News of Wednesday, 11th December 2024
પીસીબીના પાંચ દરોડાઃ દેશી દારૂની ભઠ્ઠીઓ, સાધનો, કારમાં દારૂના જથ્થા સાથે છ પકડાયા
થોરાળા, જંગલેશ્વર, કુબલીયાપરા, રણછોડનગર સહિતના સ્થળોએ કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં પાંચ અલગ અલગ સ્થળોએ પીસીબીની ટીમે દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ અને દારૂનો જથ્થો પકડી લીધો હતો. નવા થોરાળા ઠકકરબાપા શેરી નં. ૫માં દરોડો પાડી સતિષ ભીખાભાઇ સોલંકીને રૂા. ૫૯૦૦ના દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો સાથે પકડી લીધો હતો. કુબલીયાપરા વિજયનગર-૫માંથી વિપુલ દેવજીભાઇ રાઠોડને રૂા. ૫૦૦૦ના ૨૦૦ લિટર આથા સાથે પકડી લીધો હતો. સંત કબીર રોડ સદ્દગુરૂ રણછોડનગર-ભાગ-૧ શેરી નં. ૨માંથી લાલજી ઉર્ફ લાલો પાંચાભાઇ ગોવાણીને કાર નં. જીજે૦૩ઇઆર-૭૯૪૪માં રૂા. ૮૦ હજારના ૪૦૦ લિટર દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. જ્યારે જંગલેશ્વર બુધ્ધનગર-૧ જાહેર શોચાલય નજીક દરોડો પાડી હરેશ દલાભાઇ ચારોલીયા અને અસીમ હાજીભાઇ ઉમરેટીયાને રૂા. ૩૯૮૦૦ના દારૂ, આથો, બળેલો આથો, સાધનો સાથે પકડી લેવાયો હતો. તેમજ જંગલેશ્વર અંકુર સોસાયટી શેરી નં. ૬ પાસેના ક્વાર્ટરમાંથી વિકાસ ગોપાલભાઇ સોલંકીને રૂા. ૧૪૬૫૦ના દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો સાથે પકડી લેવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચનાથી પીસીબી પીઆઇ આર. એમ. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
(3:53 PM IST)










