<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

રૂડા ટ્રાન્‍સપોર્ટનગરની પેઢી સાથે નાગપુરના પિતા-પુત્ર અને ગાંધીધામના શખ્‍સની ૨૨ લાખની ઠગાઇ

પેલેસ રોડ પર રહેતાં હીરેનભાઇ પટેલની કુવાડવા પોલીસમાં ફરિયાદઃ હીરેનભાઇની પેઢી સાથે પાંચ વર્ષની વેપાર કરતાં ગાંધીધામના ચિરાગ શાહે વચ્‍ચે રહી નાગપુરના ભાઉરાવ ગાવંડે અને તેના દિકરા સ્‍પર્શ ગાવંડેને ૨૭ લાખનું ઓઇલ મોકલ્‍યું હતું: તેના પાંચ લાખ દઇ બાકીની રકમનો ધૂંબો મારી દીધો

રાજકોટ તા. ૬: શહેરના કુવાડવા રોડ પર નવાગામ આણંદપરમાં રૂડા ટ્રાન્‍સપોર્ટનગરમાં પેઢી ધરાવતાં પેલેસ રોડના યુવાન સાથે નાગપુરના પિતા-પુત્ર અને ગાંધીધામના શખ્‍સે મળી રૂા. ૨૭,૦૪,૪૭૦નું ૨૮૬૩૦ કિલોગ્રામ ડિસ્‍ટીલેટ ઓઇલ ખરીદી તે પૈકી માત્ર રૂા. ૫,૦૦,૦૦૦ ચુકવી બાકીના ૨૨ લાખ ન ચુકવી તેમજ બે ત્રણ દિવસમાં આપી દઇશું તેમ કહી ખોટા વાયદા આપી કોરા ત્રણ ચેક સહી કરીને આપ્‍યા હોઇ તે પણ બીજી કોઇ પેઢીના નામના આપ્‍યો હોઇ ત્રણેય સામે ઠગાઇની ફરિયાદ દાખલ કરાવાઇ છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે વર્ધમાનનગર પેલેસ રોડ પર રહેતાં હીરેનભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી નાગપુરના ભાઉરાવ ગાવંડે, સ્‍પર્શ ગાવંડે અને ગાંધીધામ કચ્‍છના ચિરાગ હર્ષદભાઇ શાહ વિરૂધ્‍ધ બીએનએસની કલમો ૩૧૬ (૨), ૩૧૮ (૪), ૫૪ મુજબ રૂા. ૨૨,૦૪,૦૭૦ની છેતરપીંડી કરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હીરેનભાઇ પટેલે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રૂડા ટ્રાન્‍સપોર્ટ નગર નવાગામ આણંદપરમાં પેટ્રોલ્‍યુબ્‍સના નામથી ભાગદારીમાં પેઢી ચલાવુ છું. મારી સાથે અન્‍ય ભાગીદારોમાં હેતલબેન અંકિતભાઇ મેથાણીયા તથા મારા પત્‍નિ રીમ્‍પલબેન હિરેનભાઇ પટેલ છે. અમારા બધાની ૩૩-૩૩ ટકાની ભાગીદારી આ પેઢીમાં છે. અમારી પેઢી ખરીદ-વેચાણનું કામ કરે છે. આ તમામ કામ મેનેજર મોરબીના અશ્વિનભાઇ ચંદુભાઇ ડાંગર સંભાળે છે. અમારી પેઢી દ્વારા ઓઇલનું હોલસેલમાં વેંચાણ પણ કરીએ છીએ. ગાંધીધામના ચિરાગ શાહ યાના એગ્રો ઇમ્‍પેક્‍ટ નામે અમારે ત્‍યાંથી છેલ્લા પાંચ વર્ષથી માલ ખરીદી વેંચાણ કરે છે.

આજથી પાંચેક મહિના પહેલા અમારા મેનેજર અશ્વીનભાઇ અમારી રૂડા ટ્રાન્‍સપોર્ટનગરની પેટ્રોલ્‍યુબ્‍સ પેઢી ખાતે હતાં ત્‍યારે ચિરાગ શાહે ફોન કરી કહેલુ કે તેના જાણીતા નાગપુર-મહારાષ્‍ટ્રના ભાઉરાવ ગાવંડે અને તેનો દિકરો સ્‍પર્શ ગાવંડે ત્‍યાં નાગપુરમાં સ્‍પર્શ પેટ્રોલિયમની માલિકી ધરાવે છે. તેમને તમારી પાસેથી માલ ખરીદવો છે, તેમને તમે માલ આપજો પેમેન્‍ટની તમામ જવાબદારી મારી રહેશે. એ પછી ચિરાગે કોન્‍ફરન્‍સ કોલથી ભારઉરાવ ગાવંડે સાથે અમારા મેનેજર સાથે વાત કરી હતી. આ વાત મેનેજર અશ્વીનભાઇએ મને કરી હતી. ચિરાગ શાહ અમારી સાથે પાંચ વર્ષથી વિશ્વાસ પુર્વક ધંધો કરતાં હોઇ જેથી અમે તેના પર ભરોસો રાખી તેના કહેવાથી ભાઉરાવ ગાવંડે સાથે ઓર્ડર માટે વાત કરી હતી.

