News of Friday, 6th December 2024
એકાઉન્ટન્ટને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવ્યાઃ નકલી પોલીસ ઝડપાયો
એકાઉન્ટન્ટ યુવાનની કારને આંતરી ‘તે બસ સ્ટેશન પાછળ છોકરીને હોટેલમાં લઇ જઇ ખરાબ કર્યુ છે, કેસ થશે...હું પોલીસવાળો છું, ડી. સ્ટાફમાં છું...હવે કેસ કરવો પડશે તેમ કહી ડરાવી ધમકાવી ૪૦ હજારની રોકડ પડાવી હતીઃ યુવાન છોકરી સાથે શરીર સુખ માણીને હોટેલમાંથી નીકળી કાર લઇ રવાના થતાં ટુવ્હીલરથી પીછો કરી આંતર્યો હતો :ત્રણ મહિના પહેલા ભોગ બનેલા મવડી કણકોટ રોડના યુવાને એ-ડિવીઝન પોલીસમાં જે તે વખતે અરજી કરી હતીઃ તેના આધારે દૂધની ડેરી પાસે રહેતાં શખ્સ અલ્તાફ ખેરડીયાને દબોચી લેવાયોઃ અગાઉ મારામારીના ચાર ગુનાઓમાં સંડોવણીઃ રિમાન્ડ મેળવવા તજવીજ : અરજી બાદ સીસીટીવી કેમેરા ચેક કરાયા હતાં, ટીમ સતત વોચમાં હતીઃ ફરી આરોપી બસ સ્ટેશન પાછળ આવતાં જ પકડી લેવાયોઃ પીઆઇ આર. જી. બારોટ

નકલી પોલીસ અલ્તાફ ખેરડીયા
રાજકોટ તા. ૬: શહેરના કણકોટ રોડ પર રહેતાં અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં યુવાનને તે ત્રણ મહિના પહેલા એસટી બસ સ્ટેશન પાછળ એક છોકરીને લઇને ત્યાંની હોટેલમાં ગયો હોઇ અને બાદમાં હોટેલમાંથી બહાર નીકળી કાર લઇને નીકળ્યો એ પછી એક ટુવ્હીલર ચાલકે પીછો કરી સોરઠીયા વાડી સર્કલથી આગળ ૮૦ ફુટ રોડ પર તેને આંતરી ‘હું પોલીસવાળો છું, ડી. સ્ટાફમાં છું, તારો બસ સ્ટેશન પાછળથી પીછો કરુ છું, તે છોકરીને હોટેલમાં લઇ જઇ ખરાબ કામ કર્યુ છે, કેસ કરવો છે કે વહિવટ કરવો છે?' કહી ડરાવી ધમકાવી તેની પાસેથી ૪૦ હજાર પડાવી લીધા હતાં. જે તે વખતે કરેલી અરજીને આધારે એ-ડિવીઝન પોલીસે આ નકલી પોલીસને દબોચી લેતાં હવે ગુનો દાખલ થયો છે. ઝડપાયેલા આ શખ્સ વિરૂધ્ધ અગાઉ પણ અનેક ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મવડી ચોકડી નજીક રહેતાં અને લીમડા ચોકમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી ગુજરાન ચલાવતાં ૨૨ વર્ષના યુવાનની ફરિયાદ પરથી દુધની ડેરી પાસે ઝમઝમ પાનવાળી શેરીમાં બાપુના મકાનમાં રહેતાં અલ્તાફ દિલાવરભાઇ ખેરડીયા (ઉ.વ.૨૫) વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૦૮ (૨), ૨૦૪ મુજબ નકલી પોલીસ બની આ યુવાનની કારને આંતરી તમે બસ સ્ટેશન પાછળ હોટેલમાંસ્ત્રી સાથે ખરાબ કામ કર્યુ છે...કહી ડરાવી ધમકાવી રૂા. ૪૦ હજાર પડાવી લીધાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
ભોગ બનેલા યુવાને વધુમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરુ છું. મારી પાસે સ્વીફટ કાર છે. આ કાર લઇને હું તા. ૨૦/૭ના રોજ બસ સ્ટેશન પાછળ ગયો હતો અને ત્યાં ચાની દુકાને ચા પીવા ઉભો હતો ત્યારે એક બહેન ઉભચી હોઇ તે મારી સામે જોઇ ઇશારા કરતી હોઇ મેં તેની પાસે જઇ વાતચીત કરી હતી. મને શરીર સુખ માણવાની ઇચ્છા થતાં મેં તેને શું ભાવ છે? તેમ પુછતાં તેણે હોટલ સહિત રૂા. ૧૫૦૦ થશે તેમ કહેતાં હું તેની સાથે રાતે મૂન હોટલમાં ગયો હતો. જ્યાં શરીર સુખ માણીને રાતે દસેક વાગ્યે હું મારી કાર લઇને ભૂતખાના ચોક થઇ નાગરિક બેંક ચોક થઇ સોરઠીયાવાડી સર્કલ થઇ ૮૦ ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમ પાસે પહોંચ્યો હતો.
