તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
વધુ એક નકલી પોલીસ પકડાયોઃ ડ્રાઇવીંગ લાયસન્સ-આર.સી. બૂક ન હોઇ મિષાીને લાફા માર્યા, પોલીસ સ્ટેશને લઇ જવાનું કહી રોકડ-મોબાઇલ લૂંટયા
રાજકોટમાં ગઇકાલે એ-ડિવીઝન પોલીસે એક નકલી પોલીસને દબોચ્યા બાદ હવે તાલુકા પોલીસે બીજા નકલીને પકડયોઃ નાના મવા રોડ પર પોલીસના નામે ખેલ કર્યો હતો બે દિવસ પહેલા ગોંડલના યુવાન સાથે બનેલી ઘટનામાં તેણે ડરીને ફરિયાદ કરી નહોતીઃ તાલુકા પોલીસે અરજીના આધારે મુળ જામકંડોરણા રામપરના હાલ કણકોટ રહેતાં ઘનશ્યામ કટારીયાને દબોચ્યો જુગલભાઇ કથીરીયા અને ઉગાભાઇ આહિરની બાતમી પરથી પકડાયો હાલ રાજકોટ મિષાી કામ કરતાં ગોંડલના સંદિપે પોતાને રોકનાર શખ્સને તેનું નામ પુછતાં તેણે ઉશ્કેરાઇ લાફાવાળી કરી ફોન પડાવી લીધોઃ સાથે આવવાનું કહી રસ્તામાં ફરી ફટકારી ૮ હજાર પડાવ્યાઃ સરદાર ચોકમાં તેનુ વાહન મુકાવી પોતાની પાછળ બેસાડી કણકોટ લઇ ગયોઃ ત્યાં ઉતારીને કહ્યું-હમણા પોલીસની ગાડી લઇને આવું, સંદિપ પાનવાળા ભાઇ સાથે વાત કરતો હતો તે જોઇને નકલી પોલીસ બનેલો શખ્સ ભાગી ગયો'તો

રાજકોટ તા. ૬: હજુ ગઇકાલે જ શહેરના એ-ડિવીઝન પોલીસે દૂધની ડેરી પાસે રહેતાં અલ્તાફ નામના શખ્સને નકલી પોલીસ બની એક યુવાનને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવવાના ગુનામાં દબોચ્યો હતો. ત્યાં વધુ એક નકલી પોલીસ હવે તાલુકા પોલીસે પકડયો છે. ગોંડલ રહેતો અને મિષાી કામ કરતો યુવાન હાલ રાજકોટમાં મિષાી કામની સાઇટ ચાલુ હોઇ ત્યાં જ રહેતો હોઇ તે બે દિવસ પહેલા સવારે ઘરેથી ભીમનગર સર્કલ તરફ જતો હતો ત્યારે નાના મવા રોડ પર એક બાઇકચાલકે તેને આંતરી ઉભો રાખી પોલીસની ઓળખ આપી ડ્રાઇવીંગ લાયસન્સ, આરસી બૂક માંગતાં તે સાથે ન હોઇ તેને ડરાવી ધમકાવી માર મારી રોકડા અને મોબાઇલ ફોન પડાવી લીધા હતાં. તાલુકા પોલીસે આ નકલી પોલીસને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.
આ બનાવમાં પોલીસે ગોંડલ કુંભારાવાડા પારસ રેસિડેનસી સામે દોલત ઓઇલ મીલ નજીક અક્ષર રેસીડેન્સી બ્લોક નં. ૫માં રહેતાં સંદિપ કમાલુભાઇ બરૂન (ઉ.વ.૨૪) નામના યુવાનની ફરિયાદ પરથી ઘનશ્યામ ખીમજીભાઇ કટારીયા (ઉ.વ.૨૩-રહે. કણકોટ ગામ, વર્ધમાન સોસાયટી, મુળ રામપર તા. જામકંડોરણા) વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૦૯, ૨૦૪, ૧૧૫ (૨) મુજબ રાજ્યસેવક પોલીસની ખોટી ઓળખ આપી મારકુટ કરી રોકડ અને મોબાઇલ બળજબરીથી લૂંટી લેવાનો ગુનો નોંધ્યો છે.
સંદિપે જણાવ્યું છે કે હું ગોંડલમાં રહુ છું અને મિષાી કામ કરુ છું. હાલમાં રાજકોટ નાના મવા રોડ નહેરૂનગર-૧૦ મારવાડી બિલ્ડીંગ સામે ગોપાલભાઇના મકાનમાં મિષાી કામ ચાલુ હોવાથી હું અહિજ રહુ છું. મારી પાસે જીજે૦૩એચએસ-૨૮૫૬ નંબરનું સ્પ્લેન્ડર બાઇક છે, જે મારા મોટા ભાઇ પ્રદિપ ધમાલુભાઇ બરૂનના નામે છે. તા. ૫/૧૨ના સવારે નવેક વાગ્યે હું નેહરૂનગર ગોપાલભાઇના ઘરેથી મારા મિત્ર સુનિલ સાથે ક્લાસીક-૧ એપાર્ટમેન્ટ ખાતે સાઇટ પર મિષાી કામે જવા નીકળતાં ભીમનગર સર્કલથી નાના મવા રોડ મહાત્મા ગાંધી સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે એક બાઇકવાળાએ અમારી સાઇડ કાપી અમને ઉભા રાખ્યા હતાં.
