<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

કલ્‍પસર સરોવર સમિતિ કાર્યરતઃ દુષ્‍કાળ ભૂતકાળ બની જશે

કલ્‍પસર સરોવર નિર્માણ માટે કોઇની જમીન સંપાદન થતી નથી, સ્‍થળાંતર થતુ નથી, ખેતી લાયક જમીન ડુબમાં જતી નથી, ૧૦ હજાર કરોડ ઘન લીટર મીઠું પાણી મળશે, માર્ગનું અંતર ઘટશે, ડેમ ઉપર ૮ માર્ગીય રોડ, રેલ્‍વે, પાઇપ લાઇન, સુવિધા મળશે રોજગાર, પુરતુ પાણી , ઘાસચારો, પવન ઉર્જા, સૌર ઉર્જા મળશે. ગંજાવર બાયોગેસ પ્‍લાન્‍ટની હારમાળા સર્જી શકાશે ખારાશ પ્રવેશતી-પ્રસરતી બંધ થશે, સમુદ્ર કાંઠે અનેક ઉદ્યોગો શકય બનશે :માનસ સદભાવના રામકથા દરમિયાન કલ્‍પસર સરોવરનો લાઇવ ડેમો રાજુ કરાય : વિનુભાઇ ગાંધી ૯૭ વર્ષની વયે પણ જન કલ્‍યાણને સમર્પિત

રાજકોટઃ માનસ સદભાવના રામકથામાં વિનુભાઇ ગાંધી હાજર રહયાં હતાં. ૯૭ વર્ષના વિનુભાઇ ગાંધીએ આ તકે સૌરાષ્‍ટ્ર કચ્‍છની જળ સમસ્‍યાનો એક જ વિકલ્‍પ કલ્‍પસર યોજના વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતુ કે આપણે વડાપ્રધાનને વિનંતી કરીએ કે તેઓ આ યોજનાઓનું વહેલી તકે ખાત મુર્હુત કરે. આપણે સૌ માંગણી નહીં પણ સહયોગ કરીએ. કલ્‍પસર સરોવર સમિતીએ જણાવ્‍યું છે.

વિનુભાઇ ગાંધી તેમજ કલ્‍પસર સરોવર સમિતીના સભ્‍યો પરસોતમભાઇ કમાણી, વિજયભાઇ ડોબરીયા, વસંતભાઇ લીંબાસીયા, દિલીપભાઇ સખિયા, પુનીતભાઇ ચોવટીયા દ્વારા માનસ સદભાવના રામકથા દરમિયાન કલ્‍પસર સરોવરનો લાઇવ ડેમો પણ બતાવવામાં આવ્‍યો હતો. હજારો લોકોએ લાઇવ ડેમો નિહાળ્‍યો હતો. આ સાથે કલ્‍પસર સરોવરના વિવિધ ફાયદાઓ પણ સમજાવવામાં આવ્‍યા હતાં. રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઇ ધોળકીયા, મથુરભાઇ સવાણી, લાલજીભાઇ પટેલ, કેશુભાઇ ગોટી, ગોરધનભાઇ ઝડફીયા સાથે આણૅદબાવા સંસ્‍થા, જામનગરના પૂ.મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ, એસ.જી.વી.પી.ના અધ્‍યક્ષ પ.પૂ. માધવપ્રિયદાસજી સાથે સહીત અનેક સંતો મહંતોની રામકથા દરમિયાન ઉપસ્‍થિતી દરમિયાન લાઇવ ડેમો દર્શાવાયો. કલ્‍પસર સરોવર નિર્માણના ઘણાં ફાયદાઓ છે. કલ્‍પસર સરોવર ભૌગોલીક રીતે ગુજરાતની જ હહમૉ આવેલું છે અને ઘણાં વિસ્‍તારને સ્‍પર્શે છે. કલ્‍પસર સરોવરના નિર્માણ માટે કોઇની જમીન સંપાદન થતી નથી, કોઇનું સ્‍થળાંતર થતુ નથી કે ખેતીલાયક જમીન ડુબાણમાં જતી નથી. કલ્‍પસર સરોવર દ્વારા જળસંકટ વિસ્‍તારની દસેક લાખ હેકટર જમીનને સિંચાઇ તેમજ પીવા માટે દસ હજાર કરોડ ઘન મીટર મીઠું પાણી મળશે, જેથી ઉતર ગુજરાત અને મધ્‍ય ગુજરાતને નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે. મધ્‍ય તેમજ દક્ષિણ ભારત સાથે સુરત મારફત ગુજરાતનું અને મધ્‍ય તથા દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્‍ટ્રનુ઼ આદાન- પ્રદાન વધશે અને માર્ગનું અંતર ઘણું ઘટશે. તેથી ઇંધણ અને સમયની બચત થશે અને પ્રદુષણ ઘટશે. બધું મળીને ચારેક લાખ હેકટર ખારાપાટની અને ડુબવાળી જમીન વાપરવા લાયક બનશે.

