તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
નવી જંત્રી સામે બિલ્ડરોનો જંગઃ પ હજાર લોકોની મૌન રેલી
કલેકટર કચેરીમાં બિલ્ડરો-બાંધકામ ઉદ્યોગ-કોન્ટ્રાકટરો-મજૂરો ઉમટી પડયાઃ કલેકટરને ર૦ મુદાઓ અંગે વિસ્તૃત દેખાવોઃ મૌન દેખાવો...: શ્રોફ રોડ-બહુમાળી પાસે ટ્રાફીક જામઃ જંત્રીની અમલવારી અંગે ૩૧-૩-ર૦રપનો સમય આપવા ખાસ માંગણી કરાઇ... : કોર્પોરેશન-રૂડા-સ્ટેમ્પ ડયુટી-સબ રજીસ્ટ્રાર કચેરી-પ્રાંત કચેરીઓ-મામલદાર કચેરીઓમાં પડતી મુશ્કેલીઓની મુદાસર રજૂ કરાઇઃ બીનખેતીમાં માત્ર રાજકોટ જીલ્લો વાંધા-વચકા કાઢતો હોવાના આક્ષેપો : હજારો-લાખો લોકોની રોજીનો સવાલઃ પ્રજા ઉપર મોટો ડામ આવશે જંત્રીમાં ર૦૦થી ર હજાર ટકાનો વધારો અસહ્ય

નવી જંત્રી સામે જંગઃ પ હજાર લોકો ઉમટયાઃ સરકારે નવી જંત્રીમાં ર૦૦થી ર હજાર ટકાનો વધારો ઝીંકી દેતા બિલ્ડરો-બાંધકામ-ઉદ્યોગ કોન્ટ્રાકટરો-મજૂરો જંગી ચડયા છે, રાજકોટ બિલ્ડર્સ એસો. દ્વારા આજે પ હજાર લોકોની મૌન રેલી કાઢી કલેકટર કચેરીએ પહોંચી આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, તસ્વીરમાં ઉમટી પડેલા પ હજાર લોકો-અપાતું આવેદન નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૯: રાજકોટ બિલ્ડર્સ એસો.ના આગેવાનોએ તથા અન્ય ૪ાા થી પ હજાર લોકોએ ઉમટી પડી મૌન રેલી કાઢી, મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું. રેલી સંદર્ભે શ્રોફ રોડ તથા બહુમાળી ચોક પાસે ટ્રાફીક જામ થયો હતો, જંત્રી હટાવો-સહિતના અનેક સૂત્રો સાથે રેલી કઢાઇ હતી.
ઓફલાઇન હેતુફેર, રીવાઝ પ્લાન બીનખેતી, વિગેરે કાર્યવાહીની મંજુરીમાં ઓછામાં ઓછો ૬-માસનો સમય લાગે છે તે બાબતે ઝડપી ઉકેલ થઇ શકે તેવા પગલા લેવા. ઓફલાઇન હેતુફેર, રીવાઈઝ પ્લાન બીનખેતી, વિગેરે કાર્યવાહીમાં સક્ષમ મામલતદારશ્રી, નાયબ કલેકટરશ્રી, સ્ટેપ્ ડયુટી મુલ્યાંકન તંત્ર, લોકલ ઓથોરીટી (આરએમસી રૂડા), નગર નિયોજકશ્રી, વિગેરેના તમામના અભિપ્રાય અર્થે બીનજરૂરી મોકલવામાં આવે છે. જેથી પ્રક્રિયાઓ લંબાઇ છે અને ખર્ચાળ બને છે. જેથી માત્ર જરૂરી અભિપ્રાય અર્થે જ સમક્ષ કચેરીએ મોકલવા બાબતે વિચારણા કરી ફેરફાર કરવો. તેમ આવેદન પત્રમાં ઉમેરાયું હતું.
