<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

કાલાવડ રોડ જાનકી પાર્કના ‘મનોરથ' મકાનમાં રહેતાં માંડલીયા પરિવારે પુત્રવધૂ પર ગુજાર્યો સિતમ

પરિણીતા પાસે દિયરે વારંવાર બિભત્‍સ માંગણી કરી, પતિએ ‘તું જ આવી છો, મારો ભાઇ આવુ ન કરે' કહી બેફામ માર માર્યો! : ઘરમાંથી કાઢી મુકીઃ લગ્નના દોઢ વર્ષ બાદ જ પતિએ ‘કંઇ આવડતું નથી' કહી ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યુ હતું: દિયર છેડતી કરતો અને માથે જતાં બ્‍લેકમેઇલ કરવાની ધમકી પણ આપતો!: છેલ્લે પરિણીતાને કાઢી મુકી ત્‍યારે પણ-તમારી દિકરીને બીજા સાથે સંબંધ છે એવા હિન આક્ષેપો કર્યા : લગ્ન થયા ત્‍યારથી પરિણીતાને માવતર સાથે વાત કરવા સિવાય મોબાઇલ ફોન પણ વાપરવા દેતાં નહિઃ લગ્ન જીવન ટકાવી રાખવા તેણીએ સતત ત્રાસ સહન કર્યોઃ અંતે કાઢી મુકાતાં માલવીયાનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી

જેના વિરૂધ્‍ધ માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો છે તે હિતેષ માંડલીયા અને નિલેષ માંડલીયા

રાજકોટ તા. ૧૦: શહેરની એક પરિણીતાને લગ્નના દોઢ વર્ષ બાદ પતિએ તને કંઇ આવડતું નથી કહી નાની નાની વાતે હેરાન પરેશાન કરતાં અને દિયરે અવાર-નવાર બિભત્‍સ માંગણી કરી હાથ પકડી લઇ પરેશાન કરતાં પરિણીતાએ પોતાના પતિને આ વાત કરતાં તેણે ‘તુ જ આવી છો, આ ખોટી વાત છે, મારો ભાઇ આવુ કરે જ નહિ' કહી ઢીકાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકતાં તેણી બહાર ન નીકળતાં તેના માવતરને ફોન કરી-આ તમારી દિકરી બહાર નીકળતી નથી, તમે આવીને લઇ જાવ તેમ કહી તગેડી મુકતાં અને બે સંતાનને પણ ન આપી તેમજ દિયરે તમારી દિકરીને બીજા છોકરા સાથે સંબંધ છે એવા ખોટા આરોપો મુકતાં પરિણીતાએ પોલીસની મદદ લીધી છે. પોલીસે ગુનો નોંધી તેણીના પતિ-દિયરને  પકડી લેવા તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  ભોગ બનનાર ૩૪ વર્ષિય પરિણીતાની ફરિયાદ પરથી તેણીના પતિ હિતેષ ટીકમભાઇ માંડલીયા તથા દિયર નિલેષ ટીકમભાઇ માંડલીયા (રહે. બંને મનોરથ મકાન, જાનકી પાર્ક શેરી નં. ૨, વોકહાર્ટ હોસ્‍પિટલની સામે કાલાવડ રોડ) વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી બંનેને પકડી લેવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનાર પરિણીતાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પંદર દિવસથી મારા માતા-પિતા સાથે રહુ છું અનુ ઘરકામ કરુ છું. મારા લગ્ન જ્ઞાતિના રીતીરીવાજ મુજબ હિતેષ માંડલીયા સાથે બાર વર્ષ પહેલા થયા હતાં ત્‍યારથી હું તેની સાથે રહુ છું. મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મારા સસરા ટીકમભાઇ ૭૩ વર્ષના છે અને સાસુ ભાનુબેન ૬૫ વર્ષના છે. દિયર નિલેષ ૩૮ વર્ષનો છે અને દેરાણી હેત્‍વીબેન ૩૫ વર્ષના છે. મારા લગ્ન ૨૦૧૩માં થયા હતાં. લગ્ન થયા ત્‍યારથી જ હું પતિ-સાસરિયા સાથે મનોરથ મકાન જાનકી પાર્ક-૨ વોકહાર્ટ હોસ્‍પિટલ સામે રહેતી હતી.

