<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

કોલેજના બાથરૂમમાં એલએલબીના છાત્ર વિવેક કાલરીયા પર બે છાત્રોનો હુમલો, માથે જતાં મારી નાખવાની ધમકી

ઓમનગરમાં રહેતાં ફર્સ્‍ટ યરના છાત્રએ કોલેજના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં ધરતીના જન્‍મ વિશેનો યુ-ટયુબરનો વિડીયો પોસ્‍ટ કરતાં તેના પર કારણવગરની વિવાદ થાય એવી પોસ્‍ટ બીજા છાત્રોએ કરીઃ વ્‍હોટ્‍સએપથી જ ધમકીઓ દીધાનો આક્ષેપ : કોલેજે આવી જા જોઇ લઇશું, તને ખોઇ નાખશું, માર મારવાની અને અપહરણની ધમકીઓ પણ દીધી : રૂબરૂ કોલેજે જતાં ભરત જોષી અને યજ્ઞેશ મહેતાએ મારકુટ કરી ફરી ધમકાવ્‍યાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી કોલેજમાં એલએલબીનો અભ્‍યાસ કરતાં યુવાને કોલેજના ગ્રુપમાં યુ-ટયુબર ધ્રુવ રાઠીનો ધરતીના જન્‍મને લગતો વિડીયો પોસ્‍ટ કર્યો હોઇ તેની આ પોસ્‍ટ પર બીજા વિદ્યાર્થીઓએ કારણવગરની ટીપ્‍પણીઓ કરી તેમજ તેને માર મારવાની અપહરણ કરવાની અને ખાનદાન ખોઇ નાખવાની તથા કોલેજે આવી જા જોઇ લઇશુ, ગોત્‍યો નહિ જડે તેવી ધમકી આપી તેમજ તે કોલેજ ખાતે જતાં ત્‍યાંના બાથરૂમમાં બે છાત્રોએ આવી મારકુટ કરી ધમકી આપતાં અને પ્રોફેસરોની હાજરીમાં પણ ફરી ડખ્‍ખો કરતાં આ મામલે ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મવડી ઓમનગર ૪૦ ફુટ રોડ પર પટેલનગર-૨ ખોડિયાર પાન સામે રહેતાં અને  કોલેજમાં એલએલબીના પહેલા વર્ષમાં અભ્‍યાસ કરતાં વિવેક રસિકભાઇ કાલરીયા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી ભરત જોષી અને યજ્ઞેશ મહેતા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. વિવેક કાલરીયાએ જણાવ્‍યું છે કે-મારી કોલેજમાં માહિતીની આપ-લે કરવા માટે વ્‍હોટ્‍સએપમાં ‘એલએલબી કમ્‍બાઇન' નામે ગ્રુપ બનાવેલુ હોઇ તેમાં કોલેજના બીજા છાત્રો પણ જોડાયેલા છે.  આ ગ્રુપનો ઉપયોગ અમારી કોલેજના સમાચારો તથા નોલેજની જાણકારી, માહિતીની આપલે કરવા માટે થાય છે. દરમિયાન તા. ૮/૧૨ના રાતે બે વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે આ કોલેજના ગ્રુપમાં મેં ફેમસ યુ-ટયુબર ધ્રુવ રાઠીના એક વિડીયોની લિંક શેર કરી હતી. આ વિડીયોમાં પૃથ્‍વીનો જન્‍મ કઇ રીતે થયો તેના વિશેની વાત હતી. ધ્રુવનો આ વિજ્ઞાન વિષયક વિડીયો તા. ૫/૮ના રોજ પબ્‍લીકશ થયેલો હતો. મેં આ વિડીયો ૮મીએ રાતે ૨:૫૪ કલાકે પોસ્‍ટ કર્યો હતો.

આ પછી તેમાં ઘણા બધાએ કારણવગરની ટીપ્‍પણીઓ કરી હતી. આથી મેં તેમાં તથ્‍યો અને તાર્કિકતા ઉપર ચર્ચા કરવા કહ્યું હતું અને ખોટા વિવાદ નહિ કરવા કહ્યું હતું. જેમાં ભરત જોષી અને યજ્ઞેશ મહેતા તથા અર્ચના સરવૈયા, ધ્રુવી  સતાસીયા ઉર્ફ એન્‍કર ધ્રુવી તથા તેને ઉશ્‍કેરણીની પ્રેરણા અને અત્‍યાચારમાં સાથ આપનારા શક્‍તિભાઇ જાડેજા, રાહુલ પરમાર, નીધીબેન અકબરી, પ્રિન્‍સ રામાણી સહિતે મારા વિડીયો પર ખાસ વિચારધારા અને દુષ્‍પ્રેરણાથી પ્રેરાઇની વિડીયોમાં કહેલી વિજ્ઞાાનની વાતો, વિડીયો બનાવનાર તથા મારા પર વ્‍યક્‍તિગત કાયદા વિરૂધ્‍ધની ખોટી અને કારણવગરની ટીપ્‍પણીઓ કરી હતી. ત્‍યારબાદ આ બધાએ વિવાદ અને ઝઘડો કરી મને માર મારવાની ધમકી આપેલી અને અપહરણ કરવાની ધમકી આપી હતી. તેમજ ખાનદાન ખોઇ નાખવાની ધમકી પણ આપી હતી.