આ શખ્સે મારી પાસે મોટરસાઇકલની આર.સી. બૂક અને મારુ ડ્રાઇવીંગ લાયસન્સ માંગતા મેં તેને તમે કોણ છો? પુછતાં તેણે પોલીસ છું તેમ કહ્યું હતું. પણ મારી પાસે લાયસન્સ, આર.સી. બૂક સાથે ન હોઇ જેથી મેં કહેલુ કે હાલમાં કાગળો કે લાયસન્સ નથી. આથી તેણે મારી પાસેનો ટેકનો કંપનીનો મોબાઇલ ફોન લઇ લીધો હતો અને કહેલુ કે મારી સાથે પોલીસ સ્ટેશન આવો. આથી મેં તેને તેનું નામ પુછતાં તેણે ઉશ્કેરાઇ જઇ મને ગાલ પર લાફામ મારી દીધા હતાં. બાદમાં મેં એ શખ્સના સફેદ કલરના નંબર પ્લેટ વગરના મોટરસાઇકલની પાછળ પાછળ મારુ વાહન હંકાર્યુ હતું. મારી સાથેનો મિત્ર સુનિલ ત્યાં જ ઉતી ગયો હતો.
હું એ શખ્સની પાછળ જતો હતો ત્યારે રસ્તામાં તેણે મારી પાસે ૧૫ હજાર રૂપિયા માંગ્યા હતાં. પણ મેં રૂપિયા આપવાની ના પાડતાં તેણે ફરીથી મને માર મારતાં હું ખુબ ડરી ગયો હતો. મારી પાસે ૮૦૦૦ રોકડા પડયા હોઇ જે મેં તેને આપી દીધા હતાં. ત્યારબાદ તેણે ફરીથી પોતાની પાછળ પાછળ પોલીસ સ્ટેશને આવવાનું કહેલુ.
જેથી હું પાછળ ગયો હતો. નવા ૧૫૦ રીંગ રોડ પર તે મને પરસાણા ચોક સુધી લઇ ગયો હતો. ત્યાં મારુ વાહન ઉભુ રખાવી મને તેના વાહનમાં બેસાડી કણકોટ ગામ પાસે લઇ ગયો હતો. ત્યાં મને ઉભો રાખી કહેલું કે તું અહિ જ ઉભો રહેજે, હું હમણા પોલીસની ગાડી લઇને આવુ છું. તેમ કહી તે જતો રહ્યો હતો.
ત્યારબાદ મેં નજીકમાં રાધે પાન નામની દૂકાન હોઇ ત્યાં બેઠેલા ભાઇને આ પોલીસવાળા વિશે પુછતાં એ ભાઇએ કહેલુ કે પોલીસ હોય તેવુ લ ાગતું નથી. એટલી વારમાં એ શખ્સ પાછો આવ્યો હતો અને મને પાનવાળા ભાઇ સાથે વાત કરતો જોઇ ભાગી ગયો હતો. પાનવાળા પાસેથી રૂા. ૨૦૦ ઉધાર લઇ હું મારુ બાઇક રસ્તામાં પરસાણા ચોકમાં રાખી દીધુ હોઇ ત્યાં ગયો હતો.
મેં બદનામી અને ડરને લીધે ફરિયાદ કરી નહોતી. પણ અરજી કરી હતી. તેના આધારે પોલીસે આ નકલી પોલીસને પકડી લીધો હતો. તેની જાણ મને થતાં મેં હવે ફરિયાદ નોંધાવી હતી.
ઝડપાયેલા શખ્સનું નામ ઘનશ્યામ ખીમજીભાઇ કટારીયા છે અને તે હાલ કણકોટ વર્ધમાન સોસાયટીમાં રહે છે. તેનું મુળ ગામ જામકંડોરણાનું રામપર છે.
આ શખ્સ છુટક મજૂરી કરે છે. પૈસાની જરૂર હોઇ પોતે નકલી પોલીસ બની ગયો હતો તેવું રટણ કર્યુ હતું. ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદશન હેઠળ પીએસઆઇ બી. આર સરવૈયાએ ગુનો દાખલ કરતાં ઇન્ચાર્જ પીઆઇ સી.એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ બી.આર. ભરવાડ, હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કોન્સ. મયુરસિંહ જાડેજા, સંજયભાઇ માંડાણી, નિકુંજભાઇ મારવીયા, મહાવીરસિંહ જાડેજા, બળભદ્રસંહ જાડેજા સહિતે કોન્સ. જુગલભાઇ કથીરીયા અને ઉગાભાઇ આહિરની બાતમી પરથી નકલી પોલીસને શોધી કાઢયો હતો.
ઝડપાયેલો ઘનશ્યામ અગાઉ અપહરણ, બળાત્કાર, દારૂ પીવા સહિતના ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો છેઃ મેલડી માતાના દર્શને જવું હોઇ નવા કપડા લેવા પૈસાની જરૂર હતી એટલે લૂંટ કર્યાનું રટણ!
રાજકોટઃ નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર ઘનશ્યામ કટારીયા હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતો હોવાનું પોલીસે કહ્યું હતું. મિષાીની અરજી આવતાં જ ડી. સ્ટાફની ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં જ આ નકલી પોલીસ બીજો કોઇ નહિ પણ ઘનશ્યામ કટારીયા હોવાનું ખુલ્યું હતું અને તેને શોધી કાઢયો હતો. આ શખ્સ અગાઉ અપહરણ, બળાત્કાર, દારૂ પીવાના સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તેને મેલડી માતાના મંદિરે દર્શને જવું હોઇ નવા કપડા લેવા માટે પૈસાની જરૂર હોવાની લૂંટ કરી હોવાનું રટણ કર્યુ હતું!
(2:53 PM IST)










