તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 11th December 2024
માધાપર ચોકડી પાસે ૧ાા વર્ષના બાળકનું પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત
ઝૂપડામાં રહેતાં એમપીના દંપતિએ એકનું એક સંતાન ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૧: શહેરના જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઇનડસ્ટ્રીઝ એરીયામાં ઝૂપડુ બાંધીને રહેતાં અને મજુરી કરતાં મુળ મધ્યપ્રદેશના દંપતિનો દોઢ વર્ષનો પુત્ર રમતો રમતો પાણી ભરેલી ડોલમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ મુળ એમપીની શૈલેષભાઇ શીંગડીયા માધાપર ચોકડી પાસે ઝૂપડામાં રહે છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સવારે તેનો દોઢ વર્ષનો પુત્ર ઝૂપડા બહાર રમવા ગયો હતો. આ વખતે શૈલેષભાઇની પત્નિ ઝૂપડા અંદર હતી. તે થોડીવાર બાદ બહાર જતાં દિકરો પાણીની ડોલમાં ઉંધો પડેલો જોવા મળતાં દોટ મુકી બહાર કાઢી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્દ્રભાઇ હુદડે ગાંધીગ્રામ પોલીસને કરી હતી. મૃતક બાળક માતા-પિતાનું એક જ સંતાન હતો.
(4:03 PM IST)










