<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

હિસ્‍ટ્રીશીટર મુકેશ ગુજરાતીને પત્‍નિના પ્રેમી સાગરે ક્રુરતાથી પતાવીને તેના પુત્રને કહ્યું-મેં તારા બાપને મારી નાંખ્‍યો છે!

દોઢ મહિના પહેલા પ્રેમી સાથે ભાગેલી પત્‍નિ શોભના ગત સાંજે પ્રેમી સાથે આવતાં પતિ મુકેશે-તે બીજુ ઘર કર્યુ છતાં કેમ આવી? કહી ઝઘડો કર્યોઃ એ પછી તે પત્‍નિના પ્રેમી સાગર સાથે રિક્ષામાં ગયો અને હત્‍યા થઇ ગઇઃ સાગર અને પ્રેમિકા શોભના વચ્‍ચે માથાકુટનો વિડીયો થોડા દિવસો પહેલા થયો હતો વાયરલ : સોળ વર્ષનો દિકરો આરોપીના કહેલા સરનામે અમુલ સર્કલે નાના ભાઇ સાથે ત્‍યાં પહોંચતા પિતાની લાશ મળીઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યોઃ એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી.વી. બોરીસાગર, ભરતભાઇ વાઘેલા, વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા, મનરૂપગીરી સહિતની ટીમે આરોપી અને મદદ કરનાર મિત્રને ગોંડલ ચોકડીએથી દબોચ્‍યાઃ સત્‍યજીતસિંહ, રવિરાજભાઇ અને દિવ્‍યરાજસિંહની બાતમી : હત્‍યામાં સાગર સાથે તેને મદદગારી કરનાર મિત્ર સંજયની પણ ધરપકડઃ હત્‍યારાો સાગર અગાઉ અપહરણ, બળાત્‍કાર સહિત ત્રણ ગુનામાં સામેલ

હત્‍યાનો ભોગ બનનાર મુકેશ ગુજરાતીનો નિષ્‍પ્રાણ દેહ : સાગર મકવાણા અને મૃતક મુકેશની પત્‍નિ શોભના વચ્‍ચે થોડા દિવસ પહેલા માથાકુટ થઇ હતી તેનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં પ્રેમી સાગર પોતાના ગળા પર છરી ફેરવવા પ્રયાસ કરતો હોય તેવા દ્રશ્‍યો હતાં

રાજકોટ તા. ૧૦: શહેરમાં વર્ષોથી રાજકોટ રહેતાં મુળ જેતપુરના પેઢલાના વતની અને હિસ્‍ટ્રીશીટરની છાપ ધરાવતાં મુકેશ અરજણભાઇ ગુજરાતી (ઉ.વ.૪૧)ની આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક તેની પત્‍નિના પ્રેમીએ ક્રુર હત્‍યા કરી છે. હત્‍યા બાદ આરોપી મુકેશ મનસુખભાઇ મકવાણા રિક્ષા લઇ  ભાગી ગયો હોઇ તેને એલસીબી ઝોન-૧ ટીમે તેને અને મદદગારી કરનાર તેના મિત્રને ગોંડલ ચોકડીએથી દબોચી લીધા છે. દોઢેક મહિના પહેલા હત્‍યાનો ભોગ બનનાર મુકેશની પત્‍નિ શોભના પ્રેમી સાગર સાથે જતી રહી હતી. ગઇકાલે સાંજે ચારેક વાગ્‍યે શોભના તેના પ્રેમી સાગર સાથે રિક્ષામાં આવતાં પતિ મુકેશે ‘તે બીજુ ઘર કરી લીધું છતાં અહિ શું કામ આવી?' કહી મારવા દોડતાં તેણી ઘરેથી ભાગી ગઇ હતી. એ પછી તેને શોધવા મુકેશ અને સાગર સાથે નીકળ્‍યા બાદ તેણી ન મળતાં પરત આવ્‍યા બાદ ફરીથી મુકેશ અને સાગર નીકળ્‍યા હતાં. સોળ વર્ષના દિકરાએ પિતા ઘરે ન આવતાં ફોન જોડતાં ફોન મુકેશે ઉપાડયો હતો અને કહ્યું હતું કે-મેં તારા પિતાને પતાવી દઇ અમુલ સર્કલ પાસે ફેંકી દીધા છે.

