<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-૧માં જુના દસ્‍તાવેજોમાં છેડછાડ કરવાનું કારસ્‍તાન?

૧૯૭૦ની સાલ આસપાસના ૧૦ દસ્‍તાવેજોમાં ચેડા થયાની, ગૂમ થયાની ભારે ચર્ચાઃ એક શકમંદ સકંજામાં: સબ રજીસ્‍ટ્રાર અતુલ દેસાઇ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યાઃ કચેરીના કોન્‍ટ્રાક્‍ટ બેઝ કર્મચારી જયદિપ ઝાલાને પોલીસે દારૂના ચપલા અને રોકડા ૧.૧૭ લાખ સાથે સકંજામાં લઇ પુછપરછ આદરીઃ બોગસ દસ્‍તાવેજો ઉભા કરવાનું મોટુ કોૈભાંડ ખુલવાની શક્‍યતા

રાજકોટ તા. ૧૧: જુની કલેક્‍ટર કચેરી પાસે આવેલી સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-૧માં વર્ષો જુના દસ્‍તાવેજોમાં છેડછાડ કરી ચેડા કરી કોૈભાંડ આચરવાના કારસ્‍તાનનો પર્દાફાશ થવાની શક્‍યતા છે. પોલીસે શંકાને આધારે આ કચેરીમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર કામ કરતાં કોમ્‍પ્‍યુટર ઓપરેટરને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી છે. તો બીજી તરફ સબ રજીસ્‍ટ્રાર અતુલ દેસાઇ પણ પોલીસ સ્‍ટેશને દોડી ગયા છે. શકમંદને પોલીસ પુછતાછ માટે લાવતાં તેની પાસેથી ૧૮૦ એમએલનું દારૂનું ચપલુ મળતાં અને તેના ટુવ્‍હીલરની ડેકીમાંથી રોકડ રકમ મળી આવતાં તેની પુછતાછ શરૂ થઇ હતી. આ શખ્‍સ સાથે કારસ્‍તાનમાં અન્‍ય કેટલાક પણ સામેલ હોવાની શંકાએ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

જાણવા મળ્‍યા મુજબ સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-૧માં જુના દસ્‍તાવેજો સાથે ચેડા થઇ રહ્યાની શંકા ઉપજતાં એક અરજદારે કલેક્‍ટર તંત્રને અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન પોલીસે શંકાના આધારે ઝોન-૧ કચેરીના કોન્‍ટ્રાક્‍ટ બેઝ કર્મચારી જયદિપ શાંતિલાલ ઝાલા (ઉ.વ.૪૦-રહે. કોઠારીયા રોડ ખોડિયાર કૃપા સોસાયટી)ને પુછતાછ માટે શોધવાનું ચાલુ કર્યુ હતું. દરમિયાન આ શખ્‍સ પ્ર.નગર પોલીસ સ્‍ટેશન પાસેથી નીકળતાં તેને ટુવ્‍હીલર નં. જીજે૦૩જેએન-૩૨૧૩ સાથે પોલીસ સ્‍ટેશનના પાર્કિંગમાં લઇ જવાયો હતો. તેની તલાસી લેતાં તેની પાસેથી દારૂનું એક ચપલુ મળી આવ્‍યું હતું. તેમજ તેના વાહનની ડેકી ચેક કરતાં તેમાંથી રૂા. ૧,૧૭,૦૦૦ની રોકડ પણ મળી આવતાં પોલીસે દારૂનો ગુનો નોંધી તેની ધરપકડ કરી રોકડ શક પડતી મિલ્‍કત તરીકે ગણી કબ્‍જે કરી વિશેષ પુછતાછ હાથ ધરી હતી.

તેની પાસેની રોકડ ક્‍યાંથી આવી? એ અંગે પુછાતાં તેણે પગારની રકમ હોવાની ગોળ ગોળ વાતો કરી હતી. બીજી તરફ સબ રજીસ્‍ટ્રાર કચેરી ઝોન-૧માંથી ૧૦થી ૧૨ જેટલા જુના દસ્‍તાવેજો ગૂમ થતાં કે તેમાં ચેડા થયાની ફરિયાદ ઉઠી હોઇ ઝડપાયેલો શખ્‍સ આ કચેરીનો જ કોમ્‍પ્‍યુટર ઓપરેટર હોઇ તેની આ કારસ્‍તાનમાં સંડોવણીની શંકા હોઇ શકે છે તે આધારે તેની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. સબ રજીસ્‍ટ્રાર અતુલ દેસાઇ પણ પ્ર.નગર પોલીસ સ્‍ટેશને દોડી ગયા હતાં. ચર્ચા છે કે કચેરીમાંથી ૧૯૭૦ની સાલના દસ્‍તાવેજોમાં ચેડા થયા છે કે ગૂમ થયા છે. આ દસ્‍તાવેજો એનઆરઆઇના નામે  છે કે પછી રાજકોટના રહેવાસીઓના? તે સહિતની તપાસ શરૂ થઇ છે.

આ વિશે વધુ માહિતી માટે ઝોન-૧ના સબ રજીસ્‍ટ્રાર અતુલ દેસાઇનો સંપર્ક કરતાં તેઓ પોલીસ સ્‍ટેશને ગયાનું જાણવા મળ્‍યું હતું. જો કે તેમની સાથે વાત થઇ શકી નથી.  જુના રેકોર્ડ ગૂમ થયા કે ચેડા થયા? તે અંગે કોઇ સ્‍પષ્‍ટ વિગતો જાણવા મળી નથી. બીજી તરફ પ્ર.નગર પોલીસે જે કર્મચારી જયદિપ ઝાલાને દારૂના ચપલા અને રોકડ સાથે પકડયો છે તેની જુના દસ્‍તાવેજોમાં છેડાછાડ, ચેડા કરી કોૈભાંડ આચરવાના કારસ્‍તાનમાં સંડોવણી છે કે કેમ? તેની ખરાઇ કરવા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મોડી સાંજ સુધીમાં આ મામલે પોલીસ તપાસ દરમિયાન મોટા કારસ્‍તાનની વિગતો ખુલવાની શક્‍યતા છે.

કચેરીમાં રાખવામાં આવેલા વર્ષો જુના દસ્‍તાવેજોની સ્‍કેન કોપીમાં નામ ફોટામાં છેડછાડ કરી બોગસ દસ્‍તાવેજો ઉભા કરવામાં આવ્‍યાની પણ શંકા હોઇ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ પી.આર. ડોબરીયા, પીએસઆઇ આઇ. એ. બેલીમ, કોન્‍સ. જયેન્‍દ્રસિંહ પરમાર, ચાંપરાજભાઇ ખવડ સહિતે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(2:55 PM IST)