તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
કાલે ૯૦થી વધુ કલાકારોની કલાનો ખજાનો ખુલશે
શ્રદ્ધા રાયચુરા દ્વારા ‘આર્ટ ફિએસ્ટા-૨૦૨૪'નું અણમોલ આયોજન : કાલાવડ રોડ પર આવેલ સરાઝા ખાતે સવારે ૯ થી રાત્રે ૯ સુધી ગુજરાતભરમાં કલાકારોને માણવાની, જોવાની અને હાથેથી બનાવેલ કલાકૃતિઓ ખરીદવાની તક જ્જ ૮ થી ૧૦ પ્રકારના વિવિધ કલાના વર્કશોપનું પણ આયોજન

અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રદ્ધાબેન અને શ્યામભાઈ રાયચુરા તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૪ : રંગ, રૂપ, રેખા, આકૃતિ કે વાણીમાં મનના આવેગોની અભિવ્યકિત એટલે કલા. કુદરતના રંગોને પીંછી વડે કેનવાસ પર કંડારનાર કલાકારને કુદરતે એક અદ્દભૂત સર્જનાત્મક શકિત આપી છે. કલાકારોમાં છુપાયેલ સર્જનાત્મક અભિવ્યકિતઓનું એક અદ્દભૂત અને અનોખુ પ્રદર્શન આવતીકાલે રાજકોટના આંગણે કાલાવડ રોડ પર આવેલ ‘સરાઝા' ખાતે સવારે ૯ થી રાત્રે ૯ સુધી રાજકોટના જ કલાકાર શ્રદ્ધાબેન રાયચુરા દ્વારા આયોજીત કરાયુ છે.
અકિલાના મહેમાન બનેલા શ્રદ્ધાબેન રાયચુરા અને શ્યામભાઈ રાયચુરાએ જણાવ્યુ હતું કે ગુજરાતભરમાં પહેલીવાર રાજકોટ ખાતે ગુજરાતભરના ૯૦ થી વધુ કલાકારો રવિવારે રાજકોટમાં પોતાની કલા પ્રદર્શિત કરવાના છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, જામનગર, ગોંડલથી પણ હસ્તકલાના કસબીઓ આવી અહિં પોતાની કલા રજૂ કરશે જેને જોવાનો લ્હાવો રાજકોટવાસીઓને વિનામૂલ્યે મળવા જઈ રહ્યો છે.
‘આર્ટ ફિએસ્ટા' નામે આયોજીત આ કલા પ્રદર્શન લોકોમાં રહેલી સર્જનાત્મકતાને પ્રદર્શિત કરવા અને કલાકારોને એક પ્લેટફોર્મ પુરૂ પાડવાનો આ અવસર છે. શ્રદ્ધાબેન કહે છે આર્ટ ફિએસ્ટામાં હાથેથી બનાવેલા ચિત્રો, લાઈવ આર્ટ યોજાશે ઉપરાંત કલા શિખવા માંગતા લોકો માટે ટેકચર આર્ટ, ગોલ્ડ ફોઈલ, મિરર આર્ટ, લીપણ સહિતના વર્કશોપ પણ યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છતા વ્યકિતઓ રૂબરૂ આવી અને નામ નોંધાવી શકે છે.
શ્રદ્ધાબેન રાયચુરા અને શ્યામભાઈ રાયચુરાએ જણાવ્યુ હતું કે ‘આર્ટ ફિએસ્ટા'માં ભાગ લેવા માટે ૨૦૦થી વધુ કલાકારોની એન્ટ્રી આવેલી જેમાંથી પસંદ કરી ૯૦ થી વધુ કલાકારોને આમાં સ્થાન અપાયુ છે. આ આયોજનમાં હાથેથી કરવામાં કે બનાવવામાં આવેલા ચિત્રો રેઝીન આર્ટ, એક્રેલીક સ્પ્રીંગ આર્ટ, ક્રાફટ ડેકોરેટીવ વસ્તુઓ ઉપરાંત વોલપીસ, હાથેથી બનાવેલ ક્રિએટીવ વસ્તુઓ શુઝ, સ્નીકર વગેરે પણ લોકો નિહાળી અને ખરીદી શકશે. આ તમામ ચિત્રો અને વસ્તુઓ ગુજરાતભરમાંથી આવતા કલાકારો દ્વારા હાથેથી તૈયાર કરાઈ છે.