જે તે વખતે નક્કી થયેલુ કે માલ ચેક કરી પુરુ પેમેન્‍ટ આપવાનું રહેશે. એ પછી તા. ૨૯/૬/૨૪ના રોજ અમારી પેઢીમાંથી ભાઉરાવ ગાવંડેના નાગપુરની સ્‍પર્શ પેટ્રોલીયમના નામે અમે ૨૮૬૩૦ કિલોગ્રામ ડિસ્‍ટીલેટ ઓઇલ કે જેની કિમત રૂા. ૨૭,૦૪,૪૭૦ થાય છે તે માલ ટ્રાન્‍સપોર્ટ ખર્ચના રૂા. ૨,૫૬,૫૨૫ અલગથી ગણીને તેને નાગપુર ખાતે ૧૧/૭/૨૪ના રોજ મોકલ્‍યો હતો. માલ નાગપુર સમયસર પહોંચી ગયો હતો અને ભાઉરાવ ગાવંડે અને તેના દિકરા સ્‍પર્શ ગાવંડેએ માલ ચેક કરી લઇ માલ સંભાળી લીધો હતો અને બીજા દિવસે જ અમારી પેઢીના એકાઉન્‍ટમાં રૂા. ૫,૦૦,૦૦૦નું પેમેન્‍ટ મોકલી દીધુ હતું. બાકીના રૂપિયા તેઓ એક બે દિવસમાં આપશે તેમ કહ્યું હતું. પરંતુ અઠવાડીયુ વીતી ગયુ છતાં પેમેન્‍ટ ન આવતાં અમે ગાંધીધામના ચિરાગ શાહને વાત કરી હતી.

ચિરાગ શાહે પણ બે ત્રણ દિવમસાં ભાઉરાવ પાસેથી પેમેન્‍ટ કરાવી દેશે તેવી વાત કરી હતી. એ પછી સ્‍પર્શ ગાવંડે નાગપુરથી ગાંધીધામ ચિરાગ શાહ પાસે આવેલ અને અમારા સેલ્‍સ મેનેજર અશ્વીનભાઇ સાથે બીજા મટીરીયલ્‍સની વાત કરી હતી. અમારુ બીજુ મીટીરીયલ સીઆરએલ ટર્મીનલ ખાતે હોઇ ચિરાગ અને સ્‍પર્ક ગાવંડે ત્‍યાં જોવા ગયા હતાં. આ મટીરીયલ ખરીદવાની પણ તેણે તૈયારી બતાવી હતી. ત્‍યારે અમારા મેનેજર અશ્વીનભાઇએ આગલા બાકી નીકળતા પેમેન્‍ટ વિશે પુછતાં સ્‍પર્શ ગાવંડેએ બે-ત્રણ દિવસમાં નાગપુર પહોંચીને મોકલી દેશે તેમ કહ્યું હતું. જો કે તેણે કરેલા વાયદા મુજબ આ પેમેન્‍ટ અમને ન મળતાં અમે બીજા માલની ડિલીવરી કરી નહોતી.

એ પછી અમે અવાર-નવાર સ્‍પર્શ અને તેના પિતા ભાઉરાવ પાસે તેમજ વચ્‍ચે રહેલા ગાંધીધામના ચિરાગ શાહ પાસે અમારા બાકી નીકળતાં રૂપિયાની ઉઘરાણી કરી હતી પરંતુ તે બહારના બતાવવા માંડયા હતાં. ત્‍યારબાદ ૧/૮/૨૪ના રોજ અમારા મેનેજર અશ્વીનભાઇ અને ભાગીદાર હેતલબેનના પતિ અંકિતભાઇએમ બંને નાગપુર ભાઉરાવ ગાવંડે અને સ્‍પર્શ ગાવંડેને મળવા રૂબરૂ ગયા હતાં. ત્‍યારે પણ બંને પિતા-પુત્રએ બે ત્રણ દિવસમાં પેમેન્‍ટ મોકલી જ દેશે તેવો વાયદો કર્યો હતો.  આ પછી અમે ચિરાગ શાહ પાસે પણ ઉઘરાણી ચાલુ રાખી હતી. ચિરાગ પણ તા. ૬/૮/૨૪ના રોજ નાગપુર ગયેલ અને ૮/૮ના પરત આવી કહેલુ કે સ્‍પર્શ ગાવંડે ત્‍યાં હાજર નથી. એ પછી ચિરાગે સ્‍પર્શના  પિતાજી ભાઉરાવ ગાવંડેની કંપની ન્‍યુ પેટ્રોકેમિકલ્‍સની પેઢીના ત્રણ કોરા ચેક સહીવાળા સિક્‍યુરીટી પેટે મને આપ્‍યા હતાં.

પરંતુ અમારા મેનેજરે ચેક બેંકમાં નાખવા બાબતે ભાઉરાવ ગાવંડે સાથે વાત કરતાં તેણે ચેક નાખવાની ના પાડી હતી અને ચેક બીજી પેઢીના નામે હોઇ અમે તે પેઢીના સંચાલકને ઓળખતા ન હોઇ ચેક બેંકમાં નાંખ્‍યા નહોતાં. અમારા બાકી નીકળતાં નાણા રૂા. ૨૨,૦૪,૪૭૦ આજ સુધી ભાઉરાવ ગાવંડે, સ્‍પર્શ ગાવંડે અને ચિરાગ શાહે પાછા આપ્‍યા ન હોઇ અંતે ફરિયાદ દાખલ કરાવવી પડી હતી. તેમ વધુમાં હીરેનભાઇ પટેલે જણાવતાં કુવાડવા પીઆઇ  બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ એન. આર. વાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:04 PM IST)