News of Tuesday, 10th December 2024
હાથીખાનાના વેપારી મોહમ્મદ હક્કને બંગાળી કારીગર હસનઅલી છેતરી ગયોઃ ૯ લાખનું સોનુ લઇ રફૂચક્કર
કાનની બુટી બનાવી આપવા માટે ૧૦૦ ગ્રામ ફાઇન સોનાનું બિસ્કીટ અને એક ચેઇન આપ્યા હતાં: કારીગરે પાંચ દિવસમાં દાગીના બનાવી દેશે એવું કહ્યું હતું: પાંચમા દિવસે તપાસ કરતાં ઘરેથી નીકળી ગયો હતોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: શહેરમાં અવાર-નવાર બંગાળી કારીગરો વેપારીઓને છેતરીને સોનુ લઇ ભાગી જતાં હોય છે. વધુ એક વખત આવો બનાવ બન્યો છે. જેમાં હાથીખાનામાં રહેતાં અને સોની બજારમાં દાગીના બનાવવાનું કામ કરતાં મુસ્લિમ વેપારીને તેનો વિશ્વાસુ બંગાળી કારીગર છેતરીને ૯ લાખનું સોનુ ઉસેડી છુમંતર થઇ ગયો છે. વેપારીએ પોતાની મેળે શોધખોળ કર્યા બાદ હવે એફઆઇઆર દાખલ કરાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે હાથીખાના શેરી નં. ૬ના ખુણે રહેતાં મોહમ્મદ ઇકરામુલ હક્ક (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી રામનાથપરા મેઇન રોડ પર રહુતાં મુળ વેસ્ટ બંગાળના ખન્નાન ગામે રહેતમાં હસનઅલી સયફુલઆલમ શેખ વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૧૬ (૨) મુજબ કાનમાં પહેરવાની સોનાની બુટી પાંચ દિવસમાં બનાવી પરત આપવાની શરતે ૧૦૦ ગ્રામ ફાઇન સોનાનુ બિસ્કીટ રૂા. ૭,૪૫,૦૦૦નું લઇ જઇ તેમજ ૧૮ કેરેટનો ૨૯ ગ્રામનો સોનાનો ચેઇન રૂા. ૧,૬૪,૦૦૦નો મળી કુલ ૯,૦૯,૦૦૦નું સોનુ લઇ જઇ બુટી બનાવીને તેમજ ચેઇન બનાવીને પરત ન આપી વિશ્વાસઘાત કર્યાનો ગુનો દાખલ કર્યો છે. મોહમ્મદ ઇકરામુલ હક્કે વિગતો આપતા જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે હાથીખાનામાં રહુ છું અને સોની બજાર જુની ગધીવાડ દર્શન કોમ્પલેક્ષમાં જસ્મીન મશીન કટ નામને ૨૦૪ નંબરી દૂકાન રાખી તેમાં સોનાના દાગીના બનાવી વેંચવાનું કામ કરુ છું. મેં તા.૧૨/૧૦ના રોજ એ-વન ફેમીલી માર્ટ રામનાથપરા મેઇન રોડ પર સોની કામ કરતાં મુળ બંગાળના હુગલી જીલ્લાના પાંડુવા તાબેના ખન્નાન ગામના હસનઅલી સયફુલઆલમ શેખને વિશ્વાસ રાખી ૧૦૦ ગ્રામ ફાઇન સોનાનું બિસ્કીટ તેમજ ૧૮ કેરેટનો ૨૯ ગ્રામ સોનાનો ચેઇન આપ્યા હતાં.
આ સોનામાંથી તેણે મને કાનમાં પહેરવાની બુટી બનાવીને આપવાના હતાં. આ કામ તેણે પોતે પાંચ દિવસમાં કરી આપશે તેવી ખાત્રી આપી હતી. પાંચ દિવસનો સમય પુરો થતાં મેં હસનઅલીને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હોઇ તે જ્યાં રહે છે ત્યાં જઇને તપાસ કરતાં તે ઘરેથી નકળી ગયાનું મકાન માલિકે જણાવ્યું હતું. શોધખોળ કરવા છતાં અને તેના પરિચીતોની પુછતાછ કરવા છતાં હસનઅલી ક્યાંય મળતો ન હોઇ તે ઠગાઇ કરી મારુ ૯,૦૯,૦૦૦નું સોનુ લઇ ભાગી ગયાનું જણાતાં અંતે મેં પોલીસને જાણ કરી હતી. મેં આ બાબતે અગાઉ અરજી કરી હતી અને ઘરમેળે હસનઅલીની શોધખોળ ચાલુ રાખી હતી. પણ હવે ફરિયાદ નોંધાવી છે. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગીએ ગુનો દાખલ કરી બંગાળી કારીગરને શોધવા તપાસ શરૂ કરી છે.
(3:39 PM IST)