આ બનાવમાં પોલીસે હત્‍યાનો ભોગ બનનાર મુકેશ અરજણભાઇ ગુજરાતી (ઉ.વ.૪૧-રહે. મુળ પેઢલા ગામ તા. જેતપુર હાલ રાજકોટ)ના નાના ભાઇ પેઢલા ગામે પાંચ પીપળા રોડ પર નવરંગપરા સામા કાંઠે રહેતાં રામજી અરજણભાઇ ગુજરાતી (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી સાગર મનસુખભાઇ મકવાણા (રાજકોટ) વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હત્‍યારો હત્‍યા બાદ રિક્ષા મારફત ગોંડલ તરફ ભાગી ગયો હતો. તેને એલસીબી ઝોન-૧ ટીમે પગેરૂ શોધી ત્‍યાંથી બીજે ભાગે એ પહેલા પકડી લેવાયો છે.

ફરિયાદમાં રામજી ગુજરાતી (ખાંટ)એ જણાવ્‍યું છે કે હું જેતપુરના પેઢલા ગામે પરિવાર સાથે રહુ છું અને ખેતી કરી ગુજરાન ચલાવુ છું. મારી સાથે પિતા અરજણભાઇ (ઉ.વ.૬૦), માતા નીમુબેન (ઉ.વ.૫૫) પણ રહે છે. મારો મોટો ભાઇ મુકેશભાઇ (ઉ.વ.૪૧) તેના પરિવાર સાથે વીસેક વર્ષથી રાજકોટ રહે છે. મુકેશભાઇના પરિવારમાં તેના પત્‍નિ શોભના અને બે બાળકો સાહિલ (ઉ.વ.૧૬) તથા દેવરાજ (ઉ.વ.૧૦) છે. મારા મોટા બેન ધોરાજીના તોરણીયા ગામે સાસરીયે છે. સોમવારે તા. ૯ના રાતે આઠેક વાગ્‍યે હું અને મારા મિત્ર વિપુલ મકવાણા પેઢલા ગામે ઘંટી પાસે બેઠા હતાં ત્‍યારે મિત્ર વિપુલના ફોનમાં ગામના સરપંચ મુકેશભાઇ ગોહેલનો ફોન આવ્‍યો હતો.

વિપુલે કહ્યું હતું કે તારા ભાઇ મુકેશભાઇનું રાજકોટમાં ખૂન થયું છે તેવો સરપંચને ફોન આવ્‍યો છે. ત્‍યારબાદ મને રાજકોટથી ફોન કરનાર પોલીસનો નંબર અપાતાં મેં વાત કરતાં મારા મોટા ભાઇ મુકેશભાઇનું રાજકોટમાં અમુલ સર્કલ પાસે ૮૦ ફુટ રોડ પર ખૂન થયાની મને જાણ થતાં મેં મારા માતા-પિતાને વાત કરી હતી. એ પછી મારા કોૈટુંબીક સગા વિજય બાબુભાઇ ગુજરાતી, દિનેશ ગોકળભાઇ ગુજરાતીને વાત કરી હતી. આ પછી અમે પેઢલાથી રાજકોટ આવ્‍યા હતાં. અહિ પોસ્‍ટમોર્ટમ રૂમે મારા ભાઇ મકુેશભાઇ અરજણભાઇ ગુજરાતીનો મૃતદેહ જોવા મળ્‍યો હતો. તેના મોઢા પર લોહીલ હતું.

