<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રાજકોટના રેલનગરમાં સીટી બસના ચાલકને એટેક આવતા મોત, બસની ઠોકરે રીક્ષાચાલકને ઇજા, રીક્ષાની ઠોકરે રાહદારી મહિલાનું મોત

રાજકોટ: શહેરના રેલવદરમાં સાંજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે જેમાં સીટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવી જતા કાબુ ગુમાવતા આ બસની ઠોકરે એક રીક્ષા ચડી ગઈ હતી અને તેના ચાલકને ઇજા ઘી હતી. તેમજ બસની ઠોકરે ચડેલી આ રીક્ષાની ઠોકરે એક રાહદારી મહિલા ચડી જતા આ મહિલાનું મોત થયું હતું. હાર્ટ એટેકને કારણે સીટી બસના ચાલકનો પણ જીવ ગયો હતો.

 જાણવા મળ્યા મુજબ સાંજે રેલ નગરમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના બની છે જેમાં રૂટ નંબર ૪૦ની સીટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટએટેક આવી જતા બસની ઠોકરે આગળ જઇ રહેલી એક રીક્ષા ચડી ગઇ હતી. જ્યારે આ રિક્ષાની ઠોકરે એક રાહદારી મહિલા ચડી ગયા હતા. 

આ અકસ્માતમાં બસના ડ્રાઇબર  તથા રીક્ષા ચાલક અને રિક્ષાની ઠોકરે ચડેલા મહિલાને ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં બસના ચાલક અને રાહદારી મહિલાને ડોક્ટરે મૃત જાહેર કરતા અરેરેરાટી ફેલાઈ ગઈ હતી 

વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર સીટી બસ રૂટ નંબર ૪૦ના ચાલકનું નામ પરસોત્તમભાઈ બારૈયા ઉંમર વર્ષ આશરે ૫૦ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રીક્ષાની અડફેટે મૃત્યુ પામનાર મહિલાનું નામ સંગીતાબેન ગંગારામભાઈ માકડીયા ઉં.વ ૩૫  હોવાનું અને તેઓ રેલનગર મેઇન રોડ પાર્થ સ્કૂલ પાસે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરેથી કોઈ ચીજવસ્તુ લેવા નીકળ્યા હતા ત્યારે આ અકસ્માતમાં ભોગ બની ગયા હતા. તેઓ ઘરે બેઠા મોતી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બીજી તરફ રીક્ષા ચાલકનું નામ મુકેશભાઈ તાજસિંહ રાઠોડ ઉંમર વર્ષ ૩૧ હોવાનું જાણવા મળ્યું છે તેને પણ ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા છે. બસની ઠોકરે રીક્ષા ચડ્યાબાદ રીક્ષાની ઠોકરે મહિલા તેમજ એકટીવા પણ ચડી ગયું હતું. તેમજ અન્ય એક રાહદારીને પણ ઇજા થયાનું જાણવા મળે છે. બનાવને પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા પ્ર.પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો

(8:10 PM IST)