<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

વાહન ચોરીઓના ગુનામાં સામેલ ગઢકા અને ખેરડીના રામુ તથા જયેશ પાસામાં

પોલીસ કમિશનરે વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા, લક્ષમણભાઇ મકવાણા સહિતે બજવણી કરી અમદાવાદ તથા વડોદરા જેલહવાલે કર્યા

રાજકોટ તા. ૬: ગુનાખોરીમાં સામેલ વધુ બે શખ્‍સે પોલીસ કમિશનરે પાસા તળે જેલમાં ધકેલી દીધા છે. જાણવા મળ્‍યા મુજબ રાજકોટના આજીડેમ પોલીસ મથક હેઠળના ગઢકા ગામે રહેતાં રામુ કાંતિભાઇ બારૈયા (ઉ.વ.૩૦) અને ખેરડીગામે કેશાભાઇ નારણભાઇ પટેલની વાડીમાં રહેતાં મુળ જામગઢના જયેશ દિલીપભાઇ દુધરેજીયા (ઉ.વ.૨૯)ને પાસા તળે અમદાવાદ અને વડોદરા જેલમાં ધકેલી દેવાયા છે.

આજીડેમ પોલીસ દ્વારા વાહનચોરી સહિતની ગેરકાયદે પ્રવૃતિમાં સંડોવાયા હોય તેવા શખ્‍સોનો ગુનાહિત ઇતિહાસ ઇ-ગુજકોપને આધારે ચેક કરતાં રામુ અને જયેશ વાહન ચોરીઓના ગુનામાં સંડોવાયા હોવાની વિગતો મળતાં પાસાની દરખાસ્‍ત પીસીબી ટીમની મદદ લઇ જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાદવની સુચના અનુસાર તૈયાર કરી હતી. આ દરખાસ્‍તને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી હતી.

આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા તથા પીસીબીની ટીમ સહિતે વોરન્‍ટ બજવણી કરી બંનેને જેલહવાલે કરી દીધા હતાં.

(3:18 PM IST)