<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

માર્ગ મકાન વિભાગના સિનીયર ક્‍લાર્કે પ્રમાણપત્ર આપવા ૫ હજારની લાંચ લીધીઃ એસીબીએ દબોચ્‍યો

ફરિયાદીને સરકાી ક્‍વાર્ટર ઉપલબ્‍ધ નથી તે પ્રકારનું પ્રમાણપત્ર કચેરીમાં આપવાનું હતું: પણ ક્‍લાર્કે આ માટે લાંચ માંગીઃ એસબીના ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવિઝનમાં પીઆઇ વિરાણી અને ટીમનું સફળ છટકુ

રાજકોટ તા. ૧૪ : રાજકોટમાં વધુ એક લાચખોર સરકારી કર્મચારી એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોના હાથે ઝડપાઇ ગયો છે. માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્‍લાર્કને એસીબીએ અરજદાર પાસેથી રૂપિયા ૫૦૦૦ની લાંચ લેતા રંગેહાથ પકડી લીધો છે. જેમાં ક્‍લાર્ક દ્વારા સરકારી ક્‍વાર્ટર ઉપલબ્‍ધ નથી તે માટેનું પ્રમાણપત્ર કાઢી આપવાના બહાને અરજદાર પાસેથી લાંચ માંગવામાં આવી હતી. એસીબી દ્વારા માર્ગ અને મકાન વિભાગ રાજકોટ શહેરની કચેરી ખાતે જ આ લાંચનું છટકુ સફળ બનાવાયુ હતું.

જાણવા મળ્‍યા મુજબ ફરિયાદી રાજકોટ શહેર ખાતે ફરજ બજાવતા હોઇ જેથી તેઓએ સરકારી કવાર્ટર મેળવવા માર્ગ મકાન વિભાગ કચેરીમાં આશરે પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરી હતી. પરંતુ હાલ સુધી તેઓને કવાર્ટર ફાળવવામાં નહી આવતા પોતાને સરકારના નિયમ મુજબ મકાનભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્‍ધ નથી તેવું પ્રમાણપત્ર માર્ગ મકાન વિભાગની કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હતું. જેથી ફરીયાદીએ સિનિયર ક્‍લાર્ક રવિ રાજુભાઈ મજેઠીયાનો રૂબરૂ સંપર્ક કરતા તેણે પ્રમાણપત્ર આપવાને બદલે રૂ. ૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ જેથી ફરીયાદીએ એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોનો રૂબરૂ સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવાયુ હતું. દરમિયાન માર્ગ મકાન વિભાગના સિનિયર ક્‍લાર્ક દ્વારા ફરીયાદી સાથે પ્રમાણપત્ર બાબતે વાતચીત કરી લાંચની રકમ રૂ. ૫૦૦૦ સ્‍વીકારવામાં આવી હતી. તે સાથે જ તેને પકડી લેવાયો હતો.

એસીબી રાજકોટ એકમના ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ એસીબી જામનગરના પીઆઇ આર. એન. વિરાણી અને ટીમે આ કામગીરી કરી હતી.

(11:08 AM IST)