News of Friday, 6th December 2024
રાજકોટ શહેર અને ગ્રામ્યનું મંજૂર થયેલ મહેકમ મુજબ વિભાજન કરી અલગ અલગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાળવવા તેમજ વિભાજન ન થાય ત્યાં સુધી કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂંક કરવા મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર વિસ્તારમાં શિક્ષણનું પાટનગર તરીકે ઓળખાય છે, સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાની અપેક્ષાએ આવે છે, હાલમાં કાર્યરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળ સરકારી માધ્યમિક શાળા, ગ્રાન્ટેડ મા.અને ઉ. મા. શાળાઓ, સ્વનિર્ભર મા. અને ઉ. મા. શાળાઓ, અનુદાનિત પ્રાથમિક શાળાઓ, સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ, અધ્યાપન મંદિર, ખાસ સંસ્થા તેમજ જેતપુર અને ઉપલેટા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ સહિતની ૧૫૦૦ જેટલી શાળાઓ કાર્યરત છે, જે બાબત ધ્યાને રાખી ભૂતકાળમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય અલગ અલગ કચેરી શરૂ કરવા મહેકમ મંજૂર થયેલ છે, પરંતુ આજ સુધી તે બાબત અમલમાં આવેલ નથી, છેલ્લા ઘણા સમયથી આ કચેરીમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીથી વહીવટ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે વહીવટી શિથિલતા આવતા શાળાઓના વાર્ષિક ઇન્સ્પેક્શન ઘણી શાળાઓના ૧૦-૧૦ વર્ષથી થયેલ નથી, તેમજ કર્મચારીઓના પગાર અને પેન્શન અંગેના પ્રશ્નો અટકેલા પડ્યા છે, જેથી શિક્ષણની વ્યાપકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આથી રાજકોટ શહેર - જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ભૂતકાળમાં મંજૂર થયેલ મહેકમ અનુસાર શિક્ષનના વિશાળ હિતમાં શહેર અને જિલ્લાની કચેરીઓ જુદી પાડી બે જિલ્લા શિક્ષણાધિકારીઓની નિમણૂંક કરવા અને જ્યાં સુધી કચેરીનું વિભાજન ન થાય ત્યાં સુધી કાયમી જિલ્લા શિક્ષણાધિકારી વર્ગ-૧ની નિમણૂંક કરવા અંગે ઘટતું કરવા માન. મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યને રજૂઆત કરવામાં આવી, જેની નકલ શિક્ષણ મંત્રીને આપવામાં આવેલ છે તેમ ડો.પ્રિયવદન કોરાટ અધ્યક્ષ, દિનેશભાઈ ભુવા ઉપાધ્યક્ષ, ડો.શૈલેષ સોજીત્રા પ્રમુખ, વી.ડી.નૈયા ઉપપ્રમુખ દ્વારા જણાવાયુ છે.
(8:06 PM IST)










