<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ગધેથડ ગાયત્રી આશ્રમે ભાવિકોનો દરિયો ઘુઘવશે

ગુરૂદત્ત જયંતીની ભવ્‍ય-દિવ્‍ય ઉજવણી થશેઃ ગુરૂપૂજન-ભોજન પ્રસાદના આયોજનો : તા.૧૫ના રવિવારે ગુરૂદત્ત જયંતીની ઉજવણી : દોઢ-બે લાખ ભાવિકો ઉમટશેઃ ગુરૂપૂજન-ભોજન-પાર્કીંગની જબ્‍બર વ્‍યવસ્‍થાઃ ૧૧પ ગામોને ધુમાડાબંધ આમંત્રણઃ ભાવિકોને દર્શન-પૂજન-ભોજન પ્રસાદનો લાભ લેવા પૂ.રાજુ ભગત-પૂ. દોલુ ભગતનું આમંત્રણ

રાજકોટ, તા,. ૯:  છ દાયકાથી નિરંતર ગાયત્રી મંત્ર-માં લીન રહેતા પૂ. લાલબાપુના દિવ્‍ય સાનિધ્‍યમાં ગુરૂદત્ત જયંતીનું અલોૈકિક આયોજન થયું છે. ઉપલેટા પાસે ગધેથડમાં વેણુ ડેમની અખૂટ જલરાશી વચ્‍ચે ગાયત્રી આશ્રમ  ધમધમે છે. આ આશ્રમમાં પૂ. લાલબાપુ દાયકાઓથી મંત્ર સાધનામાં લીન રહે છે. કરોડો-કરોડો મંત્રોના નિરંતર જાપથી સમગ્ર આશ્રમમાં દિવ્‍યઉર્જાનું આવરણ રચાઇ ગયું છે અહી મંદિરમાં દર્શન માત્રથી પણ અનોખી ઉર્જાનો અહેસાસ થઇ શકે છે.

આવા આધ્‍યમિકધામ ગાયત્રી આશ્રમમાં ગુરૂદત જયંતી એ તા. ૧૫ ડિસે.ના રવિવારે ગુરૂપૂજનનો અલભ્‍ય ઉત્‍સવ ઉજવાશે.

ભકતજનોને પૂ. રાજુ ભગત તથા પૂ. ઘેલુભગતે નિમંત્રણ આપ્‍યું છે. આયોજન પ્રમાણે સવારે છ વાગ્‍યાથી મોડી સાંજ સુધી પૂ. ગુરૂદેવ શ્રી લાલબાપુનું પૂજન થશે. આ અવસરે ગુરૂધારણ કરવાનો અવસર પણ ભકતોને મળશે.

ગુરૂદત્ત જયંતી નિમિતે યોજાનાર ગુરૂપૂજન મહોત્‍સવમાં સવારે ૧૦ વાગ્‍યેથી મોડી રાત્રી સુધી ભોજન પ્રસાદ ચાલુ રહેશે. એક અંદાજ પ્રમાણે ઉત્‍સવમાં દોઢંથી બે લાખ જેટલા ભાવિકો ઉમટી પડશે. ભવ્‍ય-દિવ્‍ય માહોલ સર્જાવાનો છે. સમગ્ર આયોજન માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુરૂ પૂજનમાં ૧૧૦૦ લોકો એક સાથે પૂજાવિધિ કરી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

સમગ્ર આયોજનમાં દરેક ભકતની સુવિધા જળવાય તેવો પ્રયાસ થયો છે. ઉપલેટા પંથકના ૧૧૫ ગામોમાં ઘુમાડાબંધ નિમંત્રણ અપાયા છે. દોઢ- બે લાખ ભકતો માટે વિરાટ ભોજન પ્રસાદ સ્‍થાન નિર્માણ કરાયું છે. આ ઉપરાંત પાર્કિગની પણ જબ્‍બર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ઉત્‍સવના દિને ૧૧૫ ગામોમાં ગોૈમાતાઓ માટે ઘાસચારો, શ્વાનો માટે લાડવા અને કીડી માટે કીડીયારૂ પૂરવાની વ્‍યવસ્‍થા પણ આશ્રમ દ્વારા ગઇ છે.

૧૪ વર્ષે સન્‍યાસ

પૂ. લાલબાપુએ કિશોર વયે દિવ્‍યશકિતનું શરણ લઇ લીધું હતું.

