News of Thursday, 5th December 2024
રાજકોટમાં ત્યક્તાને સસ્પેન્ડેડ જીઆરડી જવાને ફસાવી લગ્નની લાલચ દઇ દૂષ્કર્મ આચર્યુઃ ન્યુડ ફોટા વાયરલ કર્યા
એસઓજીની કર્મચારી હોવાની ઓળખ આપી ફસાવી હતીઃ પોતાના છુટાછેડા થઇ ગયાનું કહેતો હતોઃ પણ તે પત્નિ સાથે રહેતો હોવાની ત્યક્તા મહિલાને જાણ થતાં સંબંધ પુરા કરવાનું કહેતાં ઉશ્કેરાઇને મારકુટ કરીઃ મહિલાના પિતાને પણ નગ્ન ફોટા મોકલી દીધાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં એક ત્યકતાને સસ્પેન્ડેડ જીઆરડી જવાને ફસાવી અવાર-નવાર દૂષ્કર્મ આચરી લીધાનો આરોપ મુકાયો છે. લગ્નની લાલચ આપી આ શખ્સે પોતે એસઓજીમાં હોવાની ઓળખ આપી ત્યક્તા મહિલાને ફસાવી હતી. ઘરે તેમજ હોટેલ સહિતના સ્થળોએ લઇ જઇ દૂર્ષ્મ આચરી નગ્ન ફોટા વિડીયો પણ લઇ લીધા હતાં. પોતે પત્નિ સાથે રહેતો હોવા છતાં છુટાછેડા થઇ ગયાનું કહી મહિલાને ફસાવી હતી. તેણીને સાચી વિગતોની જાણ થતાં સંબંધ તોડી નાખવાનું કહેતાં તેણે ફોટા વાયરલ કરી દીધા હતાં.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર ૩૫ વર્ષની ત્યકતા મહિલાની ફરિયાદ પરથી સસ્પેન્ડેડ જીઆરડી ગાર્ડ આશિષ રાવલ વિરૂધ્ધ દૂષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને સકંજામાં લઇ લીધો છે. ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે બે સંતાન છે. પતિ સાથે ૨૦૧૫માં છુટાછેડા લીધા છે. આજથી દોઢેક વર્ષ પહેલાં એક પરિચીત મહિલા સાથે ફ્રોડ થયું હોઇ આ અંગે આરોપી આશિષ રાવલના પત્નિ સાથે વાત કરી હતી. આ પછી આશિષે તેમાંથી ફોન નંબર મેળવી મેસેજ કરવાનું ચાલુ કર્યુ હતું. ત્યારબાદ બંને વચ્ચે પરિચય થયો હતો. શરૂઆતમાં આશિષે પોતે એસઓજીમાં હોવાની ઓળખ આપી હતી. આગળ જતાં આ પરિચય ગાઢ સંપર્કમાં પલ્ટાયો હતો. આ પછી આશિષે એવુ કહ્યું હતું કે તેણે પત્નિ સાથે છુટાછેડા લઇ લીધા છે અને તે લગ્ન કરવા માંગે છે.
લગ્નની લાલચ આપી આશિષે તેણીના ઘરે તેમજ અલગ અલગ હોટેલમાં લઇ જઇ દૂષ્કર્મ ગુજાર્યુ હતું. એ દરમિયાન તેણે ફોટા વિડીયો પણ લઇ લીધા હતાં. દરમિયાન ભોગ બનનારને આશિષ ખોટુ બોલતો હોવાની અને તે તેની પત્નિ સાથે જ રહેતો હોવાની જાણ થતાં તેણીએ સંબંધ તોડી નાખવાનું નક્કી કરતાં આરોપી આશિષે સંબંધ નહિ રાખે તો ફોટા વાયરલ કરી દઇશ કહી ધમકી આપી હતી અને મારકુટ કરી હતી અને મહિલાના પિતાને ન્યુડ ફોટા મોકલી દીધા હતાં. આ ઉપરાંત લીમડા ચોક પાસે પણ તેણીને આશિષે મારકુટ કરી હતી. તેના ત્રાસથી કંટાળીને અંતે તેણીએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું અને ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરી હતી.
વધુ વિગત મુજબ આશિષ પોલીસ હેડક્વાર્ટરના એમટી વિભાગમાં જીઆરડી તરીકે નોકરી કરતો હતો. જ્યાં તેણે માથાકુટ કરતાં ચારેક મહિના પહેલા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી રાધિકાર ભારાઇની સુચના અનુસાર પીઆઇ કે. જે. કરપડા, રાઇટર આશિષભાઇ કોરાટ સહિતે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી. (૧૪.૭)
(4:11 PM IST)