એટલુ જ નહિ જાહેરમાં પણ મારુ અપમાન કરી ધર્મ ઉપર ટીપ્‍પણીઓ કરવા માંડયા હતાં અને કોલેજે આવી જા મળી અને જોઇ લઇશું, તને ખોઇ નાખશુ, ગોત્‍યો નહિ જડે આવી ધમકીઓ, જ્ઞાતિમાં ઉંચનીચ તથા ઘમંડ અને દાદાગીરી કરી ભેદભાવ કર્યો હતો. આ બધુ વ્‍હોટસએપ ગ્રુપમાં લખ્‍યું હતું અને મને હેરેસમેન્‍ટ કર્યુ હતું. મેં પુરાવા રૂપે ગ્રુપના આ લખાણના સ્‍ક્રીનશોટ લીધા હતાં. આ બધાએ એકબીજાને ઉશ્‍કેરી ષડયંત્ર કરી તોછડુ બોલી ધમકી આપી જાહેર શાંતિનો ભંગ કરી ફોજદારી ગુનો આચર્યો હોઇ અને બંધારણની કલમોનું હનન કર્યુ હોઇ તેમજ ફોજદારી-આઇટી એક્‍ટ હેઠળ ગુનો આચરી મારી સુરક્ષા જોખમમાં મુકી દીધી હતી.

ત્‍યારબાદ સાંજે પાંચેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે પ્રોફેસર આબીદભાઇ માકડાને મેં ફોન પર વિવાદની જાણ કરી હતી. એ પછી તેણે સમાધાન કરાવવા મને કોલ કર્યો હતો. ત્‍યારે કોન્‍ફરન્‍સ કોલમાં યજ્ઞેશ મહેતા અને શક્‍તિભાઇ જાડેજા સામેલ હોઇ પ્રોફેસર આબીદભાઇએ સમાધાનની વાત કરતાં યજ્ઞેશ મહેતાએ આ વખતે પણ ફોનમાં જેમ તેમ બોલી ગાળો દીધી હહતી, આ પછી પ્રોફેસર આબીદભાઇએ ફોન કટ કરી નાખ્‍યો હતો. ત્‍યારપછી તા. ૯/૧૨/૨૪ના બપોરે હું બે વાગ્‍યે હરિવંદના કોલેજમાં લેકચર ભરવા ગયો ત્‍યારે સાંજે ચારેક વાગ્‍યે લેકચર પુરા થતાં બાથરૂમ કરવા જતાં મારા ક્‍લાસમાં અભ્‍યાસ કરતાં ભરત જોશી અને યજ્ઞેશ મહેતા તેના ષડયંત્રના ભાગરૂપે આવ્‍યા હતાં અને મને ધાકધમકી દઇ ગાળો દઇ ઝઘડો કર્યો હતો. તેમજ ઇરાદાપુર્વક જીવલેણ હુમલો કરી તૂટી પડયા હતાં. જેમાં મને મોઢા, ગળા, હાથ પગ પર ઇજા થઇ હતી. મારા ચશ્‍મા પણ પડી ગયા હતાં.

તેમજ મારી આંખ ફુટી જતાં બચી ગઇ હતી. બાથરૂમ લપસણું હોઇ હું નીચે પડી જતાં સાઇડમાં રહેલી ગેંડી અને નીચે લાદી પર મારુ માથુ અથડાતાં હેમરેજ થઇ મૃત્‍યુ થઇ જવાની શક્‍યતા હતી. પણ મેં સ્‍વબચાવ કરવા સંતુલન જાળવી ઉભા થવાનો પ્રયાસ કરતાં આ બંનેએ અવરોધ ઉભો કર્યો હતો અને શર્ટ ફાડી નાખ્‍યો હતો. ત્‍યાં મિત્રોનું ધ્‍યાન પડતાં તેઓ આવી ગયા હતાં અને મને છોડાવ્‍યો હતો. આ રીતે હું મારો જીવ બચાવવામાં સફળ રહ્યો હતાોે.

ત્‍યારબાદ હું પ્રોફેસરના રૂમમાં ગયો હતો અને ઘટનાની જાણ કરી હતી. મને હાથ, પગ, શરીરે, ગળામા઼ દુઃખાવો થતો હતો. મુંઢ માર, ઇજાના ઉજરડાના અમે પુરાવા રૂપે ફોટા લીધા હતાં. આ પછી પ્રોફેસર અને છાત્રોની હાજરીમાં પણ ભરત અને યજ્ઞેશ તથા બીજા આવી જતાં મેં મોબાઇલ ફોનમાં વિડીયો શુટીંગ ચાલુ કરતાં બધાની હાજરીમાં પણ આ બંનેએ અભદ્ર વર્તન કરી ચાલુ વિડીયો કેમેરામાં પણ ધાકધમકી આપી હતી. ફરી આ લોકો હુમલો કરે તેમ લાગતું હતું. પણ પ્રોફેસરોએ મને બચાવ્‍યો હતો અને આ લોકોને રવાના કરી દીધા હતાં. ફરિયાદને લગતાં સીસીટીવી ફૂટેજ પણ જોવા મળશે. આ રીતે આ શખ્‍સોએ બીજા  છાત્રો, પ્રોફેસરો માટે ભયનું વાતાવરણ  ઉભુ કર્યુ હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં વિવેક કાલરીયાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી.આર. રત્‍નુએ ગુનો દાખલ કરાવતાં આગળની તપાસ પીએસઆઇ એન. જે. મશાકપુત્રાએ હાથ ધરી છે.

(2:47 PM IST)