નાગવદર ખાતે રહી તેઓ દિવસે કારખાનામાં મજૂરી કરતા અને રાત્રે પૂજા પાઠ કરવાનુ શરુ કર્યુ.  સંસાર છોડીને ૧૪ વર્ષની ઉંમરે જ લાલુભાના નામમાંથી પૂ. લાલબાપુ નામ રાખવામાં આવ્‍યું  અને સંન્‍યાસ લઈ લીધો હતો.  નાગવદર ખાતે નાની જગ્‍યામાં આશ્રમ બનાવી તેઓએ મારુતિ યજ્ઞનું આયોજન કર્યુ હતુ.

યજ્ઞ પછી પણ તેમને કંઈક અલગ જ કરવાનો વિચાર આવે છે. પેલી કહેવત છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં. બસ આ કહેવત મુજબ તેઓ નજીકના ઢાંક ગામના પ્રખર શ્રી  મગનલાલ જટાશંકર  જોશી વિદ્વાન શાષાીજી હતા તેમની પાસે સલાહ લેવા જાય છે. શ્રી મગનલાલ જોશીને પૂ. લાલબાપુ તેમને ગુરુ ધારણ કર્યાં અને મગનલાલ જોશીએ પૂ. લાલબાપુને ગાયત્રી માતાની સાધના કરવાનુ માર્ગદર્શન આપ્‍યું હતું.  બસ તે દિવસથી આજ સુધી પૂ. લાલબાપુ ગાયત્રી ઉપાસક તરીકે સૌરાષ્‍ટ્ર સહિત દેશ-વિદેશમાં ખૂબ જ નામના મેળવી ચૂકયા છે. ૬૫ વર્ષની ઉંમર દરમિયાન પૂ. લાલબાપુ ૫૦ વર્ષ એકાંતવાસમાં રહીને કઠોર સાધના કરી છે. તેઓ અત્‍યાર સુધીમાં પાંચ વખત એકાંતવાસમાં સાધના કરી ચૂકયા છે.  જેમાં  ૨૧ મહિનાથી લઈને  ૧૨ વર્ષ સુધીનો સમાવેશ થાય છે.

પૂ. લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટીરમાં રહીને કઠોર સાધના કરે છે. માતાજીની આરાધના સમયે તેઓ કોઈને પણ મળતા નથી. તેમની સાધના કુટીરમાં  માત્ર તેમના શિષ્‍ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજુરી છે. સાધના કુટીરમાં નીચે એક ભોયરુ આવેલુ છે ત્‍યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે જયાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી.

પૂ. લાલબાપુ દ્વારા માત્ર ભકિત જ નહીં પરંતુ સાથે-સાથે સમાજસેવાના  કાર્યો પણ કરવામાં આવે છે. પાંચ દાયકાની સાધના દરમિયાન લાલબાપુ પાંચ વખત અજ્ઞાતવાસમાં રહી ચૂકયા છે. આજે પણ ૨૧ કલાક એકાંતવાસમાં આધ્‍યાત્‍મિક જયોત જગાવનાર પૂ. લાલબાપુ રાત્રે ૮ વાગ્‍યે ત્રણ જ ક્‍લાક બહાર આવી લોકોને દર્શન આપે છે. તેઓ દર્શને આવનાર ભકતો અને દર્દીઓને રોજ આયુર્વેદીક દવાઓ લખી આપે છે.  જેમાં કેન્‍સર ,એચઆઇવી જેવા અનેક અસાધ્‍ય રોગના દર્દીઓનો સમાવેશ થાય છે.

હું સંસ્‍કાર શીખવા

આવીશઃઅજય જાડેજા

ગધેથડ ગાયત્રી આશ્રમ એટલે અઢારેય વર્ણનું દિવ્‍યધામઃ પૂ.લાલબાપુના સાનિધ્‍યમાં ૩પ રજવાડા પધાર્યા

પૂ. લાલબાપુના સાનિધ્‍યમાં ગધેથડ ગાયત્રી આશ્રમે યોજાનાર ગુરુદત્ત જયંતી મહોત્‍સવ અંગે યોજાયેલી બેઠકમાં ૩પ રાજવાડા પધાર્યા હતાં. જામ સાહેબના ઉત્તરાધિકારી જાહેર થયેલા પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને પ્રવચનમાં તેઓએ જણાવ્‍યું હતું કે, આદ્‌્‌રણીય શ્રી શત્રુ શલ્‍યજીએ મને અહીં સંસ્‍કાર શીખવા મોકલ્‍યો છે. હું આ દિવ્‍યધામમાં સંસ્‍કાર શીખવા આવીશ. તેઓએ એમ પણ જણાવ્‍યું હતું કે, ગાયત્રી આશ્રમ ગધેથડ ધામ અઢારેય વર્ણને સાથે રાખીને ચાલતું ધામ છે.

(4:28 PM IST)