<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

લોકોના પ્રશ્નો ઉકેલવાને પ્રાધાન્‍ય : પેન્‍ડીંગ પ્રોજેકટો ઝડપી પૂરા કરાશે

રાજકોટના નવનિયુકત ૩૪માં મ્‍યુનિ.કમિશનર તરીકે ચાર્જ સંભાળ્‍યો

રાજકોટઃ નવનિયુકત મ્‍યુનિ.કમિશનર તરીકે આજે બપોરે ૧૨:૩૦ કલાકે ચાર્જ સંભાળતા તુષાર સુમેરા તસ્‍વીરમાં દ્રશ્‍યમાન થાય છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 રાજકોટ તા.૯: શહેરના મ્‍યુનિસીપલ કમિશનર તરીકે નિયુકત થયેલા ભરૂચના વર્તમાન કલેકટર તુષાર સુમેરાએ આજે  બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટના ૩૪માં કમિશનર તરીકે સંભાળ્‍યો. રાજકોટ સાથે  બાળપણથી જ સબંધ ધરાવતા પ્રથમ મ્‍યુનિસીપલ કમિશનર છે. તેઓ ર૦૧ર ની બેચના ૪૩ વર્ષના ઉત્‍સાહી યુવા સનદી અધિકારી છે. આજે તુષાર સુમેરાએ બપોરે વિધિવત ચાર્જ સંભાળ્‍યો હતો અને સારામા સારુ કામ થાય તેવો કોલ શહેરીજનોને આપ્‍યો હતો.

બપોરે વિધિવત ચાર્જ સંભાળી પત્રકારા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે,  પ્રજાના પ્રશ્ર્‌નો સંકલન સાથે સારામાં સારી રીતે ઉકેલાય તેવા પ્રયત્‍ન કરશું અમે લોકોને સાંભળવા માટે જ બેઠા છીએ. અને લોકોને સારામાં સારી સર્વિસ આપી શકીએ તે પ્રકારની ટ્રેનીંગ અમને આપવામાં આવતી હોય છે. આથી ટીમ સાથે સંકલન કરી તમામ કામો સારી રીતે પાર પાડશું મને અર્બન ડેવલપમેન્‍ટનો પાંચ વર્ષનો અનુભવ હોવાના કારણે કામ કરવામાં સરળતા રહેશે. આજે હું સર્કિટ હાઉસ ખાતે જઈ રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં હું અભ્‍યાસ કરતો તે સ્‍કૂલ આવેલ આથી જૂના સંભારણા વગોડ્‍યા હતાં. સ્‍કૂલથી બસમાં જતી વખતે કોર્પોરેશનની કચેરી વચ્‍ચે આવતી ત્‍યારે જ આઈએસઆઈ બનવાનું સપનું આજે પૂર્ણ થયું છે અને સદભાગ્‍યે રાજકોટ કોર્પોરેશનના કમિશનર તરીકે ચાર્જ મળ્‍યો છે. જેના લીધે ગર્વ અનુભવું છું.

કોર્પોરેશનમાં ફરજ બજાવતી વખતે અનેક પડકારોનો સામનો કરવો પડશે. તેવા પ્રશ્નનના જવાબમાં કમિશનરે જણાવ્‍યું હતું કે, હજુ તો ચાર્જ સંભાળ્‍યાને અડધો કલાક થયો છે. પરંતુ તમામ વિભાગના અધિકારીઓ અને સ્‍ટાફ સાથે તથા પદાધિકારીઓ સાથે સંકલન કરી પડકારો સમાન કામો સરળતાથી ઉકેલાય તેવા પ્રયત્‍નો કરશું. સાથો સાથ લોકોને ઉપયોગી હોય તેવા કામોને પ્રાયોરીટી આપી સારુ પરફોમન્‍સ આપવા માટે શહેરીજનોની સાથો સાથ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સહકાર મેળવી એક ટીમ તરીકે કામ કરશું.

શ્રી તુષાર સુમેરા મુળ વઢવાણના વતની છે. તેમણે સુરેન્‍દ્રનગર, રાજકોટ, જુનાગઢમાં શિક્ષણ મેળવ્‍યું છે. તેઓ અગાઉ જુનાગઢમાં મ્‍યુનિસીપલ કમિશનર ભાવનગરમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર બોટાદમાં જિલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે.

