<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ઘંટેશ્વર પાસે રપ વારીયા કવાટર્સમાં રહેતી માતાને માથામાં ધોકો મારીને હત્‍યા કરવા અંગે પકડાયેલ આરોપી પુત્રને આજીવન કેદ

મેડીકલ અને એફ.એસ.એલ.નો પુરાવો તેમજ સાહેદોની જુબાનીથી સાંયોગીક પુરાવાની કડીઓ મળતી હોય આરોપીને કસુરવાર ઠરાવી સજા કરવા સરકારી વકીલ પરાગ શાહની દલીલો માન્‍ય રાખતી કોર્ટ

રાજકોટ તા.૧૪: એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટે, સગી માતાના ખુનના કેસમાં હત્‍યારા આરોપી પ્રકાશ ઉર્ફે ઋતિક ઉપેન્‍દ્રભાઈ રાઠોડને આજીવન કેદની સજા અને દંડ ફટકારેલ હતો.

બનાવની હકિકત એવા પ્રકારની છે કે, તા.૦૮/૦૬/૨૦૨૦ ના રોજ આ કામના ફરીયાદીએ અરવિંદ ઉપેન્‍દ્રભાઈ રાઠોડ એ આ કામના આરોપી પ્રકાશ ઉર્ફે ઋતિક ઉપેન્‍દ્રભાઈ રાઠોડ કે જે પોતાનો સગો ભાઈ થાય છે તેના વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પો. સ્‍ટે. માં આઈ.પી.સી. કલમ-૩૦૨ વિગેરે ના કામે ફરીયાદ નોંધાવેલ હતી. ફરીયાદીને તેની ફરીયાદમાં જણાવેલ હતુ કે, તેના પિતાનુ અવસાન થયેલ છે અને તેઓ ૪-ભાઈઓ છે જેમાં નરેશભાઈ, ફરીયાદી પોતે તથા નાનો ભાઈ મિથુન નાઓ અલગ રહે છે. આ કામના ફરીયાદી ઘંટેશ્વર, ૨૫-વારિયા કવાર્ટર, ઉમેદસિંહ દરબારના મકાનમાં ભાડેથી રહે છે. જયારે આ કામના આરોપી પ્રકાશ ઉર્ફે ઋતિક ઉપેન્‍દ્રભાઈ રાઠોડ તેની ગુજ. માતા શેઠાણીબેન સાથે ઘંટેશ્વર, ૨૫-વારીયા કવાર્ટર, ઝુપડામાં રહેતો હતો.

ફરીયાદીને ફરીયાદમાં એવુ પણ જણાવેલ હતુ કે તા.૦૭/૬/૨૦૨૦ ના રોજ રાત્રીના આશરે પોણા ચારેક વાગ્‍યે તેના પત્‍નિ ધરતીબેન અને ફઈનો દિકરો સાવન તેમની માતા ના ઘર તરફ જતા હતા ત્‍યારે તેનો ભાઈ પ્રકાશ (આરોપી) પોતાની રીક્ષા સાથે માતાના ઘરની નજીક સામે મળેલો અને એકદમ ઉશ્‍કેરાઈ જઈ કહેલ કે મારે આપણી માતા શેઠાણીબેન સાથે રાત્રીના ૧૦-૩૦ વાગ્‍યે કામધંધો કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલો, માતાના રોજના કંકાશથી કંટાળી ગયેલ હોય મે ઝુપડામાં પડેલો લાકડાના ધોકા વડે માતાને માથામાં માર મારતા તે લોહીલોહાણ હાલતમાં પડેલ છે તારે દવાખાતે લઈ જવી હોય તો લઈ જા તેમ કહી જતો રહેલો. જેથી ફરીયાદી પોતાના માતાના ઘરે તુરંત જ ગયેલ અને જોયેલુ તો તેની માતા લોહીલોહાણ હાલતમાં પડેલા જેથી ફરીયાદીના પત્‍નિને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં ફોન કરતા ૧૦૮ આવેલી અને તે એમ્‍બ્‍યુલન્‍સમાં રાજકોટ સિવીલ હોસ્‍પિટલ ખાતે લાવેલા જયાં તેમને ફરજ પરના ડોકટરે મરણ જાહેર કરેલા જેથી આ કામના ફરીયાદી અરવિંદભાઈએ ઉપરના બનાવ સબંધે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં આઈ.પી.સી. ની કલમ-૩૦૨ ના કામે આરોપી પ્રકાશ ઉર્ફે ઋતિક ઉપેન્‍દ્રભાઈ રાઠોડ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલી હતી. આ કામમાં પોલીસે યોગ્‍ય તપાસ કરી તપાસના અંતે નામ. કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલુ હતુ.

