News of Wednesday, 11th December 2024
મીલપરામાંથી ૬૯ હજારનો દારૂ ભરેલી રિક્ષા સાથે દુધઇનો રમેશ પકડાયોઃ યશપાલસિંહનું નામ ખુલ્યું
સ્કોચ, વ્હીસ્કીની બોટલો ભરીને નિયત સ્થળે પહોંચાડે એ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડી લીધો પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીએસઆઇ પરમારની ટીમની કામગીરીઃ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડની બાતમીઃ ૧.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૧: શહેરમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય બની હોઇ વધુ એક દરોડામાં ક્રાઇમ બ્રાંચે મીલપરામાં દરોડો પાડી એક શખ્સને રૂા. ૬૯ હજારનો વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે પકડી લીધો છે. મુળ જોડીયાના દુધઇ આમરણનો આ શખ્સ હાલ રાજકોટ રહે છે. તેણે પુછતાછમાં એક શખ્સનું નામ આપતાં તેની શોધખોળ થઇ રહી છે.
શહેરમાં દારૂ-જૂગારની પ્રવૃતિ ડામવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા અને કોન્સ. હરસુખભાઇ સબાડને બાતમી મળતાં મીલપરા-૨૫માં વોચ રાખી એક રિક્ષાને આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં રૂા. ૨૭ હજારની રેડલેબલ સ્કોચની ૧૮ બોટલ અને રૂા. ૪૨ હજારની બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની ૪૨ બોટલો મળતાં આ દારૂ, ૧ લાખની રિક્ષા, મોબાઇલ ફોન મળી રૂા. ૧,૭૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષાચાલક રમેશ કુવરજીભાઇ બોરીયા (ઉ.વ.૩૩-રહે. ધરમનગર આવાસ ક્વાર્ટર બ્લોક નં. ૧૦, બીજો માળ, સ્ટર્લિગ પાછળ, મુળ દુધઇ આમરણ તા. જોડીયા)ની ધરપકડ કરી હતી.
આ શખ્સની પુછતાછમાં તેણે દારૂનો જથ્થો હાલ મીલપરા આસપાસના વિસ્તારમાં રહેતાં યશપાલસિંહ જાડેજાનો હોવાનું કહેતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ વિસ્તારમાંથી જ રિક્ષામાં તેણે દારૂનો જથ્થો ભરી દીધો હતો. તે ફોન કરે તે તરફ રિક્ષા લઇ જવાની હતી. પણ સપ્લાય થાય એ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ. હરસુખભાઇ સબાડ, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવ, મોહીલરાજસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.
(4:11 PM IST)