ઓનલાઇન બિનખેતી પ્રક્રિયામાં પીએસઓ ગા઼ધીનગર તરફથી કોઇ અભિપ્રાય લેવા જણાવેલ ન હોવા છતાં અરજીના ૩૦-૩પ દિવસ બાદ મામલતદાર સ્ટેપ્ ડયુટી મુલ્યાંકન તંત્ર, લોકલ ઓથોરીટી (આરએમસી, રૂડા), નગર નિયોજક વિગેરેને ગુગલ મેપ, સ્થળે રોજકામ, ખેડુત ખરાઇ, ક્ષેત્રફળના મેળવણા, ઉતરોતર તબદીલી અંગે સ્ટેમ્પ ડયુટીની વસુલાત કરવા, ઝોનીંગ, કોર્ટ કેસ, આઇએમસીએમએસ પોર્ટલ પર ચકાસણી, વિગેરે જેવી બાબતોએ પત્રો લખીને અભિપ્રાય મંગાવવામાં આવે છે જે કાર્યવાહીઓ બંધ કરવી તથા સરકારના તારીખ ૧ર/૧ર/ર૦૧૮ના રોજના પરિપત્ર મુજબ માત્ર રેકર્ડ આધારીત બિનખેતી કાર્યવાહી કરવા સુચન કરવામાં આવેલ હોવા છતાં, માત્રને માત્ર રાજકોટ જીલ્લામાં બિનખેતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે અભિપ્રાયો અને કવેરીઓનો મારો ચલાવી લંબાવવામાં આવે છે જેમાં જરૂર ફેરફાર અનિવાર્ય છે. તેમ ઉમેરાયું હતું, આવેદન દેવામાં પ્રમુખ પરેશભાઇ ગજેરા, ચેરમેન અમિતભાઇ ત્રાંબડીયા, મંત્રી સુજીતભાઇ ઉદાણી ઉપરાંત પૂર્વ પ્રમુખ હિતેસભાઇ બગડાઇ, રશ્મિભાઇ પટેલ, મુકેશભાઇ શેઠ વિગેરે જોડાયા હતા, રેલી બહુમાળી-રેસકોર્સથી શરૂ થઇ હતી, ૪ાા થી પ હજાર લોકો ઉમટી પડયા હતા.
આવેદન દેવામાં બાંધકામ ઉદ્યોગકારો, મજૂરો, કોન્ટ્રાકટરો, તથા બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા લોકો પણ જોડાયા હતા, ૪ાા થી પ હજાર લોકો ઉમટી પડતા કલેકટર કચેરી ઉભરાઇ પડી હતી, મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું, કલેકટર કચેરીમાં પહેલા માળે પણ એટલા બધા ઉમટી પડતા લોબીમાં ચાલવાની જગ્યા રહી ન હતી, સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દેવો પડયો હતો.
બાંધકામ ઉદ્યોગ
રાજયના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેકટર છે જેની સાથે ર૮૦ થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભે છે અને શહેરી વિસ્તારોમાં વધુ સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સાથે અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે. આથી જ રીયલ એસ્ટેટ સેકટરને રાજય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે. અમારી સંસ્થા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન બાંધકામ વ્યવસાયના હેતુઓ સારૂં કાર્યરત છે અને શહેરના ૧૦૦૦ થી વધારે ડેવલપર્સ સભ્ય તરીકે નોંધાયેલા છે અને રાજયસ્તરે અમારી વ્યવસાયિક સંસ્થા ક્રેડાઇ ગુજરાત સાથે તેમજ ક્રેડાઇ ગુજરાતનું ક્રેડાઇ નેશનલ સાથે સંકલન છે. અમો રાજકોટ બિલ્ડર્સ એસોસિયેશન ક્રેડાઇ વેસ્ટ ઝોનના આશરે ૧૦ અલગ અલગ સીટી ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.
૧. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લાં ઘણાં સમયથી કાયમી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે જેને હિસાબે પ્લાન પાસ કરવા માટે જરૂરી પ્રી ફાયર ઓનઓસી તેમજ કંપલિશન સર્ટિફિકેટ માટે જરૂરી અંતિમ ફાયર એનઓસી આપવામાં આવતા નથી. આને લીધે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમજ રૂડામાં પ્લાન પાસ કરવાની અને તૈયાર એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટને કંપલિશન સર્ટિફિકેટ આપવાની પરક્રિયા ખોરંભે ચડી ગયેલ છે.
