તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
એપ.થી ઇન્સ્ટન્ટ લોન કરી આપનાર મહા ચિટર મહાવીરસિંહ ઝડપાયો
અગાઉ થોરાળા પોલીસે તેને પકડ્યા બાદ ગંજીવાડા ચોકીમાંથી નાસી ગયો હતોઃ યુનિવર્સિટી રોડ પર જમવા આવતા જ પોલીસે ઉઠાવી લીધો

રાજકોટ, તા. ૧૪ : એપ્લિકેશન મારફત ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાનું કહી અનેક સાથે છેતરપિંડી કરનાર ચીટર મહાવીરસિંહ સોલંકી ગંજીવાડા ચોકીમાંથી ફરાર થઈ ગયા બાદ થોરાળા પોલીસ મથકના સ્ટાફને આરોપીને યુનિવર્સિટી રોડ પરથી ઝડપી લીધો હતો. આરોપી અહીં પ્રેમવતીમાં જમવા માટે આવ્યો હતો દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, મોબાઇલ એપ્લિકેશન મારફત લોન કરાવી આપવાના બહાને અગાઉ અનેક સાથે છેતરપિંડી કરનાર મહાવીરસિંહ સોલંકીએ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક વ્યક્તિ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી હતી. જે અંગે મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે આરોપીની જે તે સમયે ધરપકડ કરી હતી અને તેને ગંજીવાડા ચોકીમાં રાખવામાં આવ્યો હતો દરમિયાન આરોપી તકનો લાભ લઇ અહીંથી નાસી ગયો હતો.
આરોપીને ઝડપી લેવા માટે થોરાળા પોલીસ મથકનો સ્ટાફ વોચમાં હતો દરમિયાન આજરોજ આરોપી યુનિવર્સિટી રોડ પર આવેલા પ્રેમવતીમાં જમવા માટે આવ્યો હોવાની માહિતી મળતા પોલીસની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને આરોપી અહીં આવતા જ તેને ઉઠાવી લેવામાં આવ્યો હતો.
(3:36 PM IST)