અહિ મારો ભત્રીજો સાહીલ હાજર હતો તેણે વાત કરી હતી કે સાંજે ચારેક વાગ્‍યે પિતા મુકેશભાઇ ઘરે સુતા હતાં ત્‍યારે  હું અને નાનો ભાઇ દેવરાજ બહાર બાંકડા પર બેઠા હતાં. આ વખતે મમ્‍મી શોભનાબેન સાથે સાગર મનસુખભાઇ મકવાણા રિક્ષા લઇને આવ્‍યો હતો. મમ્‍મી મારી સાથે વાત કરતી હતી ત્‍યારે પિતા મુકેશભાઇ જાગી જતાં તે મારી મમ્‍મીને કહેવા લાગેલા કે-તે બીજુ ઘર કર્યુ છે તો અહિ શું કરવા આવી છો? આમ કહી પિતા મારા મમ્‍મીને મારવા જતાં મમ્‍મી ત્‍યાંથી ભાગી ગઇ હતી. એ પછી હું અને મારા પિતા મુકેશભાઇ અને મામા અર્જુનભાઇ તથા સાગર મકવાણા એમ બધા મળી સાગરની રિક્ષામાં બેસી મમ્‍મીને શોધવા માટે નીકળ્‍યા હતાં.

સાંજના છ વાગ્‍યા સુધી અમે મારી મમ્‍મીને શોધી હતી પણ તે મળી નહોતી. આથી અમે ઘરે આવી ગયા હતાં. બાદ મારા પિતા મુકેશભાઇ અને સાગર મકવાણા રિક્ષામાં બહાર જતાં રહ્યા હતાં. હું અને મામા અર્જુનભાઇ ઘરે રોકાયા હતાં. મારા પિતા મારા મામા અર્જુનભાઇનો ફોન લઇ ગયા હતાં. સાંજે સાતેક વાગ્‍યે પિતા સાથે મારે વાત કરવી હોઇ મેં મામા અર્જુનભાઇના ફોનમાં ફોન કરતાં એ ફોન સાગર મનસુખભાઇ મકવાણાએ ઉપાડયો હતો અને મને કહ્યું હતું કે-તારા પપ્‍પાને મેં મારીને અમુલ સર્કલ પાસે ૮૦ ફુટ રોડ પર ફેંકી દીધા છે. એમ કહીને સાગરે ફોન કાપી નાખ્‍યો હતો.

સાહિલે વધુમાં કહ્યું હતું કે આ વાત જાણી હું તથા નાનો ભાઇ દેવરાજ અમુલ સર્કલ પાસે રિક્ષામાં ગયા હતાં. ત્‍યાં માણસોના ટોળા હતાં અને પોલીસ પણ આવી ગઇ હતી. અહિ મારા પિતાની લાશ જોવા મળી હતી. રામજી ગુજરાતીએ આગળ કહ્યું હતું કે ભત્રીજા સાહિલે આ વાત કરતાં મેં તેને પુછેલુ કે તારી મમ્‍મીએ બીજુ ઘર કર્યુ છે? ત્‍યારે સાહિલે કહેલુ કે દોઢેક મહિના પહેલા મારી મમ્‍મી મારા પપ્‍પાને મુકીને સાગર મકવાણા સાથે રહેવા જતી રહી છે, ત્‍યારથી સાગર અને મારા પિતા મુકેશભાઇ વચ્‍ચે ઝઘડા થતાં હતાં. સાગર અને મારા ભાઇની પત્‍નિ શોભના વચ્‍ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હોઇ તે કારણે બંને વચ્‍ચે ઝઘડા થતાં હતાં. સાગરને શોભના સાથેના પ્રેમસંબંધમાં મારો ભાઇ મુકેશભાઇ અડચણરૂપ બનતો હોવાથી તે વારંવાર ઝઘડા તકરાર કરતો હતો. આ કારણે સાગરે મારા મોટા ભાઇ મુકેશ ગુજરાતીને હથીયારના ઘા ઝીંકી તેની હત્‍યા કરી છે. તેમ વધુમાં રામજી ગુજરાતીએ જણાવતાં ડીસીપી, એસીપીની રાહબરીમાં થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, ભરતસિંહ પરમાર સહિતની ટીમે હત્‍યાનો ગુનો નોંધ્‍યો હતો.