ર. રાજકોટમાં છેલ્લાં ૬ માસમાં કોર્પોરેશનની ટીપી શાખામાંથી અનુભવી કર્મચારીની અન્ય શાખામાં બદલી કરી ટીપી શાખામાં બિન અનુભવી કર્મચારીની નિમણુંક કરવામાં આવેલ છે જેને લીધે અગાઉ પ્લાન મંજૂર કરવા માટે લાગતા સમય કરતાં હાલમાં ૬ ગણો સમય લાગે છે તેમજ અમુક સંજોગોમાં તો છેલ્લાં ઘણાં સમયથી પ્લાન પણ પાસ થયેલ નથી.
એનઓએન ટી.પી. વિસ્તારમાં અગાઉના જમીન માલિકે લે-આઉટ પ્લાન જે તે સમયના નિયમો મુજબ કપાતના ધોરણો જાળવીને કરાયેલ હોય છે. આવી જમીનમાં જે તે સમયના નિયમોનુસાર કપાત હોવા છતાં હાલના નિયમો પ્રમાણે કપાત કેમ નથી તેવા પ્રશ્નો ઉભા કરી વહીવટી વિસંગતતા વધારવામાં આવે છે. જે તદન અયોગ્ય છે.
બીલ્ડર્સ એસોસીએશન
૩. પ્રાથમિક તારણ મુજબ આટલા મોટા પ્રમાણના વેલ્યુ ઝોનની જંત્રીનો સંપૂર્ણ અભ્યાસ કરવા અને તે માટેના વાંધા રજુ કરવા આપેલ સમય મર્યાદા ખુબ જ અપૂરતી છે. આથી સામાન્ય પ્રજાનું હિત જળવાય અને રાજયનો ગ્રોથ અટકે નહીં તે હેતુથી આ સૂચિત જંત્રીમાં સુધારો કરવા અંગેના વાંધા સુચન રજુ કરવા માટે યોગ્ય પગલા લેવા અમારી સંસ્થા વતી અમારી નીચે જણાવેલ માંગણીઓને અવલોનમાં લઇને રાજયના છેવાડાના પરિવારોને રાહત રૂપ અને સમગ્ર રાષ્ટ્રમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશના ગુજરાત મોડેલને અનુરૂપ કામગીરી કરવા વિનંતી છે.
૧. હાલમાં વાંધા સુચન રજુ કરવા અંગે જાહેર કરેલ અંતિમ તારીખ લંબાવીને તા. ૩૧/૦૩/ર૦રપ કરવામાં આવે.
ર. રાજયના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાને લઇને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક લોકાભિમુખ બને તે હેતુથી સંસ્થાગત અભિપ્રાય રજુ કરવાની તક આપવામાં આવે.
૩. સૂચિત જંત્રીમાં દર્શાવેલ બે ગામ કે બે ઝોન કે બે સર્વે નંબરને અડીને આવતી અલગ અલગ ગામ, ઝનો કે સર્વે નંબરની જમીનો અંગે દર્શાવેલ સૂચિત દરમાં ખુબ જ અસામાનતા છે. આથી દરેક વેલ્યુ ઝોનની સાથે તેના નકશાઓ પણ જાહેર કરવા જોઇએ. જેથી આવા અસામાન દરની સરખામણી કરીને સ્થિતિને અનુરૂપ વાસ્તવિક દર મેળવી શકાય.
સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં ર૦૦% થી ર૦૦૦%નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા. ર૦/૧૧/ર૦ર૪ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજયમાં આશરે ૪૦,૦૦૦થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં ૧૮ માસનો સમય થયેલ હોવાનું જણાયેલ છે. આમ છતાં તે અંગેના વાંધા રજુ કરવા માટેનો સમય ફકત ૩૦ દિવસનો જણાવેલ છે. રાજયના મોટા ભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી. વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે.