 સદરહું કેસ એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં કમિટ થયેલ હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકિલશ્રી પરાગ એન. શાહ હાજર રહેલા અને તેઓએ કુલ ૨૪ જેટલા દસ્‍તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને ૧૨-સાક્ષીઓને તપાસેલા હતા. સદરહું કેસમાં ફરીયાદ કેસનો પુરાવો પુર્ણ થતા કોર્ટ દ્વારા આરોપીની સી.આર.પી.સી. -૩૧૩ મુજબ એફ.એસ. લેવામાં આવેલ અને ત્‍યારબાદ સદરહું કેસ ફાઈનલ આરગ્‍યુમેન્‍ટ ઉપર આવેલો અને સરકારી વકિલ દ્વારા એ મુજબની ફાઈનલ આરગ્‍યુમેન્‍ટ કરવામાં આવેલ કે, આ કેસમાં કોઈપણ નજરે જોનાર સાક્ષી નથી. આ કેસ સંપુર્ણ સાંયોગીક પુરાવાઓ ઉપર આધારીત છે. આ કામે ફરીયાદી તથા અન્‍ય સાહેલો હોસ્‍ટાઈલ થયેલા હતા.

વધુમાં સી.આર.પી.સી -૩૧૩ મુજબના એફ.એસ. માં ફક્‍ત સિમ્‍પલ ડીનાઈલ લેવામાં આવેલ છે પરંતુ મેડીકલ એવીડન્‍સ, એફ.એસ.એલ. એવીડન્‍સ વિગેરે કઈ રીતે ખોટા છે તેનો કોઈ જાતનો ખુલાસો કરવામાં આવેલ નથી. વિશેષમાં આ કામના પંચો હોસ્‍ટાઈલ ડીકલેર થયેલ છે પરંતુ પંચો દવારા કબ્‍જે કરવામાં આવેલ મુદામાલમાં રહેલી કાપલીઓમાં તેઓની સહીઓ પંચોએ ઓળખી બતાવેલા છે અને પંચનામાના કન્‍ટેન્‍કશન અને કોન્‍ટ્રાડીકશન તપાસ અધિકારીની જુબાનીમાં પુરવાર કરવામાં આવેલ છે. વધુમાં એ રીતની દલીલ પણ કરેલી કે આરોપીએ પોતાની સગી માતાનુ ખુબ જ બેરહમીથી લાકડાના ધોકા વડે ખુન કરેલ છે જેને કોઈપણ રીતે સરળતાથી, સહજતાથી કે હળવાશથી લઈ શકાય નહી અને આ રીતે સરકારી વકિલશ્રી દવારા મેડીકલ પુરાવો, એફ.એસ.એલ. પુરાવો તથા સાહેદો જુબાનીથી સાંયોગીક પુરાવાની કડી પુરેપુરી રીતે મેળવી આપેલ છે જેથી આરોપીને તેના વિરૂધ્‍ધ ફરમાવવામાં આવેલ ચાર્જ મુજબ સખ્‍તમાં સખ્‍ત સજા થવી જોઈએ તે રીતની દલીલો કરેલી હતી.

આ કામે સરકારી વકિલશ્રીની દલીલો, દસ્‍તાવેજી પુરાવાઓ, સાહેદોની જુબાનીઓ, મેડીકલ તથા એફ.એસ.એલ. પુરાવાઓ, સરકારી વકિલશ્રી દવારા રજુ કરવામાં આવેલ ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ તથા આરોપીની વર્તણુક અને ગુન્‍હાની ગંભીરતા ધ્‍યાને લઈ એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ, રાજકોટ એ પ્રકાશ ઉર્ફે ઋતિક ઉપેન્‍દ્રભાઈ રાઠોડ ને આઈ.પી.સી. કલમ-૩૦૨ મુજબ આજીવન કેદની સજા તથા દંડ ફટકારેલ છે.

આ કામમાં સરકાર વતી સરકારી વકિલશ્રી પરાગ એન. શાહ રોકાયેલા હતા.

(4:18 PM IST)