<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ઉદયનગરના મહેન્‍દ્રભાઇ ડોડીયાને મોરબીનો ભાવીન છેતરી ગયોઃ ભાડેથી ૧ લાખની રિક્ષા લઇ જઇ ગાયબ

પ્રોૈઢે રોજના ૩૦૦ રૂપિયા લેખે ભાડેથી ફેરવવા માટે રિક્ષા આપી હતીઃ બે ત્રણ દિવસ ભાડુ ચુકવ્‍યા બાદ ભાવીન છૂ થઇ ગયોઃ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા. ૧૪: ઉદયનગરમાં રહેતાં પ્રોૈઢે મોરબી રહેતાં મિત્ર પાસેથી તેની લોન વાળી રિક્ષા એક લાખમાં ખરીદ કર્યા બાદ પોતાની તબિયત સારી રહેતી ન હોઇ રિક્ષા હંકારી ન શકતાં અને બાકીની લોન ભરી ન શકતાં તેમણે આ રિક્ષા રાજકોટના એક મિત્ર મારફત તેના મોરબી રહેતાં મિત્રને રોજના ૩૦૦ રૂપિયાના ભાડા લેખે ફેરવવા આપતાં મોરબીના આ શખ્‍સે બે ત્રણ દિવસ ભાડુ ચુકવી બાદમાં ભાડુ ન ચુકવી રિક્ષા સાથે ગાયબ થઇ જતાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી મેઇન રોડ ઉદયનગર-૧/૧૩માં સમોજાદ વિદ્યાલય પાસે રહતાં મહેન્‍દ્રભાઇ શ્રવણભાઇ ડોડીયા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી મોરબી સનાળા રોડ બસ સ્‍ટેશન પાસે હરસિધ્‍ધી ફ્રુટવાળી શેરીમાં મહેશ હોટેલ સામે રહેતાં ભાવીન સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મહેન્‍દ્રભાઇ ડોડીયાએ જણાવ્‍યું છે કે હુ઼ રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું અને પરિવાર સાથે રહુ છું. મેં ૨૦૨૧ના મોડેલની સીએનજી રિક્ષા જીજે૩૬યુ-૭૦૦૩ મારા મિત્ર મોરબીના મનિષભાઇ જુગતરામ કુબાવત પાસેથી રૂા. ૨૦ હજાર બહાના પેટે આપી ખરીદ કરી હતી. આ રિક્ષા પર મહિન્‍દ્રા કંપનીની લોન ચાલુ હોઇ જેમાં  દર મહિને રૂા. ૭૩૦૦નો હપ્‍તો હતો. આશરે એક લાખ રૂપિયાની કિમતની આ રિક્ષા મેં ખરીદી તેના કુલ બાકીના ૩૬ હપ્‍તા મારે ભરવાના હતાં તે અંગે લખાણ થયું હતું. એ પછી હું રિક્ષા ચલાવતો હતો અને હપ્‍તા પણ ભરતો હતો. પરંતુ બાદમાં મારી તબિયત બગડતાં રિક્ષા ચલાવી શકતો ન હોઇ મેં હપ્‍તા ભરવા માટે મારી રિક્ષા ભાડેથી આપવાનું નક્કી કર્યુ હતું.

એ પછી મિત્ર સર્કલમાં મેં કોઇને ભાડેથી રિક્ષા હંકારવી હોય તો મારી પાસે છે તેવી વાત કરી હતી. એ દરમિયાન મારા મિત્ર સમીરભાઇ કે જે ખોડિયારપરા રાજકોટમાં રહે છે તેણે વાત કરેલી તમારે રિક્ષા ભાડેથી આપવી હોય તો મોરબીમાં મારા મિત્ર ભાવીન સોલંકીને જોઇએ છે. જેથી મેં તેને તા. ૨૬/૮/૨૪ના રોજ મવડી ચોકડી પાસે બોલાવી રોજના રૂા. ૩૦૦ના ભાડાથી રિક્ષા આપી હતી. એ વખતે કોઇ ભાડા કરાર કે લખાણ વિશ્વાસને કારણે કર્યા નહોતાં. ભાવીને અમારે નક્કી થયા મુજબ બે ત્રણ દિવસ મને ૩૦૦-૩૦૦ લેખે ભાડુ આપ્‍યુ હતું. પણ બાદમાં ભાડુ આપવા ન આવતાં મેં મારી રીતે તેનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે હાલમાં સગવડ નથી તેમ કહી બહાના કાઢતો હતો. એ પછી તેને ફોન પર સંપર્ક કરતાં તે થઇ શકયો નહોતો.

તેની સતત શોધખોળ કરવા છતાં તે મળતો નહતો. અંતે મેં પોલીસ ફરિયાદ કરી હતી. ભાડેથી લઇ જઇ એક લાખની મારી રિક્ષા તે લઇને જતો રહ્યો હતો. તેમ વધુમાં મહેન્‍દ્રભાઇ ડોડીયાએ જણાવતાં માલવીયાનગર પીઆઇ જીજ્ઞેશ દેસાઇની રાહબરી હેઠળ એએસઆઇ ડી. જી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:55 AM IST)