૧. આપની સરકારના મૂલ્યાંકન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી સમગ્ર ગુજરાતનાં દરેક વિસ્તારોની સુચિત જંત્રી જાહેર કરી પ્રકાશિત કરી અને તે સામે વાંધા સૂચનો માંગવામાં આવેલ છે પરંતુ એ જણાવામાં આવેલ નથી કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવામાં આવેલ છે. આ ઉપરાંત આ જંત્રી નકકી કરવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપેલ ચુકાદામાં સૂચવવામાં આવેલ ગાઇડ લાઇનનો પણ ભંગ થતો દેખાઇ રહ્યો છે. અમારી વિનંતી છે કે જંત્રી અમલમાં મુકતા પહેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદામાં દર્શાવેલ માર્ગદર્શીકા જવાબદારી અરજદારની રહે છે તેવો આગ્રહ રાખવામાં આવે છે. આમ આ કબ્જો સોપતી વખતે પ્લોટ, રોડ કે રીઝર્વેશન ખુલ્લા સોંપાયેલ હોય આ ખોટો આગ્રહ રાખવામાં આવે છે.
અનેક મુદ્દાઓ જણાવ્યા સૂચિત જંત્રીમાં દર્શાવેલ દરને કારણે નવી શરતની ખેતી જમીનને બિનખેતી કરતી વખતે ભરવા પાત્ર પ્રિમીયમની રકમમાં આવતા અસહ્ય વધારાને કારણે બિનખેતી થયેલ ખૂડની કિંમતમાં તેમજ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયુટીમાં મોટો વધારો થવાથી સામાન્ય પ્રજા માટે બીનખેતી પ્લોટની ખરીદી તેમજ બિલ્ડર્સ માટે તૈયાર કરવામાં આવતા એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટની કિંમતમાં પોસાય નહિં તેવો અસહ્ય વધારો આવશે.
ર. સુચિત જંત્રીમાં દર્શાવેલ દરને કારણે નવા પ્લાન પાસ કરતી વખતે ભરવા પાત્ર પેઇડ એફએસએલની રકમમાં વધારો આવશે અને તેનો માર પણ સામાન્ય પ્રજા ઉપર પડશે.
સરકારના હકારાત્મક અભિગમને લીધે ર૦૧પના વર્ષ પહેલા જે ખેતી જમીનનો દસ્તાવેજ ખાતેદાર ખેડૂત દ્વારા કરવામાં આવેલ હોય પરંતુ કોઇપણ કારણોસર આવા ખેડૂતનું ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર ન મળી શકે હોય તેવા સંજોગોમાં પ્રવર્તમાન જંત્રીના ૧૦ ટકા લેખે પ્રીમીયમ લઇને જમીન બિનખેતી કરી આપવામાં આવે છે. જંત્રીના દરમાં વધારો થવાથી આ પ્રીમીયમની રકમમાં અસહ્ય વધારો થશે અને તેનું ભારણ પણ સામાન્ય પ્રજા પર આવશે.
આપનાં શહેરી વિભાગ દ્વારા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નવી યોજના બનાવવામાં આવે ત્યારે ૪૦ ટકા જમીનની કપાત કોઇપણ પ્રકારનું વળતર આપ્યાં વગર કાપીને મુખ્ય ખંડની ફાળવણી કરવામાં આવેલ છે અને ત્યારબાદ પણ આ ફાળવેલ ખંડમાંથી કોમન પ્લોટ અને રોડ રસ્તા બાદ કરતા અમારા હિસ્સામાં ૪પ થી ૪૮ ટકા જમીન આવે છે જેની અસર જમીનની કિંમત ઉપર પડે છે અને જમીનની કિંમતમાં થતો અસહ્ના વધારો સામાન્ય પ્રજા ઉપર પડે છે. આમ આ બાબતને નજરઅંદાજ ન કરતા ટાઉન પ્લાનિંગ કરતી વખતે પ્રજાલક્ષી અભિગમ રાખવો જરૂરી છે.
(2:40 PM IST)










