<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

જીલ્લામાં ગુન્‍હાઓ બનતા અટકાવવા પ્રથમ અગ્રતા : નવનિયુકત એસપી હિમકરસિંહ

દારૂ, જુગાર અને ગાંજાની બદી અંગે લોકો માહિતી આપે તુર્ત જ કાર્યવાહી થશે : અરજદારો માટે કાયમી દ્વાર ખુલ્લા

રાજકોટ, તા., ૧૪:  રાજકોટ જીલ્લાના નવનિયુકત એસપી હિમકરસિંહે આજે પત્રકારોની સાથેની શુભેચ્‍છા મુલાકાતમાં જણાવ્‍યું હતું કે, જીલ્લામાં કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાઇ રહે તે માટે ગુનાઓ બનતા અટકાવવા પોલીસની પ્રથમ અગ્રતા રહેશે.   અને ગુન્‍હાઓ બન્‍યા પછી પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે.

રૂરલ એસપી હિમકરસિંહે વધુમાં જણાવ્‍યું હતું કે, જીલ્લામાં ગેરકાયદેસર દારૂ, જુગાર કે ગાંજાની પ્રવૃતિ સંબંધે લોકો માહિતી આપશે તો તુર્ત જ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે જીલ્લા કંટ્રોલ રૂમ અથવા એસપીના મોબાઇલ પર માહિતી આપવા લોકોને અપીલ કરી હતી.   જીલ્લામાં કોઇ પણ ગુન્‍હો બને તો તુર્ત જ એફઆઇઆર દાખલ કરવામાં આવશે. અને આરોપી સામે કડક પગલા ભરવામાં આવશે. જીલ્લામાં મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓ શોધી કાઢવા વિશેષ ધ્‍યાન આપવામાં આવશે. 

જીલ્લામાં મહિલાઓની સુરક્ષા સંબંધે તુર્ત જ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમ સંબંધે લોકોમાં જાગૃતી  ફેલાય તે માટે અવરનેસના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સાયબર ફ્રોડના કોઇ પણ બને તો તુર્ત જ પગલા લેવામાં આવશે.  લુખ્‍ખા તત્‍વો સામે પાસા સહિતના પગલા લેવામાં આવશે અને સંગઠીત ક્રાઇમ આચરનાર ટોળકી સામે ગુજસીટોક તળે કાર્યવાહી કરવામાં આવશે.

એસપી હિમકરસિંહે જીલ્લાના  પોલીસ કર્મચારીઓથી માંડી અધિકારીઓને તેના કોઇ પ્રશ્નો કે ફરીયાદ હોય તો રૂબરૂ મળવા જણાવ્‍યું હતું અને યોગ્‍ય પ્રશ્ન કે ફરીયાદ હશે તો તે દુર કરવામાં આવશે.

જીલ્લાની જનતાને કોઇ પ્રશ્નો હોય તો એસપી કચેરીએ રજાના દિવસો સિવાય રૂબરૂ મળવા અંતમાં એસપી હિમકરસિંહે જણાવ્‍યું હતું.

(3:45 PM IST)