<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ભીલવાસના 'મુન્ના'નો વિદેશી દારૂનો જથ્થો ભરેલી રીક્ષા એલસીબી ઝોન -૨ પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમે પકડ્યો: ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં દરોડો: નઝીર ઉર્ફ મુન્નો અને તેના પુત્રની શોધખોળ

રાજકોટઃ શહેરના નિવાસ વિસ્તારમાં રહેતા અને બુટલેગરની છાપ ધરાવતા તેમજ મુન્નો તરીકે બુટલેગરોની દુનિયામાં જાણીતા નજીર ઉર્ફે મુન્નો અલારખાભાઈ ઠાસરીયા તથા તેના પુત્ર ઈરફાન ઠાસરિયાનો વિદેશી દારૂનો જથ્થો એલસીબી ઝોન 2 ટીમે ઝડપી લીધો છે. ભીલવાસ શેરી નંબર  ૨માં આ બંને બાપ દીકરો રિક્ષામાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી વાતમી મળતા ટીમ ત્રાટકી હતી. જો કે મુન્નો અને તેનો દીકરો હાથમાં આવ્યા નહોતાં. રીક્ષાની સીટ નીચેથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા તે તથા રીક્ષા કબજે કરી હતી.

પી.એસ.આઇ આર એચ ઝાલા અને એલસીબી ઝોન 2 ની ટીમ વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ અટકાવવા અને કેસ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી  મળી હતી કે ફુલછાબ ચોક ભીલવાસ શેરી નં.૨ ગુરૂનાનક કરીયાણા ભંડાર દુકાન પાસે અગાઉ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ નજીર ઉર્ફે મુન્નો અલ્લારખાભાઇ ઠાસરીયા તથા તેનો દિકરો ઇરફાન નજીરભાઇ ઠાસરીયા બે સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની બોટલો સંતાડી વેચાણ કરે છે. તેના આધારે દરોડો પાડતા બે રીક્ષામાં ડ્રાઇવર સીટ નીચે બનાવેલ ખાનામાંથી વિદેશી દારૂની બોટલો રોયલ ચેલેન્જની ૩૮ અને રોયલ સ્ટેગની ૧૨ બોટલો મળતા તે તથા બે રીક્ષા  નં.જી.જે. ૦૩ બી.યુ. ૨૦૪૬ તથા જી.જે. ૦૧ એ.એકસ. ૮૮૪૬ મળી કુલ રૂપિયા ૧,૩૪,૫૨૪નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે આ મામલે નજીર ઉર્ફે મુન્નો અલ્લારખાભાઇ ઠાસરીયા તથા તેના દિકરા ઇરફાન નજીર ઠાસરીયા (રહે. બંને ભીલવાસ શેરી નં.૨ રાજકોટ) વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. નઝીર ઉર્ફે મુન્નો રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર મારામારીના ૧૨ ગુનામાં તો તેનો દીકરો ઈરફાન ઠાસરીયા દારૂ જુગાર સહિતના૧૩ ગુનાઓમાં પોલીસ ચોપડે અગાઉ ચડી ચૂક્યો છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ જગદીશ બાંગરવાએ દારૂ જુગારની પ્રવૃતિ અંકુશમાં લેવા તેમજ અસરકારક કામગીરી કરવા સુચના આપી હોઈ તે અંતર્ગત આ કામગીરી પીએસઆઇ આર.એચ.ઝાલા, એએસઆઇ જે.વી.ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા તથા કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા અને કુલદીપસિંહ રાણાએ કરી હતી.

(8:35 PM IST)