બીજી તરફ એલસીબી ઝોન-૧ ટીમના પીએસઆઇ બી.વી. બોરીસાગર, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી, રાજદીપભાઇ, રવિરાજભાઇ, દિવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ સહિતની ટીમ અને થોરાળા ડી. સ્‍ટાફની ટીમે આરોપી સાગર રિક્ષા લઇ ગોંડલ તરફ ગયો હોવાની બાતમી મળતાં પગેરૂ દબાવી તેને દબોચી લીધો હતો. તેની સાથે મદદગારીમાં મિત્ર સંજય રમણીકભાઇ સોલંકી (ઉ.વ.૨૨-રહે.ભ ગવતીપરા સ્‍વામીનારાયણ ડેરી સામે મુળ પાટણવાવ ધોરાજી) પણ સામેલ હોઇ તેને પણ પકડી લીધો હતો.

ઝડપાયેલો સાગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્‍ધ મોરબી સીટી બી-ડિવીઝનમાં બે ગુના અને રાજકોટ યુનિવર્સિટીમાં અપહરણ-બળાત્‍કારનો ગુનો નોંધાયો હતો. બંનેને કોન્‍સ. સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી પરથી પકડી ગોંડલ ચોકડી પાસેથી પકડી લેવાયા હતાં.

હત્‍યાનો ભોગ બનનાર પોલીસ પર હુમલા, મર્ડર, દારૂ, ચોરીઓના ગુનાઓમાં સામેલ હતોઃ પીઆઇ એન. જી. વાઘેલા

ઞ્જ હત્‍યાની ઘટનામાં વિગતો જણાવતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન. જી. વાઘેલાએ જણાવ્‍યું હતું કે હત્‍યાનો ભોગ બનનાર મુકેશ અરજણભાઇ ગુજરાતી અગાઉ રાજકોટમાં મનહરપુર ગામ ઢાળ પર માધાપર ચોકડીએ રહેતો હતો. તે મુળ જેતપુરના પેઢલાનો વતની હતો. તેના વિરૂધ્‍ધ અગાઉ રાજકોટ ભક્‍તિનગર પોલીસમાં ચોરી, ચોટીલા પોલીસમાં ચોરી, ગોંડલ સીટી પોલીસમાં ચોરીઓના ત્રણ ગુના, રાજકોટ એ-ડિવીઝનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. તેમજ રાજકોટ એલસીબી ઝોન-૧ ટીમે ત્રણસો પેટી દારૂના કેસમાં પણ તેને પકડયો હતો. આ ઉપરાંત તે પોલીસ પર હુમલો, મર્ડર જેવા ગુનાઓમાં પણ સામેલ હોવાની વિગતો સાંપડી છે.

હત્‍યાનો ભોગ બનાર પોલીસ પર હુમલા, મર્ડર, દારૂ, ચોરીઓના ગુનાઓમાં સામેલ હતોઃ પીઆઇ એન. જી. વાઘેલા

 હત્‍યાની ઘટનામાં વિગતો જણાવતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન. જી. વાઘેલાએ જણાવ્‍યું હતું કે હત્‍યાનો ભોગ બનનાર મુકેશ અરજણભાઇ ગુજરાતી અગાઉ રાજકોટમાં મનહરપુર ગામ ઢાળ પર માધાપર ચોકડીએ રહેતો હતો. તે મુળ જેતપુરના પેઢલાનો વતની હતો. તેના વિરૂધ્‍ધ અગાઉ રાજકોટ ભક્‍તિનગર પોલીસમાં ચોરી, ચોટીલા પોલીસમાં ચોરી, ગોંડલ સીટી પોલીસમાં ચોરીઓના ત્રણ ગુના, રાજકોટ એ-ડિવીઝનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. તેમજ રાજકોટ એલસીબી ઝોન-૧ ટીમે ત્રણસો પેટી દારૂના કેસમાં પણ તેને પકડયો હતો. આ ઉપરાંત તે પોલીસ પર હુમલો, મર્ડર જેવા ગુનાઓમાં પણ સામેલ હોવાની વિગતો સાંપડી છે.

(2:49 PM IST)