News of Wednesday, 11th December 2024
નવી જંત્રીમાં ઘટસ્ફોટઃ કોઠારીયા-રેલનગર-પોપટપરામાં વધુ પડતા ભાવો
સબ રજીસ્ટ્રાર કચેરીના અધીકારીઓએ ગાંધીનગર રીપોર્ટ ફાળવી દીધોઃ વોર્ડ નં. ૧૧-૧ર-૧૭માં ભાવો બરોબરઃ વોર્ડ ૧૮માં પણ ભાવો વધુ : સબ રજીસ્ટ્રાર ઝોન-૧માં રેકર્ડ ગૂમ થવા અંગેનું જબરૂ કૌભાંડઃ ખુદ સબ રજીસ્ટ્રાર અતુલ દેસાઇએ ફરીયાદ નોંધાવીઃ હાલ કચેરીના તમામ સ્ટાફનું અકળ મૌન બોગસ દસ્તાવેજ અંગે પણ પોલીસ તપાસ

રાજકોટ તા. ૧૧: રાજય સરકારે તાજેતરમાં નવી જંત્રી જાહેર કરી છે, તેમાં રાજયભરના બિલ્ડરોમાં પ્રચંડ વિરોધ છે, રાજકોટના બિલ્ડરોએ પણ ર દિવસ પહેલા જંગી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, નવી જંત્રી સામે વાંધા-વચકાઓનો રાફડો ફાટયો છે.
બીજી બાજુ ગાંધીનગરના તંત્રે દરેક સબ રજીસ્ટ્રાર પાસેથી તેમના વોર્ડમાં આવતા વિસ્તારોની જંત્રી અંગે સર્વે કરી રીપોર્ટ મંગાવ્યો છે.
સબ રજીસ્ટ્રાર કચેરીના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જે તે સબ રજીસ્ટ્રાર અધીકારી દ્વારા તેમના વિસ્તારોનો નવી જંત્રીમાં થયેલા ભાવો અંગે સર્વે ચાલી રહ્યો છે, અમુકે રીપોર્ટ મોકલી દીધો છે.
ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ઝોન-રના વિસ્તારોમાં સર્વે પૂરો થયો છે, જેમાં વોર્ડ નં. ૧૧, ૧ર, ૧૭માં જંત્રીના જે ભાવો જાહેર થયા એ બરોબર છે, પરંતુ વોર્ડ નં. ૧૮માં અમૂક વિસ્તારોમાં વધુ પડતા ભાવો હોવાનું બહાર આવ્યું છે, આ ઉપરાંત મોટો ઘટસ્ફોટ કે ધડાકો કોઠારીયા, રેલનગર, પોપટપરા ક્ષેત્રનો થયો છે, આ ત્રણેય વિસ્તારમાં જંત્રીના જે ભાવો જાહેર થયા તે વધુ પડતા, કે અસહ્ય કે બેફામ ભાવો હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે, અને તે મુજબ ગાંધીનગર રીપોર્ટ પણ કરી દેવાયો છે.
જયારે અન્ય કચેરીઓ દ્વારા હાલ સર્વે તથા તપાસનો ધમધમાટ ચાલુ છે.
દરમિયાન સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧માં રેકર્ડ ગુમ થવા અંગેનું કૌભાંડ બહાર આવતા ભારે હલચલ મચી છે, ઝોન-૧ના અધીકારી શ્રી અતુલ દેસાઇ ખુદ ફરિયાદી બન્યા છે, આ ઝોનમાં બોગસ દસ્તાવેજ અંગેનું પણ કૌભાંડ હોવાની શંકા તથા આ બાબતે આખા શહેરમાં ચર્ચા ચાલી રહી છે, પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે, તેની પાસેથી વિગતો મેળવવા અંગે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
(2:56 PM IST)










