<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

જુના માર્કેટ યાર્ડ પાસે બંધ ઉભેલા ટેન્‍કર પાછળ ટુવ્‍હીલર અથડાતાં ગેરેજ સંચાલક યુવાનનું મોત

મોરબી રોડ પર રહેતો ૨૭ વર્ષનો પ્રદિપ પ્રજાપતિ માંડા ડુંગર પાસેના ગેરેજથી ઘરે જમવા જતો હતો ત્‍યારે રસ્‍તામાં કાળ ભેટયો

રાજકોટ તા. ૧૧: શહેરમાં વધુ એક વખત જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. જુના માર્કેટ યાર્ડ નજીક પૂલ પર બંધ ઉભેલા ટેન્‍કર પાછળ ટુવ્‍હીલર અથડાતાં ચાલકનું ઘટના સ્‍થળે જ ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ સેટેલાઇટ ચોક ઘનશ્‍યામનગર મેઇન રોડ પર રહેતો પ્રદિપભાઇ રાજેન્‍દ્રભાઇ પ્રજાપતિ (ઉ.વ.૨૭) નામનો યુવાન બપોરે પોતાનું ટુવ્‍હીલર હંકારીને જતો હતો ત્‍યારે જુના માર્કેટ યાર્ડ નજીક પૂલ પર પહોંચ્‍યો ત્‍યારે  એક ટેન્‍કર બંધ ઉભુ હોઇ તેની પાછળ પોતે અથડાઇ જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત થયું હતું. બનાવને પગલે ટેન્‍કરનો ચાલક તેનું વાહન મુકી નીકળી ગયો હતો.

મૃત્‍યુ પામનાર યુવાન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે માંડા ડુંગર પાસે ગેરેજ ચલાવે છે. ત્‍યાંથી ઘરે જમવા માટે જતો હતો અને રસ્‍તામાં કાળ ભેટી ગયો હતો. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બી-ડિવીઝનના હિતેષભાઇ જોગડા સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

(3:33 PM IST)