તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
વડવાજડીની સીમમાં આશ્રમમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર મહંતની ધરપકડ
ત્રણ મહિના પૂર્વે આશ્રમમાં ગાંજાના છોડ પકડાયા બાદ એફ.એસ.એલ.નો રિપોર્ટ આવતા મેટોડા પોલીસે મહંત યોગી ઉર્ફે ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર ધામેલીયા સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૯: મેટોડા જી.આઇ.ડી.સી. પાસે વડ વાજડી ગામની સીમમાં આશ્રમમાં ત્રણ મહિના પૂર્વે એસઓજીએ ગાંજાના છોડનું વાવેતર ઝડપી લીધા બાદ એફ.એસ.એલ.નો રીપોર્ટ આવતા મેટોડા પોલીસે મહંત સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ રૂરલ એસ.ઓ.જી. ટીમે ગઇ તા. ૦૪-૦૯-ર૦ર૪ના રોજ મેટોડા જી.આઇ.ડી.સી. પો. સ્ટે.ના વડવાજડી ગામની સીમમાં અવધુત આશ્રમ શ્રીનાથજીની મઢી ખાતે એસ.ઓ.જી. આર. આર.નાઓએ શંકાસ્પદ બે છોડ કુલ વજન ૬ કીલો ૪૯૦ ગ્રામ કિ. રૂ. ૬૪,૯૦૦/-નો ગણી તપાસ અર્થે કબજે કરી મેટોડા જી.આઇ.ડી.સી. પો. સ્ટે.માં જાણવા જોગ દાખલ કરાવેલ હોય જે શંકાસ્પદ છોડને એફ.એસ.એલ. પરીક્ષણ અર્થે ગાંધીનગર ખાતે મોકલતા બન્ને શંકાસ્પદ છોડમાં કેનાબીસના સક્રીય ઘટકો (ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ (ટી.એચ.સી.), કેનાબીનોલ (સી.બી.એન.) અને કેનાબીડીઓલ (સી.બી.ડી.)ની હાજરી શોધાય આવતા આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આરોપીને તાત્કાલીક પકડી પાડવા મેટોડા જી.આઇ.ડી.સી. પો. સ્ટે.ના પો. ઇન્સ. એસ. એચ. શર્માનાએ એક ટીમ બનાવી હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસ આધારે આરોપી મહંત યોગી ઉર્ફે ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયાને રાજકોટ ખાતેથી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી મેટોડા જી.આઇ.ડી.સી. પો. સ્ટે.ના પો. ઇન્સ. એસ. એચ. શર્મા, પો. હેડ કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા તથા પો. કોન્સ. સુભાષભાઇ લાવડીયા તથા ચંદ્રરાજસિંહ રાણા, નિતીનભાઇ મકવાણા, રવુભાઇ ગીડા તથા લકકીરાજસિંહ જાડેજા સહિતનાએ કરી હતી.
(1:41 PM IST)










