાજખોરોનો આતંક પણ ફરી વધી રહ્યો છે. શહેરમાં દારૂ પીધેલ હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરીને આડેધડ વાહનો ચલાવી રાહદારીઓને નુકશાન પહોંચાડવાના વીડિયો પણ સોશ્યલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. તાજેતર માં રાજકોટ શહેરમાં સાવ સામાન્ય બોલાચાલી માં રાજકોટના પાટીદાર સમાજનાં નિર્દોષ યુવાન સ્વ. હાર્મીશ ગજેરા ને છરી ના ઘા ઝીંકી ને તેની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી છે. હત્યાને અંજામ આપનાર શખ્સ ગુનાહિત માનસિકતા ધરાવે છે અને અવારનવાર ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. આવા અનેક ગંભીર પ્રકારના શારીરિક ગુનાઓને અંજામ આપવાની ટેવ ધરાવતા ગુનેગારો હાલ રાજકોટ શહેરમાં બેખૌફ ઘૂમી રહ્યા છે ત્યારે સામાન્ય શહેરીજનો માટે સલામતીનો પ્રશ્ન વિકટ બન્યો છે. આવા ગુનેગારોને ચિન્હિત કરી તેમના પર લગામ કરવામાં આવે તથા સ્વ. હાર્મીશ ગજેરાના ખૂનના આરોપી સામે પોલીસ તંત્ર દ્વારા મજબૂત ચાર્જશીટ ફાઇલ કરી તેને નમૂના રૂપ સજા થાય તે માટે આપના સ્તરેથી ખાસ મોનીટરીંગ કરવામાં આવે તેવી આપની પાસે અમારી માંગ અને નમ્ર નિવેદન છે. રાજકોટ શહેરના તમામ સમાજના શાંતી પ્રિય લોકો નિર્ભીક જીવન યાપન કરી શકે તે હેતુથી શહેરમાં ખાસ દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે તથા ગુનેગારો પર પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાની આપની સમક્ષ માંગ છે. અમોને વિશ્વાસ છે કે આ તમામ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપી આપશ્રી નિષ્પક્ષ અને પ્રભાવી કામગીરી કરશો.
(4:09 PM IST)