શ્રી તુષાર સુમેરાનો જન્‍મ રાજકોટમાં થયેલ. તેમણે આર. એમ. છાંયા, શાળા, ચૌધરી હાઇસ્‍કુલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરેલો છે. જન્‍મભૂમિ એ જ શિક્ષણભુમિ અને કર્મભૂમિ હોય તેવુ આઇ. એ. એસ. કેડરના અધિકારીઓમાં જવલ્લેજ બનતુ હોય છે. તેમને શહેરી વિકાસ ક્ષેત્રનો બહોળો અનુભવ છે. તેમના અનુભવનો અને વહીવટી ક્ષેત્રે અન્‍યથી અનોખુ કરતા રહેવાની ખાસિયતનો રાજકોટ શહેરના વિકાસમાં લાભ મળશે તેવી આશા છે.

મન હોયતો માળવે જવાય તે ઉકિત રાજકોટના નવનિયુકત મ્‍યુ. કમિશ્‍નર તુષાર સુમેરાએ સિધ્‍ધ કરી ઉચ્‍ચપદ સુધી પહોંચ્‍યા છે. તેઓ ર૦૧ર ની બેચના આઇ.એ.એસ. અધિકારી છે. તેમણે દેશના શ્રેષ્‍ઠ અધિકારીઓની યાદીમાં સ્‍થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યુ છે. સુરેન્‍દ્રનગરમાં સરકારી અધિકારી દલપભાઇ અને શિક્ષીકા માતાના ઘરે જન્‍મ લેનાર શ્રી તુષાર સુમેરા અભ્‍યાસમાં સામાન્‍ય હતા. તેઓને ૧૦માં ધોરણમાં ખુબ જ ઓછા માર્ક આવ્‍યા હોવા છતા જેમ અર્જુનને માછલીની આંખ જ દેખાતી હતી તેવી જ રીતે તેમણે પણ પોતાનું આઇ.એ.એસ. બનવાના સ્‍વપ્નને નજર સમક્ષ રાખી. નાસીપાસ થવાને બદલે આગળ અભ્‍યાસ ચાલુ રાખ્‍યો હતો.

તુષાર સુમેરાનો વિદ્યાર્થીકાળ દરેક અને તેઓને વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ કહેવામાં આવે છે. કારણ કે, ધોરણ ૧૦માં દરેક વિષયમાં ઓછા માકર્સ આવ્‍યા બાદ પણ ધોરણ ૧૧-૧ર આર્ટ્‌સમાં અભ્‍યાસ કરી બાદમાં ટીચર બન્‍યા હતા. આ દરમિયાન તેઓએ દેશને સુધારવા માટે સ્‍વપન જોઇ યુપીએસસી પરીક્ષા આપવાનું નક્કી કર્યુ. તેઓ ર૦૧ર માં પરીક્ષા પાસ કરી આઇએએસ ઓફિસર બન્‍યા હતા.

આજકાલ ઓછા માર્ક કે નાપાસ થવાથી વિદ્યાર્થીઓમાં આત્‍મહત્‍યાના બનાવો સતત વધતા જોવા મળી રહયા છે. આવા વિદ્યાર્થીઓ માટે મ્‍યુ. કમિશ્‍નર સુમેરા ખાસ પ્રેરણારૂપ કહી શકાય.

નવા મ્‍યુ. કમિશનર, નવો ચિલોઃ

ગુજરાતીમાં પ્રશ્‍નોના અંગ્રેજીમાં જવાબો !

રાજકોટ : મનપાના ૩૪માં મ્‍યુ. કમિશનર તરીકે તુષાર  સુમેરાએ આજે વિધીવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. પત્રકારો સાથેની વાતચીતમાં શહેરના વિકાસને આગળ ધપાવવા કટીબદ્ધતા દર્શાવાની સાથે લોકો માટે પોતાના દ્વારા હંમેશા ખુલ્લા હોવાનું ઉમેર્યુ હતું. જો કે રાજકોટમાંથી મોટા ભાગના અખબારો-ચેનલો ગુજરાતી હોવા છતાં નવા મ્‍યુ. કમિશનરે નવો ચિલો ચિતરતા ગુજરાતીમાં પુછાયેલા પ્રશ્‍નોના મોટા ભાગે અંગ્રેજીમાં જવાબો આપતા પત્રકારોમાં પણ કુતુહલ સાથે આヘર્ય સર્જાયું હતું.

