<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

૧૫ મીએ હેમુગઢવી હોલમાં ‘સનાતન સંધ્‍યા'

વેદની વાતોથી આજની વેદના દુર કરવા સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશનનો નવતર પ્રયોગ : સાંઇરામ દવે

રાજકોટ તા. ૬ : વેદની વાતોથી આજની વેદનાને દુર કરી સંવેદના પ્રગટાવવા શ્રીસાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા આગામી તા. ૧૫ ના રાત્રે ૯ વાગ્‍યે હેમુગઢવી હોલ ખાતે ‘સનાતન સંધ્‍યા'નો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

‘અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા સંસ્‍થાના ફાઉન્‍ડર અને જાણીતા હાસ્‍ય કલાકાર સાંઇરામ દવેએ જણાવ્‍યુ હતુ કે આ નિત્‍ય બદલાતી દુનિયામાં સતત સંઘર્ષ, દમન અને વિકારોના આક્રમણ વચ્‍ચે ધર્મમાં ચિરકાળ સ્‍થિર રહેવાની કોઇ કળા હોય તો તે સનાનતની પરંપરા છે. પરમ સત્‍યની ખોજ અને મોજનું ઠેકાણુ આપણી સનાતની પરંપરા છે. આ પરંપરા જળવાઇ રહે તે માટે સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા સનાતન સંધ્‍યાનું આયોજન કરાયુ છે.

જેમાં આદી શંકરાચાર્યજીના જીવન ચરિત્રને લોકશૈલીમાં રજુ કરવાનો નમ્ર પ્રયાસ થશે. જેમાં સનાતન ધર્મના વિવિધ પાસાઓ અને શ્રી શંકરાચાર્યજીના જીવન કવન વિષે સંતીતમય શૈલીમાં રજુઆત થશે.

નિરવ રાયચુરા, હિમાંશુભાઇ ચૌહાણ  અને સાથી કલાકારો સાથે ખુદ સાંઇરામ દવે આ સંગીતયાત્રા કરાવશે.

કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા તેમજ અતિથિ વિશેષ તરીકે અમદાવાદથી ભાગવત કથાકાર શ્રી રામેશ્વરબાપુ હરીયાણી, કેન્‍યા-નૈરોબીથી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી નિતિનભાઇ માલદે તેમજ ન્‍યુ દિલ્‍હી ભારત સ્‍કાઉટ ગાઇડના નેશનલ કમિશ્‍નર શ્રી મનિષભાઇ મહેતા ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમ નિઃશુલ્‍ક છે. પરંતુ એન્‍ટ્રી માટે રજીસ્‍ટ્રેશન કરાવવુ જરૂરી છે. આ રજીસ્‍ટ્રેશન માટે www.sailaxmi foundation.com/sanatansandhya ઉપર વિઝીટ કરવાની રહશે. આ સાઇટ ઉપરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે.

વધુને વધુ લોકોએ આ કાર્યક્રમ માણવા સાંઇલક્ષ્મી ફાઉન્‍ડેશન દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા સાંઇરામ દવે નજરે પડે છે.

 

(3:05 PM IST)