તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
રાજકોટ દેશનું મહત્વનું શહેરઃ લોકોને મનપાની સેવા સારી રીતે મળે તે જરૂરીઃ તુષાર સુમેરા
નવ નિયુકત મ્યુ. કમિશનરે તમામ શાખાના અધિકારીઓ સાથે બેઠક કરી

રાજકોટ, તા. ૯ : રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ. કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તમામ શાખાધિકારીશ્રીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી.
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે.
વધુમાં પોતાના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, અર્બન ડેવલપમેન્ટ મારો મનગમતો વિષય છે. રાજકોટ એ “Important City of India” છે ત્યાં કમિશનર તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટનું આ ઇમ્પોર્ટન્ટ જાળવી રાખીશું. આજે સવારે રાજકોટ આવેલો ત્યારે સર્કિટ હાઉસથી કોર્પોરેશન તરફ આવતા મને મારી શાળા વચ્ચે આવી. જોઈને આનંદ થયો. હું મારી જાતને નશીબદાર માનું છું કે, જ્યાં ભણ્યો ત્યાં જ કમિશનર તરીકે કામગીરી કરવાનો મોકો મળ્યો. રાજકોટ શહેરમાં જે કોઈ પણ ઇસ્યુ ચાલી રહ્યા છે તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને તેના નિરાકરણ કરવાની સૌ સાથે મળીને કોશિશ કરીશું. શાખાઅધિકારીઓ સાથેની મીટિંગમાં તેમણે કહ્યું હતું કે, હું ખુબ એનર્જી અને ક્લીયર વિઝન સાથે રાજકોટમાં આવ્યો છું. આપણે બધા સાથે મળીને શહેર માટે કામગીરી કરીશું. રાજકોટ એ ઐતિહાસિક સિટી છે તેને આપણું સમજીને કામગીરી કરીશું. રાજકોટ મારી માતૃભૂમિ, જન્મભૂમિ, કર્મ ભૂમિ છે અહી કામ કરવું મારી જાતને નશીબદાર સમજુ છું.
(3:44 PM IST)










