News of Friday, 6th December 2024
ખામટાના ભુવાના ધતીંગ ખુલ્લા પાડતી વિજ્ઞાન જાથા
રાજકોટની યુવતિ દ્વારા કરાયેલ ફરીયાદ બાદ વિજ્ઞાન જાથા મેદાનમાં ઉતરી : ભુવા દ્વારા યેનકેન રીતે પીડીતો સાથે છેતરપીંડી થતી હોવાની વિગતો બહાર આવી : ઓનલાઇન કોન્ફરન્સમાં દોરા બાંધી દેવાની વિધી કરાતી : અંતે ભુવાએ કબુલાતનામુ આપતા મામલો પૂર્ણ જાહેર કરાયો

રાજકોટ તા. ૬ : ખામટાના ભુવા દ્વારા ચાલતી ધતીંગલીલા ખુલ્લી પાડી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસની મદદથી ૧૨૫૯ મો સફળ પર્દાફાશ કર્યો છે.જાથાની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા પોલીસ સ્ટેશનમાં મેટોડાના વિરમ નાગજી સાનીયા સામે ફરીયાદ દાખલ કરી હતી. વિરમને બચાવવા નાગજી પુંજા સાનિયાએ ભુવાનો આડકતરો સહારો લીધો હતો. ખામટાના ભુવા હકા દેવા સામે દોરો બાંધવો, જુવારના દાણા પીવડાવવા જેવી રાવ થઇ હતી.
જાથા સમક્ષ જાહેર કરાયેલી વિગતો મુજબ ભુવા હકા દેવા ઓનલાઇન કોન્ફરન્સમાં દોરો બાંધવો વગેરે વિધિ કરાવતો હતો. ખામટાથી ૩ કિ.મી. દુર વાડી વિસ્તારમાં આવેલ જુના મચ્છુ માતાના મઢે આ ભુવો યેનકેન પીડિતો સાથે છેતરપીંડી કરતો હતો. રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસુલી ધાર્યુ કામ પાર પડાવતો. શ્રધ્ધાળુઓને લીંબુ મરચા, શ્રીફળ, ચાંદીની વસ્તુ તેમજ ઉતારની વસ્તુઓ મંગાવી નદીમાં પધરાવી રૂપિયા ખંખેરતો હતો.
પીડીતાએ જાથાના કાર્યાલયે ભુવાના કરતુતોની સઘળી હકીકતો જણાવતા જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશક, એસ.પી. વગેરેને પત્ર લખી ખામટાના ભુવાનો પર્દાફાશ કરવા અને ગુન્હો બનતો અટકાવવા પોલીસની મદદની માંગણી કરી હતી.
રાજકોટથી જયંત પંડયાના નેતૃત્વમાં રોહિતભાઇ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રમેશ જાદવ, હિરેન પડધરીયા, પ્રકાશ મનસુખભાઇ, ભાનુબેન ગોહિલ, સ્થાનિક કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જયાં પો.ઇન્સ. એસ.એન. પરમારે હકીકત જાણી એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. ભારતીબા સરવૈયા, પો.કોન્સ. અશોકભાઇ વિનુભાઇ, પો.કોન્સ. સાગરભાઇ ખટાણા, પો.કોન્સ. વસંતભાઇ ભુંડીયા સહીતનો સ્ટાફ જાથાને ફાળવ્યો હતો.
પોલીસ સ્ટાફ સાથે જાથાની ટીમ ખામટા નજીક વાડીમાં આવેલ માતાજીના મઢે પહોંચી હતી. જયાં ભુવો હકા દેવા મજબુર લોકોને વિધિ વિધાન કરી આપતો હતો. પરિસ્થિતિ પામી ભુવો ઘુટણીએ પડી ગયો હતો. માફી માંગી હવે પછી ધતીંગ બંધ કરવાની ખાત્રી સાથે કબુલાત નામુ આપ્યુ હતુ. જેમાં તેણે દુઃખ દર્દ મટાડવા ભુવાપણુ, ઉતાર કરવો, દોરા બાંધવા, દાણા ખવડાવવા વગેરે વિધિ વિધાન બંધ કરવાની કબુલાતનામામાં જાહેર કર્યુ હતુ.
પોલીસે અટકાયટી પલાની કાર્યવાહી શરૂ કરી હતી. સહયોગ બદલ પોલીસ સ્ટાફનો જાથાએ આભાર વ્યકત કર્યો હતો.
(3:14 PM IST)










