News of Thursday, 5th December 2024
બાર એસો.ની ચુંટણીનાં દિલીપ જોષીની કાર્યદક્ષ પેનલના હોદેદારો-સભ્યોએ ઉમેદવારી નોંધાવી
પ્રમુખપદે દિલીપ જોષી, ઉપપ્રમુખપદે મયંક પંડયા, સેક્રેટરીપદે સંદિપ વેકરીયા ટ્રેઝરરપદે કૈલાષ જાની અને કારોબારી માટે ૯ સભ્યોની ઉમેદવારીઃ આવતીકાલે પરેશભાઇ મારૃની પેનલના ઉમેદવારો ફોર્મ ભરશેઃ ર૦ ડીસેમ્બરે ચુંટણી યોજાશે દિલીપ જોષીની પેનલને ભાજપ લીગલ સેલનું આડકતરૃં સમર્થન

રાજકોટઃ બાર એસો.ની આગામી તા. ર૦ ડીસેમ્બરે ચુંટણી યોજાયેલ છે, ત્યારે નવી કોર્ટ બિલ્ડીંગ ખાતે પ્રથમ વાર થઇ રહેલ ચુંટણીમાં આજે દિલીપ જોષીની કાર્યદક્ષ પેનલના ઉમેદવારોએ ચુંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તસ્વીરોમાં કાર્યદક્ષ પેનલના પ્રમુખ સહિતના હોદેદારો, કારોબારી સભ્યો અને ટેકેદાર વકીલો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. પઃ રાજકોટ બાર એસોસિએશનની આગામી તારીખ ૨૦ મી ડિસેમ્બર યોજાનારી ચૂંટણી સંદર્ભે વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિલીપભાઈ જોષીની આગેવાની હેઠળની કાર્યદક્ષ પેનલના ઉમેદવારોએ આજે બપોરે ૧૨-૨૦ વાગ્યે વિજય મુહૂર્તમાં સાદગીપૂર્ણ અને ગરીમાભર્યા માહોલ વચ્ચે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.
જામનગર રોડ, ઘંટેશ્વર પાસે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે પ્રથમ વખત યોજાનારી હાલની ૨૦૨૫ના વર્ષના ૬ હોદ્દેદારો અને ૧૦ કારોબારી સભ્યોની ચૂંટણીમાં ભાજપ સેલનું આડકતરું સમર્થન ધરાવતી દિલીપભાઈ એન. જોષીની કાર્યદક્ષ પેનલના ઉમેદવારોએ ઢોલ નગારાના શોર વિના સાદગીપૂર્ણ અને ગરિમા ભર્યા માહોલ વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી.
ગત ચૂંટણીમાં ભાજપ લીગલ સેલમાં પ્રવર્તતી જૂથબંધી વચ્ચે એડવોકેટ કમલેશ શાહની પેનલ મેદાનમાં હતી, પરંતુ તેમાં પ્રમુખપદે એકિટવ પેનલના બકુલ રાજાણી ચૂંટાયા હતા. પ્રમુખ બકુલ રાજાણીએ પણ ચૂંટણી લડવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. દરમિયાન હાલની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલને લીગલ સેલનો બિનસત્તાવાર ટેકો હોવાની કોર્ટ લોબીમાં ચર્ચાઇ છે.
આજે બપોરે વિજય મુહૂર્તમાં સિનિયર એડવોકેટ દિલીપ જોષી પોતે પ્રમુખ પદ માટે જ્યારે ઉપપ્રમુખ મયંક આર. પંડ્યા, સેક્રેટરી સંદિપ એમ. વેકરીયા, જોઇન્ટ સેક્રેટરી જીતેન્દ્ર એચ. પારેખ, ટ્રેઝરર કૈલાશ જે. જાની, લાયબ્રેરી સેક્રેટરી રવિ બી. ધ્રુવ, કારોબારી સભ્યોમાં મહિલા અનામત ઉપર રૃપલબેન બી. થડેશ્વર, જનરલ કારોબારી સભ્યોમાં ચિત્રાંક એસ. વ્યાસ, મહેશ એન. પુંધેરા, હુસેન એમ. હેરંજા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, નીલ વાય. શુકલ, કિશન એસ. રાજાણી, સંજય એન. કવાડ, ભાવિક ટી. આંબલીયા વગેરેએ રિર્ટનિંગ ઓફિસર્સ (ચૂંટણી અધીકારીઓ) જયેશભાઈ એન. અતીત, કેતનભાઈ ડી. શાહ તથા જતીનભાઈ વી. ઠકકર સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.
જ્યારે બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને બીસીઆઇ મેમ્બર દિલીપ પટેલનું સમર્થન છે, તે પ્રમુખ પદના અન્ય ઉમેદવાર પરેશભાઈ મારુ અને તેમની પેનલ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે તેમ જણાવાયું છે. ગઈકાલ સુધી માત્ર બે જ ઉમેદવારી પત્રો ભરાયા હતા, નામ પત્રો ભરવાની છેલ્લી તારીખ ૯/ ૧૨ એટલે કે સોમવારે સાંજ સુધીની છે. તા. ૧૦ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ પ્રથમ યાદી જાહેર કરાશે. અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદ્દત પૂરી થતાં ઉમેદવારોની અંતિમયાદી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર કાર્યમાં ગરમાવો આવશે, તેમ મનાય છે.
(3:37 PM IST)