 સરોવરના ડેમ ઉપર આઠ માર્ગીય રસ્‍તા ઉપરાંત રેલ્‍વે, પાઇપ લાઇન, પવનઉર્જા સૌર ઉર્જાની હારમાળા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ઘ થશે. વહાણવટુ, પર્યટન, મત્‍સ્‍યોધ્‍યોગ વગેરેથી અનેક લોકોને કામધંધા અને રોજગાર મળશે. પશુધન માટે પુરતુ પાણી અને ઘાસચારો ઉપલબ્‍ધ થવાથી પશુપાલનને વેગ મળશે. ડેમ હેઠવાસના સમુદ્રની ભરતી-ઓટ જન્‍ય વિજળી કાંઇ બળતણ વગર અપસાઇડ ડાઉન અંડરવોટર વીન્‍ડમીલની અધ્‍યતન ટેકનોલોજી હજારો મેગાવોટ જેટલી વિજળી ઉત્‍પન કરી શકાશે. ખારોપાટવાળી જમીનમાં વિશાળ ઘાસપ્‍લોટ તથા બિનદુધાળ, વૃધ્‍ધ કે રખડતા પશુના ઢોરવાડા દ્વારા ગંજાવર બાયોગેસ પ્‍લાન્‍ટની હારમાળાનું નિર્માણ કરી શકાશે. જેથી નિંદામણમુકત ઉપજાઉ છાણિયું ખાતર, બળતણ માટે ગેસ, વાહન માટે સી.એન.જી.અને વિજળી મળતા થશે. નદીઓમાં ભરતીનું ખારૂં પાણી બંધ થવાથી ભૂમિમાં ખારાશ પ્રવેશતી તેમજ પ્રસરતી બંધ થશે. જેથી ભૂમિની ફળદ્રુપતા વધશે.  વનીકરણ તેમજ વૃક્ષારોપણને વેગ મળવાથી પર્યાવરણ સુધરશે. ખંભાત, ધોલેરા, ભાવનગર સમુદ્ર કાંઠાના વિસ્‍તારમાં અનેક ઉદ્યોગો અને યોજનાઓનું નિર્માણ શકય બનશે. કલ્‍પસર પ્રોજેકટમાં ગુજરાત રાજય પણ ભાગીદાર હોવાથી રાજયની આવકમાં વધારો થશે. જેથી વર્ષોવર્ષ વધ્‍યે જતું જાહેર દેવું ભરવા માટે આવકનો ઉપયોગ શકય બનવાથી રાજય ક્રમશઃ ઋણમુકત બની શકશે.

 ચોમાસામાં સરોવરની મહતમ જળસપાટીથી વધારાનું પાણી નળ સરોવર મારફત કચ્‍છના સુરજબારી થઇને નાના રણમાં વહેવડાવવા માટે સાનુકુળ ઢોળાવની ગ્રેવીટીનો લાભ લઇ શકશે. ગુજરાત ભારતનું પુરતુ પાણી ધરાવતું સર્વપ્રથમ સ્‍વનિર્ભર રાજય બનશે. સમસ્‍ત ગુજરાત જળસંપન્ન બનશે. વધુમાં ગુજરાતનો સંતુલીત તેમજ સર્વાગી વિકાસ શકય બનશે. આ યોજના સાકાર થાય તો દેશની જીડીપછમાં વધારો થશે. આ યોજનાથી ગુજરાતના લોકોનો ધંધા, રોજગાર, નોકરી થકી સર્વાગી વિકાસ થશે. આ યોજનાથી સૌરાષ્‍ટ્રમાં દુષ્‍કાળ પણ ભૂતકાળ બની જશે તેવો દાવો કલ્‍પસર સમિતીના જળજાગૃતી અગ્રણીઓએ કર્યો છે.

ગુજરાતમાં આ યોજના શરૂ થયેલ હતી, તેનું બજેટ ફાળવણી પણ શરૂ થઇ ગયું હતું પરંતુ કોઇપણ કારણસર આ યોજનાનો અમલ ન થયો હોવાથી વિનુભાઇ ગાંધીના માર્ગદર્શન હેઠળ કલ્‍પસર જળ જાગૃતિ સમિતી બનાવવામાં આવી છે. આ યોજના વહેલામાં વહેલી શરૂ થાય એ માટે પ્રયત્‍નો શરૂ કરવામાં આવ્‍યા છે. આ અંગે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પણ પત્ર લખીને આ બાબતે વિનંતી કરાઇ હોવાનું જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિનુભાઇ ગાંધીનું રાજકોટ ખાતે સદભાવના વૃધ્‍ધાશ્રમ આયોજીત રામકથામાં પૂજય મોરારીબાપુની હાજરીમાં ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. પરસોતમ કામાણી, વિજયભાઇ ડોબરીયા, ડો.દિનેશભાઇ ચોવટીયાની ઉપસ્‍થિતીમાં વિનુભાઇ ગાંધીએ ૧૧,૧૧,૧૧૧ની રકમ સદભાવના વૃધ્‍ધાશ્રમને અર્પણ કરી હતી તેમ સમિતીની યાદી જણાવે છે.

(2:22 PM IST)