પોતાની ધો. ૧૦ની માર્કશીટ સોશ્‍યલ મિડીયામાં શેર કરેલ

રાજકોટના નવ નિયુકત મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને ધોરણ ૧૦ માં અંગ્રેજીમાં ૩પ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ આવ્‍યા હતા. પોતાના પરિણામથી હતાશ થવાના બદલે તેમને આગળનો અભ્‍યાસ ચાલુ રાખ્‍યો હતો. ધોરણ ૧૧-૧ર આર્ટ્‌સ ફેકલ્‍ટીમાં પુરૂ કરીને કોલેજમાં પ્રવેશ મેળવી આગળ અભ્‍યાસ શરૂ કર્યો હતો. આ વર્ષે તેઓએ બોર્ડની પરિક્ષાના પરિણામ આવ્‍યા ત્‍યારે પોતાની ધો. ૧૦ ની માર્કશીટ સોશ્‍યલ મિડીયામાં શેર કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી.

રાજકોટને સતત ત્રીજા

ગુજરાતી IAS અધિકારી મળ્‍યા

રાજકોટ : નવનિયુકત મ્‍યુ. કમિશનર તુષાર સુમેરાની નિયુકતીથી શહેર માટે ઇતિહાસ રચાયો છે. રાજય સરકાર દ્વારા સતત ત્રીજી વાર ગુજરાત કેડરના અધિકારીની રાજકોટના મ્‍યુ. કમિશનર તરીકે ચાર્જ સોંપાયો છે. અગાઉ આનંદ પટેલ (પ એપ્રિલ ર૦ર૩ થી ર૮ મે ર૦ર૪) તથા દેવાંગ દેસાઇ (ર૮ મે ર૦ર૪ થી ૪ ડીસેમ્‍બર ર૦ર૪) સુધી મ્‍યુ. કમિશનર તરીકે ફરજ નિભાવી ચૂક્‍યા છે. 

માત્ર ૬ માસમાં બદલી પામનારા દેવાંગ દેસાઇ ચોથા કમિશનર

અગાઉ બાજપાઇ, ઘોડાસરા અને આરતી કંવરની ટુંકાગાળામાં બદલી થયેલ

રાજકોટ : શહેરના નવા મ્‍યુ. કમિશનર તરીકે તુષાર સુમેરાની રાજય સરકાર દ્વારા નિયુકતી કરવામાં આવી છે, ત્‍યારે ૩૪માં મ્‍યુ. કમિશનર તરીકે તેઓ સોમવાર કે મંગળવારે ચાર્જ સંભાળે તેવી શકયતા છે.

તેઓશ્રી દેવાંગ દેસાઇના સ્‍થાને તંત્રની ઘુરા સંભાળશે. રાજકોટના ૩૩ પૂર્વ મ્‍યુ. કમિશનરનો કાર્યકાળ ઉપર નજર કરીએ તો ૬ માસથી ઓછી ફરજ બજાવનાર ૪ અધિકારીઓ છે. જેમાં સૌપ્રથમ ડી.સી. બાજપાઇ (ર જુન ૧૯૮૧ થી રર ઓકટોબર ૧૯૮૧), બી.એચ. ઘોડાસરા (૭ માર્ચ ર૦૦૭ થી ૧૧ ઓકટોબર ર૦૦૭), આરતી કંવર (૧ર નવેમ્‍બર ર૦૦૭ થી ર૮ માર્ચ ર૦૦૮) તથા અંતિમ મ્‍યુ. કમિશનર દેવાંગ દેસાઇ (ર૮ મે ર૦ર૪ થી  ૪ ડિસેમ્‍બર ર૦ર૪) સુધી ૬ માસ જેટલા કાર્યકાળમાં બદલી પામ્‍યા છે.

(4:03 PM IST)