News of Thursday, 5th December 2024
નવા મ્યુ.કમિશનર તુષાર સુમેરા સંભવત મંગળવારે ચાર્જ સંભાળશેઃ શહેરી વિકાસ ક્ષેત્રનો બહોળો
અનુભવ રાજકોટમાં જન્મ અને રાજકોટમાં જ અભ્યાસ કરેલો છે

રાજકોટ, તા., પ : શહેરના મ્યુનિસીપલ કમિશનર તરીકે નિયુકત થયેલા ભરૂચના વર્તમાન કલેકટર શ્રી તુષાર સુમેરા (મો. ૯૯૭૮૪ ૦૬ર૦પ) સંભવત સોમ અથવા મંગળવારે રાજકોટમાં કાર્યભાર સંભાળશે. તેઓ શહેરના ૩૪માં કમિશનર તરીકે નિયુકત થયા છે. રાજકોટ સાથે બાળપણથી જ સબંધ ધરાવતા પ્રથમ મ્યુનિસીપલ કમિશનર છે. તેઓ ર૦૧ર ની બેચના ૪૩ વર્ષના ઉત્સાહી યુવા સનદી અધિકારી છે.
શ્રી તુષાર સુમેરા મુળ વઢવાણના વતની છે. તેમણે સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢમાં શિક્ષણ મેળવ્યું છે. તેઓ અગાઉ જુનાગઢમાં મ્યુનિસીપલ કમિશનર ભાવનગરમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર બોટાદમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.
શ્રી તુષાર સુમેરાનો જન્મ રાજકોટમાં થયેલ. તેમણે આર. એમ. છાંયા, શાળા, ચૌધરી હાઇસ્કુલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે. જન્મભૂમિ એ જ શિક્ષણભુમિ અને કર્મભૂમિ હોય તેવુ આઇ. એ. એસ. કેડરના અધિકારીઓમાં જવલ્લેજ બનતુ હોય છે. તેમને શહેરી વિકાસ ક્ષેત્રનો બહોળો અનુભવ છે. તેમના અનુભવનો અને વહીવટી ક્ષેત્રે અન્યથી અનોખુ કરતા રહેવાની ખાસિયતનો રાજકોટ શહેરના વિકાસમાં લાભ મળશે તેવી આશા છે.
મન હોયતો માળવે જવાય તે ઉકિત રાજકોટના નવનિયુકત મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ સિધ્ધ કરી ઉચ્ચપદ સુધી પહોંચ્યા છે. તેઓ ર૦૧ર ની બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેમણે દેશના શ્રેષ્ઠ અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યુ છે. નવનિયુકત મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા સંભવતઃ આવતા અઠવાડીયે સોમવાર અથવા મંગળવાર વિધીવત રીતે ચાર્જ સંભાળનાર છે. સુરેન્દ્રનગરમાં સરકારી અધિકારી દલપભાઇ અને શિક્ષીકા માતાના ઘરે જન્મ લેનાર શ્રી તુષાર સુમેરા અભ્યાસમાં સામાન્ય હતા. તેઓને ૧૦માં ધોરણમાં ખુબ જ ઓછા માર્ક આવ્યા હોવા છતા જેમ અર્જુનને માછલીની આંખ જ દેખાતી હતી તેવી જ રીતે તેમણે પણ પોતાનું આઇ.એ.એસ. બનવાના સ્વપ્નને નજર સમક્ષ રાખી. નાસીપાસ થવાને બદલે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
તુષાર સુમેરાનો વિદ્યાર્થીકાળ દરેક અને તેઓને વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ કહેવામાં આવે છે. કારણ કે, ધોરણ ૧૦માં દરેક વિષયમાં ઓછા માકર્સ આવ્યા બાદ પણ ધોરણ ૧૧-૧ર આર્ટ્સમાં અભ્યાસ કરી બાદમાં ટીચર બન્યા હતા. આ દરમિયાન તેઓએ દેશને સુધારવા માટે સ્વપન જોઇ યુપીએસસી પરીક્ષા આપવાનું નક્કી કર્યુ. તેઓ ર૦૧ર માં પરીક્ષા પાસ કરી આઇએએસ ઓફિસર બન્યા હતા.
આજકાલ ઓછા માર્ક કે નાપાસ થવાથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો સતત વધતા જોવા મળી રહયા છે. આવા વિદ્યાર્થીઓ માટે મ્યુ. કમિશ્નર સુમેરા ખાસ પ્રેરણારૂપ કહી શકાય
પોતાની ધો. ૧૦ ની માર્કશીટ સોશ્યલ મિડીયામાં શેર કરેલ
રાજકોટના નવ નિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને ધોરણ ૧૦ માં અંગ્રેજીમાં ૩પ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ આવ્યા હતા. પોતાના પરિણામથી હતાશ થવાના બદલે તેમને આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ધોરણ ૧૧-૧ર આર્ટ્સ ફેકલ્ટીમાં પુરૂ કરીને કોલેજમાં પ્રવેશ મેળવી આગળ અભ્યાસ શરૂ કર્યો હતો. આ વર્ષે તેઓએ બોર્ડની પરિક્ષાના પરિણામ આવ્યા ત્યારે પોતાની ધો. ૧૦ ની માર્કશીટ સોશ્યલ મિડીયામાં શેર કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી.
કોશીશ કરનેવાલો કી કભી હાર નહીં હોતીઃ પાંચમાં પ્રયત્ને બન્યા અધિકારી
તુષાર સુમેરાએ ર૦૦૭માં પ્રાથમીક શિક્ષક તરીકેની નોકરી છોડીને કલેકટર બનવાની તૈયારી શરૂ કરી હતી. ર૦૦૭માં સ્પીપામાં સિલેકશન થતા આગળ તૈયારીઓ શરૂ કરી અને સમાજશાષા અને ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી મિડીયમમાં પરીક્ષાઓ આપી હતી. ચોથી ટ્રાય ર૦૧૧માં આપી હતી. જો કે પાસ ન થતા નાસીપાસ થવાના બદલે વધુ મહેનત શરૂ કરી હતી. અંતે ર૦૧રમાં સફળતા મળી હતી.
(2:33 PM IST)










