News of Tuesday, 10th December 2024
રાજકોટના જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાનું શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સન્માન
૯ વર્ષના કાર્યકાળ દરમ્યાન ૧૧૭ સજા કરાવીઃ મુખ્યમત્રીના હસ્તે મોમેન્ટો અર્પણ

રાજકોટ તા.૧૦: જિલ્લા સરકારી વકિલ શ્રી એસ.કે. વોરા ને તેમની કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. ૯- વર્ષના કાર્યકાળમા તેઓએં ૧૧૭ કેસોમાં સજાની ઉપલબ્ધી મેળવનાર જીલ્લા સરકારી વકીલ શ્રી વોરા ને સરદાર પટેલ ના સ્ટેચ્યુનો મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો.
ગત તા.૨૩/૧૨/૨૦૧૫ ના રોજ જિલ્લા સરકારી વકિલ તરીકે ચાર્જ સંભાળનાર સંજયભાઈ કે. વોરા તેમના કાર્યકાળ દરમ્યાન છેલ્લા ૨-વર્ષમાં ભ્રષ્ટાચારના ૨૭ કેસોમાં અને ૯- વર્ષમાં કુલ ૧૧૭ કેસોમાં સજાઓની ઉપલબ્ધી મેળવતા આજરોજ આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્સન દિવસ નિમીતે ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ સન્માનીત કરી ગળહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને એન્ટીકરપ્સન બ્યુરોના અધ્યક્ષ શમશેરસિંહજી ની ઉપસ્થિતીમાં લોખંડી પુરૂષ સરદાર પટેલ ના સ્ટેચ્યુનો મોમેન્ટો અર્પણ કરેલ છે.
જિલ્લા સરકારી વકિલ તરીકે શ્રી વોરા એ કાર્યકાળ સંભાળ્યાના ટુંકાગાળામાં ડીજીપી ઓફીસની પધ્ધતિઓ અને વ્યવસ્થાતંત્ર મુળભુત રીતે બદલી દરેક એડીશનલ પીપીશ્રીને અલાયદી રીતે અલગ અલગ કોર્ટ સ્વતંત્ર પણે ફાળવી કેસોના ઝડપી નિકાલ માટેનો માર્ગ તદ્દન સરળ બનાવી પક્ષકારો અને સાક્ષીઓની મુશ્કેલીઓ ન્યુનતમ કરી દીધેલ છે. પોકસો કાયદા હેઠળના દુષ્કર્મના આરોપીઓ સામેના ૨૭ થી વધુ કેસોમાં ૧૦- વર્ષથી આજીવન કેદની સજાઓ અપાવેલ છે, તેમજ ભ્રષ્ટાચાર અને નશાકારક પદાર્થના તમામ કેસો સ્વતંત્રપણે પોતાના હસ્તક રાખી અઢી વર્ષના ટુંકાગાળામાં ૩૦ થી વધારે કેસોનો સજા સ્વરૂપે નિકાલ કરેલ છે.
ગુજરાતના ઈતિહાસમાં આટલી મોટી સંખ્યાના કેસોમાં સજાઓ મેળવ્યા બદલ શ્રી વોરા ને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ બિરદાવી તા.૦૯/૧૨/૨૦૨૪ ના રોજ ગાંધીનગર ખાતે સન્માનીત કરેલ છે તથા ગુજરાતભરમાં રાજકોટ જિલ્લામાં સજાઓના કેસોનો ૩૧૪ નો સૌથી ઉચો દર મેળવ્યાની ઉપલબ્ધી પણ મેળવેલ છે.
(4:26 PM IST)










