News of Friday, 6th December 2024
પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ દઇ દેહ પીંખ્યા બાદ પ્રેમીએ બીજે સગાઇ કરી લેતાં યુવતિએ એસિડ પીધું
મોરબી પંથકનો બનાવઃ છવ્વીસ વર્ષિય યુવતિને સારવાર માટે રાજકોટ ખસેડાઇઃ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૬: પ્રેમજાળમાં ફસાવી યુવતિઓનું શોષણ કરી બાદમાં જે તે પ્રેમી દ્વારા તેને તરછોડી દઇ દગાખોરી આચરવામાં આવતી હોવાના બનાવો અનેક વખત બને છે. આવો વધુ એક કિસ્સો મોરબી પંથકમાં સામે આવ્યો છે. છવ્વીસ વર્ષની યુવતિ એક ખાનગી સ્ટળે નોકરી કરતી હોઇ ત્યાં આવતાં એક શખ્સે તેણી સાથે ઓળખાણ કેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેનો દેહ ભોગવી લીધો હતો. પરંતુ બાદમાં આ યુવાને બીજી યુવતિ સાથે સગાઇ કરી લેતાં તેમજ યુવતિએ લગ્ન માટે ફોન કરતાં આ શખ્સે હવે ફોન કરતી નહિ, તુ તારા રસ્તે અને હું મારા રસ્તે તેમ કહી ધમકી આપતાં આઘાતને કારણે તેણીએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ મોરબી પંથકમાં રહેતી ૨૬ વર્ષની યુવતિએ ગઇકાલે વોટર પ્લાન્ટ નજીક એસિડ પી લેતાં મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે નોંધ કરાવી હતી. યુવતિ છ ભાઇ બહેનમાં વચેટ છે અને ખાનગી નોકરી કરે છે. તેના ભાઇએ વિગતો આપતા જણાવ્યું હતું કે મારી બહેન જ્યાં નોકરી કરે છે એ સ્થળે એક એક યુવાન અને તેના પત્નિ આવતાં હોઇ એ યુવાન સાથે તેનો એક મિત્ર પણ આવતો હતો. આ શખ્સે મારી બહેન સાથે પરિચય કેળવ્યો હતો અને મિત્રતા બાંધ્યા બાદ તેણીને પોતે લગ્ન કરવા ઇચ્છે છે તેમ કહી પ્રેમજાળમાં ફસાવી હતી.
લગ્નની લાલચ દઇ આ શખ્સે મારી બહેન સાથે અલગ અલગ સ્થળે શરીર સંબંધ પણ બાંધી લીધા હતાં. હવે મારી બહેન તેને લગ્ન માટે કહેતી હતી એ વખતે જ મારી બહેનને ખબર પડી હતી કે તેની જાણ બહાર તેના પ્રેમીએ બીજે સગાઇ કરી લીધી છે. આથી તે આઘાતમાં ગરક થઇ ગઇ હતી. તેણે પ્રેમીને ફોન કરી આવી દગાખોરી શું કામ કરી? તેમ પુછતાં પ્રેમીએ હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે, હવે પછી મને ફોન કરતી નહિ તેમ કહી ધમકાવી હતી. આથી મારી બહેનને માઠુ લાગી જતાં તેણીએ ગઇકાલે સાંજે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મામલતદાર ડીડી લેવા આવ્યા તેને મારી બહેને વિગતો જણાવી હતી. આ મામલે અમે વૈભવ નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવવા તજવીજ કરી છે. તેમ વધુમાં યુવતિના ભાઇએ જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ મામલે વિશેષ કાર્યવાહી આદરી હતી.
(11:19 AM IST)