આ વખતે રાતે સવા દસેક વાગ્યે એક એક્સેસનો ચાલક મારી કાર પાસે આવ્યો હતો અને મારી કાર આડે તેનુ વાહન નાખતા મેં મારી ઉભી રાખી કાચ ઉતારતાં એક્સેસવાળાએ કહેલુ કે-હું પોલીસવાળો છું, અને ડી. સ્ટાફમાં નોકરી કરુ છું. હું તારો બસ સ્ટેન્ડથી પીછો કરી રહ્યો છું, તારી ગાડીનું લાયસન્સ મને બતાવ તેમ કહેતાં મેં મારુ ડ્રાઇવીંગ લાયસન્સ બતાવ્યું હતું. આ પછી એ શખ્સે મને કહેલુ કે તે બસ સ્ટેશન પાછળની હોટેલમાં છોકરી સાથે ખરાબ કામ કર્યુ છે જેથી તારે પોલીસ સ્ટેશને આવવુ પડશે. તેમ કહી પોતાને પોલીસવાળા તરીકે ઓળખાવનાર શખ્સ મારી સાથે કારમાં બેસી ગયો હતો. મને કાર ભક્તિનગર સર્કલની સામે લઇ લેવાનું કહેતાં મેં તેમ કર્યુ હતું.
ત્યારબાદ એ શખ્સે હવે પોલીસ ચોકીએ જવું છે કે અહિ વહિવટ પતાવવો છે? તેમ પુછી મારી પાસે ૧,૫૦,૦૦૦ રૂપિયા માંગ્યા હતાં. પરંતુ મેં આટલા રૂપિયા મારાથી નહિ થાય તેમ કહેતાં મને ધમકાવવા લાગેલો કે તે હોટેલમાં જે કર્યુ છે તેનો તારી ઉપર કેસ થશે. તેમ કહી ધમકાવી છેલ્લે ૪૦ હજાર આપી દેવાનું તેણે કહેતાં મેં એટીએમમાંથી ૨૦ હજાર ઉપાડીને અને બીજા ૨૦ હજાર ગૂગલ પેથી તેને આપ્યા હતાં. એ પછી તે આ રકમ લઇ નીકળી ગયો હતો. બદનામી ન થાય જેથી મેં ફરિયાદ કરી નહોતી. પણ જે તે વખતે અરજી કરી દીધી હતી. દરમિયાન પોલીસે આ અરજીને આધારે તપાસ આરંભી પોલીસના નામે ઓળખ આપી મારી પાસેથી રૂપિયા પડાવી જનારાને પકડી લીધાનું મને જણાવતાં મેં હવે ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સનું નામ અલ્તાફ દિલાવરભાઇ ખેરડીયા હોવાનું મને જાણવા મળ્યું હતું. તેમ વધુમાં ભોગ બનેલા યુવાને જણાવતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં એએસઆઇ કાજલબેન કે. માઢકે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ એમ. ડી. ડાંગીએ હાથ ધરી છે.
એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટના જણાવ્યા મુજબ નકલી પોલીસ બની રૂપિયા પડાવનારો અલ્તાફ ખેરડીયા અગાઉ પણ મારામારીના ચાર ગુનામાં સંડોવાઇ ચુકયો છે. અરજી આવી હોઇ જેથી અમારી ટીમ સીસીટીવી કેમેરા ચેક કરવા કામે લાગી હતી. જેના કારણે આરોપીનો ચહેરો અમને મળી ગયો હતો. આ પછી સતત વોચ રાખી હોઇ ફરીથી આ શખ્સ બસ સ્ટેશન પાછળ આવતાં જ તેને પકડી લેવાયો હતો. તેણે એવુ રટણ કર્યુ છે કે જે તે વખતે તેના પિતા બિમાર હોઇ દવા સારવાર માટે રૂપિયાની જરૂર હોઇ જેથી આ ગુનો આચર્યો હતો. આ શખ્સ વધુ કોઇ ગુનામાં સામેલ છે કે કેમ? તેની વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
(3:01 PM IST)










