News of Friday, 6th December 2024
ઇન્સ્યુરન્સનું કામ કરતાં હરેશભાઇ મારડીયાએ મિત્રને ૨૮ લાખ સામે ૩૫ લાખ વ્યાજ દીધું છતાં ૧૮ લાખ માંગી ધમકી
અગાઉ હત્યામાં સડોવાઇ ચુકેલા અમિત ભાણવડીયા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયોઃ ઓફિસે બોલાવી હરેશભાઇ સાથે તેના પત્નિને પણ ધમકાવ્યાનો આરોપ

રાજકોટ તા. ૬: વ્યાજખોરીનો વધુ એક બનાવ નોંધાયો છે. જેમાં રવિરત્ન પાર્કમાં રહેતાં પ્રોફેશનલ ઇન્સ્યુરન્સનો ધંધો કરતાં યુવાને કોરોના કાળમાં પોતાના મિત્ર પાસેથી ૩-૩ ટકેથી રૂા. ૨૮ લાખ વ્યાજે લઇ તેની સામે ૩૫ લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ ૧૮ લાખ વ્યાજ માંગી યુવાન અને તેના પત્નિને મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવાઇ છે. આરોપી વિરૂધ્ધ અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાતા તેમાં તેની સામે કાર્યવાહી થઇ હતી.
આ બારામાં યુનિવર્સિટી પોલીસે રવિરત્ન પાર્ક-૫માં રહેતાં હરેશભાઇ અમૃતલાલ મારડીયા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી પંચાયત ચોક શિતલ ટ્રાવેલ્સ પાછળ શીવ કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતાં અમિત રમેશભાઇ ભાણવડીયા વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૫૨, ૩૫૧, મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
હરેશભાઇ મારડીયાએ જણાવ્યું છે કે હું પ્રોફેશનલ ઇન્સ્યુરન્સનો બિઝનેસ કરુ છું. અમિત ભાણવડીયા સાથે મારે પંદર વર્ષથી મિત્રતા છે. વર્ષ ૨૦૨૦માં કોરોના કાળમાં મારે ધંધામાં આર્થિક નુકસાની થતાં મેં મિત્ર અમિત પાસેથી તેની પંચાયત ચોક શિતલ ટ્રાવેલ્સ પાછળ આવેલી ઓફિસ ખાતેથી તા. ૩૦/૧૦/૨૦ના રોજ રૂા. ૫ લાખ ૩ ટકા લીધા હતાં. એ પછી ફરી જરૂર પડતાં ૫/૭/૨૧ના રોજ મેં ફરીથી ૫ લાખ ૩ ટકાથી લીધા હતાં. ત્યારબાદ ફરીથી ૫/૯ના રોજ વધુ ૫ લાખ, એ પછી ૫/૧૨ના રોજ ૮ લાખ, ૩૦/૧૨ના રોજ ૩ લાખ મળી કુલ ૨૬ લાખ વ્યાજે લીધા હતાં. આ તમામ રકમ ૩ ટકા વ્યાજથી લીધી હતી.
મેં વ્યાજે લીધેલી આ રકમ સામે આજ સુધી તેને રૂા. ૬ લાખ વ્યાજ ચુકવ્યું હતું. તેની અમિત ભાણવડીયાએ ડાયરીમાં નોંધ કરી નથી. ત્યારબાદ મેં સોૈ પહેલા તેને ૨ લાખ, પછી ૬ લાખ, પછી ૨ લાખ, ફરીવાર ૪ લાખ, પછી પાછા ૪ લાખ, એ પછી ૧ાા લાખ, ૧ લાખ, ૩ લાખ મળી કુલ ૨૮ લાખ વ્યાજ પેટે ચુકવ્યા છે. આ રકમ મારી પાસેથી લેતી વખતે અમિત ભાણવડીયાના માણસોએ ડાયરીમાં મારી સહીઓ પણ લીધી હતી. ત્યારબાદ મેં ૦૧/૨૦૨૩માં ફરી ૧ લાખ વ્યાજ પેટે આપ્યા હતાં. એ પછી મેં સિક્યુરીટી પેટે આપેલો ચેક પાછો માંગતા મને ચેક આપ્યો નથી અને કહ્યું હતું કે એ ફાડી નાંખ્યો છે.
દરમિયાન તા. ૨/૧૨/૨૪ના સાંજે સાડા ચારેક વાગ્યે હું ઘરેથી બહાર ગયો હતો ત્યારે મારા પત્નિ વંદનાબેને ફોન કરી કહેલુ કે અમિતભાઇના એનડી નામના વ્યક્તિ આવ્યા છે અને તેણે મારી વાત અમિતભાઇ સાથે કરાવી છે, તમે સાંજે પાંચ વાગ્યે ફોન કરવાનું કહ્યું છે. મેં સાંજે ફોન કરતાં અમિતભાઇએ મને તેની ઓફિસે બોલાવતાં હું અને મારા પત્નિ તેની સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શીવ હાઉસ પાસેની ઓફિસે ગયા હતાં. ત્યારે અમિતભાઇએ કહેલુ કે તારે હજુ મને ૧૮ લાખ આપવાના છે. મેં કહેલુ કે તમને વ્યાજ સહિત બધી રકમ ચુકવી દીધી છે છતાં હજુ શેના આપવાના? તેમ કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ મને અને મારા પત્નિને ગાળો દઇ પૈસા નહિ આપો તો મારી નાખીશ તેમવી ધમકી આપી હતી અને તારો ચેક છે મારી પાસે તેમાં મને સારુ લાગશે એટલી રકમ ભરી તને ફસાવી દઇશ તેમ કહ્યું હતુ. આથી મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં હરેશભાઇએ કહેતાં પીએઅસાઇ એન. જે. મસાકપુત્રાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:04 PM IST)










