News of Thursday, 5th December 2024
જેની સામે ગુનો નોંધાયો તે જયંતિ સરધારાએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને કહ્યું કે-હું નિર્દોષ છું, પોલીસે ખોટુ કર્યુ છે!
મારા વિરૂધ્ધ પુરાવા મળે તો મારી ધરપકડ થાય તેની સામે વાંધો નથી... મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે રદ્દ કરવા રજૂઆત કરીઃ નજરે જોનારા સાક્ષીઓના નિવેદન લીધા વગર મારા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે, બેદરકારી બદલ પોલીસને પણ એની સજા મળશે!

રાજકોટ તા. ૫: હરિ ધવા માર્ગ પર શ્રીરામ પાર્કમાં રહેતાં સરદારધામ સોૈરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઇ કરસનભાઇ સરધારા વિરૂધ્ધ પણ પીઆઇ સંજય પાદરીયાએ ફરિયાદ દાખલ કરાવતાં તાલુકા પોલીસે ગઇકાલે જયંતિભાઇ સરધારા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલે તે આવેદન પત્ર સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતાં.
જયંતિ સરધારાએ કહ્યું હતું કે-મારા વિરૂધ્ધ ખોટી રીતે ગુનો દાખલ થયો છે, હું નિર્દોષ છું અને પોલીસે ઉતાવળ કરી નજરે જોનારા સાહેદોના નિવેદનો નોંધ્યા વગર કે તપાસ કર્યા વગર મારી સામે ગુનો નોંધી ખોટુ કર્યુ છે, પોલીસને પણ તેની સજા મળશે!
જયંતિભાઇ સરધારાએ રજુઆતમાં જણાવ્યું છે કે પીઆઇ સંજય પાદરીયાએ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે મને ધમકી આપી કહેલુ કે તું સમાજનો ગદ્દાર છો, હું નરેશભાઇ પટેલની સક્રિય ટીમમાં છું. માથાકુટ થઇ ત્યારે ત્યાં હાજર લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. એ પછી પાર્કિંગમાં ફરીથી મારી સાથે માથાકુટ કરી પિસ્તોલથી માથામાં ઇજા કરી હતી અને ઢીકાપાુટ માાર્ય હતાં. ત્યારે લોકોએ મને છોડાવ્યો હતો.
સંજય પાદરીયાએ હવે મારી સામે ફરિયાદ દાખલ કરાવી છે તે ખોટી હોવાની રજૂઆત કરવા હું પોલીસ કમિશનર કચેરી ખાતે આવ્યો છું. પોલીસે તપાસ કર્યા વગર મારી સામે ગુનો નોંધી ખોટુ કર્યુ છે એટલે પોલીસને પણ તેની સજા મળશે. મેં નોંધાવેલી હત્યાની કોશિષની કલમની ફરિયાદમાં આ કલમ હજુ રદ નથી થઇ. પોલીસે રિપોર્ટ કર્યો છે અને હજુ સુધી કલમ યથાવત છે. મને તાત્કાલીક પોલીસ રક્ષણ આપવા પણ મેં માંગણી કરી છે. મારા પર નરેશ પટેલે હુમલો નથી કરાવ્યો, પીઆઇ પાદરીયાએ હુમલો કર્યો હતો. મેં કહેલું કે તે નરેશ પટેલના ખાસ માણસ છે. સીસીટીવીમાં પાદરીયાના હાથમાં હથીયાર ન દેખાય તે સ્વાભાવીક છે, કારણ કે કેમેરા ખુબ દૂર હતાં. મારી સામે પુરાવા મળશે તો મારી ધરપકડ થાય તેની સામે વાંધો નથી. પણ બધુ ખોટુ ઉપજાવી કાઢેલુ છે. તેમ વધુમાં જયંતિભાઇએ રજૂઆત કરી જણાવ્યું હતું.
(3:25 PM IST)










