News of Saturday, 14th December 2024
માત્ર ૧૭ નહિ, અનેક બોગસ દસ્તાવેજો છ વર્ષમાં બની ગયાની શક્યતાઃ સુત્રધાર હર્ષ અને વકિલની શોધખોળ
ઝડપાયેલો સબ રજીસ્ટ્રાર કચેરીનો કર્મચારી જયદિપ રિમાન્ડ દરમિયાન વધુ ધડાકા કરે તેવી શક્યતા ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીઆઇ પિયુષ ડોબરીયા અને ટીમોએ તપાસ આગળ ધપાવી

રાજકોટ તા. ૧૪: શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી, એક વકિલ અને એક સોની શખ્સે મળી પાંચ દસકા જુની મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની જમીનો હડપ કરવાનું કાવત્રુ ઘડયાનો પર્દાફાશ થયો છે. આ કોૈભાંડમાં કચેરીનો કર્મચારી જયદિપ ઝાલા ચાર દિવસના રિમાન્ડ પર હોઇ તેની વિશેષ પુછતાછ થઇ રહી છે. તપાસ દરમિયાન અનેક મિલ્કતોના બારોબાર દસ્તાવેજો થઇ ગયાની વિગતો ખુલવાની શક્યતા છે. હાલ ત્રિપુટીએ ૧૭ બોગસ દસ્તાવેજો બનાવ્યાનું ખુલ્યું છે. ત્રિપુટીએ કારસ્તાન છતું ન થાય તે માટે રાજકોટ શહેર આસપાસની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો બાવન વર્ષ જૂની મિલકતોને નિશાના પર લીધી હતી. પોલીસ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓના નિવેદનો પણ નોંધી રહી છે અને વકિલ તથા સોની શખ્સને શોધી રહી છે.
આ કોૈભાંડમાં પ્ર.નગર પોલીસે કોઠારીયા રોડ ન્યુ સ્વાતિપાર્ક બી-૧૪૩માં રહેતાં અને સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૧ (શહેર) ખાતે સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં અતુલભાઇ મધુભાઇ દેસાઇની ફરિયાદ પરથી હર્ષ સાહેલીયા ઉર્ફ હર્ષ સોની, જયદિપ ઝાલા અને એડવોકેટ કિશન ડી. ચાવડા વિરૂધ્ધ આઇપીસી ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭, ૪૪૭, ૧૨૦-બી અને ૩૪ મુબ ગુનો નોંધી એક આરોપી જયદિપ ઝાલાની ધરપકડ કરી હતી. જયદિપ રિમાન્ડ પર છે તેની પાસેથી વિશેષ વિગતો ઓકાવવાનું ચાલુ છે.
કૌભાંડીઓએ રૈયા સર્વે નંબરમાં આવેલી ૩૬૬૩.૭૦ ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.૧૫ કરોડ થાય છે તેના ૯ જેટલા દસ્તાવેજો બનાવી લીધા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના રેવન્યૂ સર્વે નં.૬૬ની રૂ.૩૩૫ કરોડની કિંમતની ૨૨ એકર ૧૭ ગુંઠા ખેતીની જમીન, મવડીની રૂ.૧૨૦ કરોડની અંદાજિત કિંમતની ૮ એકર ૧૦ ગુંઠા ખેતીની જમીન, માંડા ડુંગરની રૂ.૨૧ કરોડની ૩ એકર ૧૫ ગુંઠા ખેતીની જમીન, રૈયાની રૂ.૬૫ કરોડની ૪ એકર ૧૫ ગુંઠા ખેતીની જમીનના પણ આરોપીઓએ બોગસ દસ્તાવેજો બના્વ્યા હતા. તેમજ રાજકોટ શહેરમાં આવેલી બે કિંમતી મિલકત કે જેની કિંમત અંદાજે રૂ.૪ કરોડ થાય છે તેવા બે મકાનોના દસ્તાવેજો પણ બનાવી નાખ્યા હતા. કૌભાંડી ત્રિપુટીએ મોટાભાગે રાજકોટ શહેરની બહાર રહેતા લોકોની કરોડો રૂપિયાની મિલકતના બોગસ દસ્તાવેજો બનાવ્યાની શંકા સેવાઇ રહી છે. આમ કૌભાંડી ત્રિપુટીએ રૂ.૫૬૦ કરોડથી વધુ મિલકતના બોગસ દસ્તાવેજો બનાવી નાખ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-૧માં અગાઉ કામ કરતો હર્ષ સોની અને જયદીપ ઝાલા માત્ર ૧૧ હજાર રૂપિયામાં નોકરી કરતા હતા અને તેઓની પાસે વિશાળ સત્તા હતી. એટલે કે તેઓ ૪૦-૫૦ વર્ષ જૂના દસ્તાવેજો પણ જોઇ શકતા હતા, ગમે ત્યાંથી લઇ આવતા હતા, ગમે તે દસ્તાવેજનું સ્કેનિંગ કરી નાખતા હતાં તેમજ ગમે તે વ્યક્તિના નામની એન્ટ્રી કરાવી નાખતા હતાં. કરોડો રૂપિયાનો દસ્તાવેજ સ્કેન કરી તેમાં ગમે તેના નામ ચડાવી દઇ તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા. તપાસમાં મોટા નામો ખુલે તેવી પણ શક્યતા જણાઇ રહી છે. સરોજબેન રૂદ્રદત્તભાઇ રાવલનો રૈયા સર્વે નં.૨૭૭/૧માં ૪૨ નંબરનો ૩૪૪.૪૫ ચોરસ મીટરનો ૧૯૭૦ની સાલથી પ્લોટ આવેલો હતો. આ પ્લોટના દસ્તાવેજમાં ચેડાં કરવામાં આવ્યા પરંતુ ચેડાં કરનારે એક ભૂલ કરી હતી.
દસ્તાવેજના તમામ કાગળો સ્કેન કરીને યથાવત રાખવામાં આવ્યા પરંતુ મુખ્ય પેજ કે જે રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખવાનું હોય તેમાં સરોજબેનને વેચનાર તરીકે જ્યારે મનહરલાલ નૌતમલાલ કોટેચાને ખરીદનાર તરીકે બતાવ્યા.
પણ છેલ્લા પાનામાં જે સહીઓ કરવાની હોય તે કરવાનું ભૂલી ગયેલ અને આ ભૂલના કારણે આખું કારસ્તાન બહાર આવ્યું ત્યારબાદ તપાસ થઇ તે પછી આ એક નહિ પણ કુલ ૧૭ દસ્તાવેજ બોગસ બની ગયાનું ખુલ્યું હતું. ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ આગળ વધારાઇ છે. એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ પિયુષ આર. ડોબરીયા સહિતની ટીમો બીજા આરોપીઓને શોધી રહી છે.
(3:29 PM IST)