અમારા લગ્ન બાદ મારા દિયર નિલેષના લગ્ન થયા હતાં. લગ્ન બાદ અમે સંયુક્‍ત પરિવારમાં રહેતાં હોઇ લગ્નના દોઢ વર્ષ બાદ પતિ હિતેષે મેણાટોણા ચાલુ કર્યા હતાં કે તને કંઇ આવડતું નથી. નાની નાની વાતે તે મને હેરાન પરેશાન કરતાં હતાં. આજથી બે ત્રણ વર્ષ પહેલા હું અમારા ઘરના પહેલા માળે હતી ત્‍યારે દિયર નિલેષ માંડલીયાનો રૂમ પણ અમારી બાજુમાં હોઇ દિયરે મારી પાસે બિભત્‍સ માંગણી કરી હતી. જેથી હઅું નીચે સાસુ સસરા પાસે જતી રહી હતી. મેં ત્‍યારે કોઇને વાત કરી નહોતી. એ પછી જ્‍યારે પણ હું ઘરે એકલી હોઉ ત્‍યારે મારો દિયર મારી પાસે આવી બિભત્‍સ માંગણી કરતો હતો, પણ હું તેને કોઇ જવાબ આપતી નહોતી. મારો સંસા તૂટે નહિ તેથી હું કોઇને વાત કરતી નહોતી.

વળી મારા પિતાની તબિયત ખરાબ રહેતી હોઇ જેથી તેઓ વધુ બિમાર ન પડે તે માટે મારા માવતરને પણ મેં આ બાબતે કંઇ વાત કરી નહોતી. એ પછી આજથી એકાદ વર્ષ પહેલા હું મારા રૂમની બહાર કામ કરતી હતી ત્‍યારે દિયર નિલેષે મારો હાથ પકડી લીધો હતો અને મારી પાસે ફરીથી બિભત્‍સ માંગણી કરી હતી. હુ઼ હાથ મુકાવીને નીચે મારા સાસુ સસરા પાસે જતી રહી હતી. ત્‍યારેથી તે અવાર-નવાર આ રીતે હાથ પકડી લેતો હતો. મેં મારા દિયરને ત્‍યારે કહેલુ કે હવે પછી આવુ કરશો તો હું મારા પતિને વાત કરી દઇશ. ત્‍યારે દિયરે જો તું તારા પતિને આ વાત કરીશ તો હું તને કોઇને કોઇ રીતે બ્‍લેકમેઇલ કરીશ. જેથી હું ડરી ગઇ હતી અને મેં કોઇને વાત કરી નહોતી. આ કારણે દિયરની હેરાનગતિ દિવસે ને દિવસે વધતી જતી હતી. અંતે મેં મારા પતિ હિતેષને વાત કરતાં તેણે મને કહેલું કે-આ બધી વાત ખોટી છે, તું જ આવી છો, મારો ભાઇ આવુ કંઇ કરે જ નહિ...તેમ કહી તેણે મારી સાથે માથાકુટ કરી હતી. તેમજ મને હાથ-પગ વડે માર માર્યો હતો.

ભોગ બનનાર પરિણીતાએ આગળ જણાવ્‍યુ છે કે મારા લગ્નથી લઇ આજ સુધી આ લોકો મારા માતા-પિતા સાથે વાત કરવા સિવાય મને મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કરવા દેતા નહિ. બાદ ગત ૨૪/૧૧/૨૪ના રોજ મેં પતિ હિતેષને દિયર મને હેરાનગતી કરે છે તેની વાત કરી હોઇ પતિને ન ગમતાં મને ધક્કો મારી ઘરની બહાર કાઢી મુકી હતી. છતાં હું ઘરેથી નીકળી નહોતી. જેથી તેણે મારા ભાઇને ફોન કરીને કહેલુ કે આ ઘરની બહાર નીકળતી નથી, તમે આવીને લઇ જાવ. એ પછી સાંજે છએક વાગ્‍યે મારા માતા-પિતા, બે ભાઇઓ મારા ઘરે આવ્‍યા હતાં. ત્‍યારે મારા પતિએ મારા માવતરને કહેલું કે-આને તમારી સાથે પાછી લેતા જાવ. એ પછી મારા માતા-પિતા મને તેમની સાથે માવતરે લઇ આવ્‍યા હતાં.

મેં મારા બે બાળકોની માંગણી કરી હતી પણ પતિએ કહેલું કે તેને હું રાખીશ, હું સાચવી લઇશ, તું જા. આ પછી મેં ઘરે જઇને મારા પિતાએ મને કહેલું કે-તારા દિયરે કહ્યું છે કે તારે બીજા કોઇ છોકરા સાથે સંબંધ છે જેથી તને રાખવા નથી માંગતા અને તને લઇ જવાનું કહ્યું હતું. દિયરે આ રીતે મારા પિતાને પણ મારા પર ખોટા આક્ષેપો કરતી વાત કરી હતી. અંતે મારે પોલીસ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં પરિણીતાએ જણાવતાં માલવીયાનગરના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. આર. કોઠીયાએ ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

(4:42 PM IST)