‘આર્ટ ફિએસ્ટા'માં રાજકોટના પ્રખ્યાત કલાકાર ઈરફાન તબાની અને અમદાવાદથી પૌમીલ ખત્રી ખાસ ઉપસ્થિત રહેવાના છે. શ્રદ્ધાબેન કહે છે, આર્ટ ફિએસ્ટા - ૨૦૨૪ને અદ્દભૂત પ્રતિસાદ ળ્યો છે. રાજકોટના લોકો કલાકારના હાર્ટમાં આપે તે જરૂરી છે. આ પ્રદર્શન નિહાળવા માટે કોઈ જ પ્રકારની ફી રખાઈ નથી. એન્ટ્રી વિનામૂલ્યે રાખવામાં આવી છે.
આર્ટ ફિએસ્ટામાં ભાગ લેનાર ગુજરાતના તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવશે. રાજકોટના લોકો આ કલાકારોની કલા નજીકથી નિહાળી શકશે અને જોઈ ખરીદી પણ શકશે.
આ પ્રદર્શનથી કલાકારોને એક પ્લેટફોર્મ પૂラરૂ પાડવાનો આશય છે નહિં નફો કે નહી નુકશાન સાથે આયોજીત આર્ટ ફિએસ્ટા - ૨૦૨૪ વિશિષ્ટ આર્ટ ઈવેન્ટમાં કલાકારોને પ્રોત્સાહન આપવા અને અદ્દભૂત હાથથી બનાવેલ ચિત્રો સહિત કલાકૃતિઓને ખરીદવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા રાજકોટવાસીઓને અનુરોધ કરાયો છે. વિશેષ વિગતો માટે ઈન્સ્ટાગ્રામ પેઈજ sharad_art પર ફોલો કરી શકાય છે. (૩૭.૧૦)
મને બાળપણથી કલામાં રસ છે : શ્રદ્ધા રાયચુરા
આર્ટ ફિએસ્ટા - ૨૦૨૪નું આયોજન કરનાર શ્રદ્ધાબેન રાયચુરા પણ એક ખૂબ સારા ચિત્રકાર છે. તેઓ કહે છે, હું પોતે એક કલાકાર છું અને નાનપણથી ચિત્રો દોરૂ છું. હું જયારે ૧૦ વર્ષની હતી ત્યારથી ચિત્રો દોરૂ છું. મેં મારા ગુરૂ બળવંતભાઈ જોષી પાસે ચિત્રકાર શીખ્યુ છે. મારી ઈચ્છા હતી કે હેન્ડમેઈડ આર્ટ જેવા કે ચિત્રકામ, રેઝીન આર્ટ વગેરેના કલાકારોને એક સ્ટેજ આપવુ જેથી તેમની કલાની કદર થાય અને તેમની કલાને લોકો નિહાળે અને પ્રોત્સાહન આપે. આથી મેં રાજકોટ ખાતે આર્ટ ફિએસ્ટા-૨૦૨૪નું આયોજન કરવાનો વિચાર કર્યો જેને ખૂબ સારો પ્રતિસાદ મળતા આવતા વર્ષે આનાથી મોટું આયોજન ચોક્કસ કરીશુ.(૩૭.૧૦)
કલામાં રસ ધરાવતા લોકો માટે ખાસ વર્કશોપનું આયોજન
આવતીકાલે સવારે ૯ થી રાત્રે ૯ સુધી સરાઝા ખાતે આયોજીત આર્ટ ફિએસ્ટા - ૨૦૨૪માં કલામાં રસ ધરાવતા લોકો માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ થી ૧૦ વર્કશોપ ટેકચર આર્ટ, ગોલ્ડ ફોઈલ, મિરર આર્ટ, લીપણ વગેરેના યોજાશે. જેનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વર્કશોપ પણ પ્રદર્શનના સમય દરમિયાન દિવસભર ચાલશે. જેના માટે ખાસ કલાકારો ઉપસ્થિત રહેશે. આ વર્કશોપમાં હસ્તકલાની વિવિધ વસ્તુઓ, ચિત્રકામ વગેરે શીખવવામાં આવશે. જેમાં ૫૦૦ થી શરૂ કરી ૭૦૦ રૂા. સુધીની વિવિધ આર્ટ મુજબ ફી રખાઈ છે. વર્કશોપ પછી લોકો પોતે બનોલ વસ્તુ ઘરે લઈ જઈ શકશે.
(2:58 PM IST)










