<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

મા ઉમિયાધામ મંદિર નિર્માણના બીજ ર૦૧૧ માં રોપાયા હતા

શ્રી ઉમિયાધામ જસવંતપુર મંદિર નિર્માણઃ નાના વિચારથી શિક્ષિત, સશકત અને સંગઠીત સમાજ નિર્માણના વિચાર સુધી રાજકોટની ભાગોળે જસવંતપુરમાં મંદિર બનાવવા અરવિંદભાઇ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી

રાજકોટઃ શહેરમાં વસતા ૪૦ હજારથી વધુ કડવા પાટીદાર પરિવારને શિક્ષિત, સશકત અને સંગઠીત સમાજના નિર્માણ દ્વારા પ્રભાવશાળી અને સામર્થ્‍યવાન રાષ્‍ટ્રની યશોગાથામાં સહભાગી થઇને સૌ સહિયારો વિકાસ સાધે તેવા ઉમદા હેતુથી રાજકોટની ભાગોળે (જસવંતપુર) ન્‍યારી નદીના કાંઠે કુળદેવી મા ઉમિયાનું ભવ્‍ય મંદિર નિર્માણ થઇ રહયું છે. આ મંદિરનું ખાતમુર્હુત તા.૧૩/૧ર ને શુક્રવારે ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના વરદ હસ્‍તે થવા જઇ રહયું છે.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે કડવા પાટીદારના નિજમંદિર એવા ઉંઝા મંદિરના પ્રમુખ બાબુભાઇ જમનાભાઇ પટેલ, રાજકોટ જીલ્લાના ત્રણેય કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, અને શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, સીદસર મંદિરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી અને ગુજરાત રાજયના પુર્વ ના.મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલ મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેવાના છે.

મંદિરનું ખાતમુહુર્ત તા.૧૩/૧રના રોજ થવાનું છે. પરંતુ તેના નિર્માણના બીજ ર૦૧૧ માં શ્રી પટેલ સેવા સમાજના એક કાર્યક્રમમાં વડિલો એકત્ર થયા હતા ત્‍યારે રોપાયા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત વડીલોએ ડો.ડાયાભાઇ ઉકાણી (બાન લેબ) ની આગેવાનીમાં એક સુરે કહયું કે રાજકોટમાં કડવા પાટીદારોની વસ્‍તીને લઇને કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ થવું જોઇએ. ત્‍યારબાદ શ્રી પટેલ સેવા સમાજના વડિલ-વંદનાના કાર્યક્રમમાં વડિલોએ ફરીથી ર૦૧૧ની મંદિર નિર્માણની વાતને યાદ કરી જણાવ્‍યું કે હવે તો રાજકોટમાં ૪૦ હજારથી વધુ કડવા પાટીદારના પરીવારો થઇ ગયા છે. તો હવે ઝડપથી મંદિર નિર્માણ થવું જોઇએ. આ માટે સૌ વડિલોએ શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ(ફિલ્‍ડ માર્શલ) ને રાજકોટમાં મંદિર કરવાની જવાબદારી સોપવામાં આવી. અરવિંદભાઇ પટેલે શ્રી પટેલ સેવા સમાજ અને શ્રી પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્‍ટીઓને બોલાવી શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાનની રચના કરી અને મંદિર નિર્માણ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સૌ પ્રથમ મંદિર નિર્માણ માટે જગ્‍યા પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અનેક વિસ્‍તાર અને જગ્‍યાઓના અધ્‍યતન બાદ ન્‍યારી નદીના કિનારે જસવંતપુર ખાતે બે એકર જમીન ખરીદ કરવામાં આવી. જમીન ખરીદ કર્યા બાદ મંદિર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાની હતી પરંતુ પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્‍ડમાર્શલ)ને સતત એવું લાગતુ હતુ કે હજુ આમા કંઇક અધુરૂ છે.

 માત્ર મંદિર નિર્માણથી માતાજીનું સાનિધ્‍ય તો મળશે પરંતુ મા ના આશિર્વાદ થકી સમાજનો સર્વાગી વિકાસ કરવો હોય તો સમાજને શિક્ષીત, સશકત અને સંગઠીત કરવા હોય તો સમાજ ઉપયોગી પ્રવૃતિઓ મંદિરના સાનિધ્‍યમાં થવી જોઇએ. આ માટે મંદિર નિર્માણની જગ્‍યાની બાજુમાં રહેલ સરકારી ખરાબો સરકારશ્રી પાસેથી ખરીદ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. ખાનગી જમીન હોય તો આ પ્રક્રિયા ઝડપથી પુર્ણ થઇ શકત પરંતુ સરકારી જમીન ખરીદ કરવી એક જટીલ પ્રક્રિયા છે. આ માટેની પ્રક્રિયા ર૦૧૬ થી શરૂ કરવામાં આવી અને જમીનનો છેક ર૦ર૪ માં મળ્‍યો. આ પેટે અનેક વખત ગાંધીનગર સરકારી કચેરીથી લઇને મુખ્‍યમંત્રી સુધી અનેક વખત રજુઆતના અંતે આ પ્રક્રિયા પુર્ણ થઇ છે.

આ માટે પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્‍ડમાર્શલ), ઉપપ્રમુખ નંદલાલભાઇ માંડવિયા, અને ઉમીયા માતાજી સંસ્‍થાનની તમામ લીગલ પ્રક્રિયા સંભાળતા સંગઠનના ચેરમેન નિલયભાઇ ડેડાણીયા અને યુવા સંગઠનના પ્રમુખ ડેનીસભાઇ કાલરીયા ઉપરાંત ટ્રસ્‍ટીઓ કિશોરભાઇ ઘોડાસરા, કાંતિભાઇ મકાતી અને પ્રભુદાસભાઇ કણસાગરા સહિતના ટ્રસ્‍ટીઓ તેમજ સંગઠનના સભ્‍યો, ધારાસભ્‍યોથી લઇને મુખ્‍યમંત્રી સુધી અનેક વખત રજુઆતો કરી હતી. આમ અનેક સરકારી-બીન સરકારી તેમજ અન્‍ય અડચણોને દુર કરી શિક્ષીત, સશકત અને સંગઠીત સમાજ નિર્માણના ખાતમુહુર્ત સુધી પહોચી શકયા છીએ. તેમ યાદીમાં અંતમાં જણાવાયું છે.

(11:47 AM IST)