News of Thursday, 5th December 2024
રાજકોટની પ્રજાએ આપેલ પ્રેમ હંમેશા યાદગારઃ એસ. જગદીશન
૩૭ વર્ષ પહેલા જેની બદલીના વિરોધમાં રાજકોટમાં તોફાન ફાટી નીકળેલ તે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અકિલાના આંગણે અધિકારીઓ કાયદાના યોગ્ય અર્થઘટન સાથે લોકહિતના કાર્યો કરે તે જરૂરીઃ અકિલાના એકઝીકયુટીવ એડીટર નિમિષ ગણાત્રા સાથે વિસ્તૃત વાતચીત

ગુજરાતના આઇ. એ. એસ. કેડરના નિવૃત્ત્ અધિકારી શ્રી એસ. જગદીશનએ ગઇકાલે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા, સાથે વિવિધ મુદ્્ે વિસ્તૃત ચર્ચા કરેલ હતી. તેઓ તા. ર૦ જાન્યુઆરી ૧૯૮૬થી પ ઓકટોબર ૧૯૮૭ સુધી રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે રહ્યા હતાં. આ મુલાકાત પ્રસંગે સુપ્રસિધ્ધ ફોટોગ્રાફર શ્રી પ્રવીણ ગજ્જર અને અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા.પઃ આજથી ૩૭ વર્ષ પહેલા શહેરના મ્યુનિસિપલ કમિશનર પદેથી જેની બદલીના વિરોધમાં પ્રચંડ લોકઆંદોલન ફાટી નીકળેલ અને જનઆક્રોશને નિયંત્રણમાં લેવા માટે શહેરમાં કરફયુ લાદવો પડેલ તે અધિકારી શ્રી એસ. જગદીશન ગઇકાલે રાજકોટની મુલાકાત વખતે અકિલાના આંગણે આવ્યા હતા. શ્રી એસ.જગદીશન અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા વચ્ચે દાયકાઓથી આત્મીય સબંધ છે. તેમણે ગઇકાલે અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત સાથે વિવિધ મુદે રસપ્રદ ચર્ચા કરી હતી.
તેમણે રાજકોટના કાર્યકાળના સંભારણા વર્ણાવતી વખતે જણાવેલ કે રાજકોટની પ્રજાએ મને આપેલ અભૂતપૂર્વ પ્રેમ મારા માટે હંમશા યાદગાર રહેશે. અધિકારીઓએ કાયદાના પુરતા અભ્યાસ અને યોગ્ય અર્થઘટન સાથે હંમેશા લોકહિતમાં કાર્ય કરવું જોઇએ.
શ્રી જગદીશને પોતે અકિલા નિયમિત વાંચતા હોવાનો ઉલ્લેખ કરી અકિલાની આધુનિક ટેકનોલોજી આધારિત પ્રગતિ અંગે પ્રસન્નતા વ્યકત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી એસ. જગદીશન ૧૯૮૦ની બેચના આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તરીકે (૧૯૮૭ના અરસામાં) તેમજ જિલ્લા કલેકટર તરીકે (૧૯૯૨થી૧૯૯૪) તેમણે અપાર લોકચાહના મેળવી હતી. સુરત મ્યુનિસિપલ કમિશનર, ઇંગ્લેન્ડ ખાતે ભારતના મુખ્ય વહીવટી અધિકારી, ગુજરાતમાં ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના અગ્રસચિવ, નર્મદા નિગમમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. વર્ષ ૨૦૧૩માં અગ્રસચિવ પદેથી નિવૃત થયા બાદ હાલ ૭૨ વર્ષની ઉંમરે અમદાવાદમાં ખુબ તંદુરસ્તી સાથે નિવૃત જીવન ગાળી રહયા છે.(મો.૯૯૭૮૪ ૦૫૦૦૭, અમદાવાદ)
(11:38 AM IST)










