તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
તમને મારવા માતૃકૃપા વાળા મેહુલસિંહે ૫૦ લાખની સોપારી આપી છે...કહી ગોંડલ રોડના પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને ધમકી
વિજયસિંહ જાડેજાને રાજકમલ પંપ પાસે આંતરી જુનાગઢના લાલાએ પહેલીવાર ધમકી દીધી, બીજીવાર ઓફિસે આવી કહ્યું-તમને મારવા નથી ત્રણ દિવસ ફોન બંધ રાખી મારી સાથે રહેજોઃ ફરીવાર રસ્તામા આંતરી બૂલેટમાં બેસાડી લીધાઃ આગળ જતાં ઘરેથી પૈસા લઇ આવવાનું બહાનુ કરી છટકી ગયાઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૬: શહેરના ગોંડલ રોડ પર પિતૃકૃપા ટ્રાવેલ્સ નામે ધંધો કરતાં ટ્રાવેલ્સ સંચાલક અને પોરબંદરના માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વચ્ચે રાજકોટ-પોરબંદર પાટે ચાલતી બસના મામલે માથાકુટ ચાલતી હોઇ આ વચ્ચે રાજકોટના ટ્રાવેલ્સ સંચાલકને રાજકમલ પંપ પાસે આંતરી જુનાગઢના શખ્સે આવીને મને તમારા નામની ૫૦ લાખની સોપારી અપાઇ છે, પણ તમને મારવા નથી, તમારો ફોન બંધ રાખજો તેમ કહી ધમકી આપતાં અને ફરીવાર ઓફિસે આવી બે દિવસ થઇ ગયા ઉપરથી પ્રેસર છે કહી જતા રહ્યા પછી ફરી એક વખત રાજકમલ પંપ પાસે આંતરી પોતાના બૂલેટમાં તેને બેસાડી લેતાં ટ્રાવેલ્સ સંચાલકે પોતે ઘરેથી પૈસા લઇને આવે છે તેમ કહી છટકી જતાં જુનાગઢના શખ્સે ફોન કરી આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી, સોપારીના પૈસા આવી જાય પછી તમે છુટા તેમ કહેતાં ચકચાર જાગી છે.
આ બનાવમાં ગોંડલ રોડ પર શિવનગર-૨માં રહેતાં અને ગોંડલ રોડ ચોકડી પાસે જય અંબે કોમ્પલેક્ષમાં પિતૃકૃપા ટ્રાવેલ્સ નામે ધંધો કરતાં વિજયસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી જુનાગઢના લાલો મુસ્લિમ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વિજયસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૯ના હું મારી સ્કોર્પિયો જીજે૦૩એબી-૫૩૮૦ હંકારીને ટ્રાવેલ્સની ઓફિસેથી ઘર તરફ જતો હતો ત્યારે રાજકમલ પેટ્રોલ પંપ પાસે એક બૂલેટસવાર શખ્સ મારી સ્કોર્પિયો પાસે આવ્યો હતો અને મને ઉભો રાખ્યો હતો. તેણે મોઢે રૂમાલ બાંધેલો હતો. રૂમાલ હટાવતાં જ હું ઓળખી ગયો હતો કે આ જુનાગઢનો લાલો મુસ્લિમ છે જે ભાવીન ટ્રાવેલ્સની બસમાં કંડકટર તરીકે નોકરી કરે છે જેથી હું તેને દસેક વર્ષથી ઓળખુ છું. લાલો મારી સ્કોર્પિયોમાં બેસી ગયો હતો અને કહ્યું હતું કે-માતૃકૃપા ટ્રાવેલ્સવાળા મેહુલસિંહ જાડેજાએ મને ૫૦ લાખ રૂપિયામાં તમને મારી નાખવાની સોપાી આપી છે. આ વાત માટે હું તમને ૨૭/૧૧/૨૪ના રોજ વ્હોટ્સએપ કોલ તથા બીજા નંબર પરથી ફોન કરી મળવા માટે વાત કરતો હતો. પરંતુ તમે મને મળવા ઓફિસે બોલાવતાં હતાં તેથી હું આવતો નહોતો.
હવે મારે તમને મારવા નથી, પણ તમારે તમારો ફોન ત્રણ દિવસ સ્વીચઓફ રાખવો પડશે અને મારી સાથે રહેવું પડશે તેમ લાલાએ મને કહ્યું હતું. તેમજ બાદમાં લાલાએ ધમકી આપી હતી કે આ વાતની કોઇને જાણ કરી તો તમારા પરિવારને મારી નાખીશ. આ પછી લાલો જતો રહ્યો હતો. બાદ તા. ૧૧/૧૨/૨૪ના બપોરે સાડા બારેક વાગ્યે હું મારી ઓફિસે હતો ત્યારે લાલો મુસ્લિમ ફરીથી ઓફિસે આવ્યો હતો અને કહ્યું હતું કે-બે દિવસ થઇ ગયા છે, તમે શું વિચાર્યુ? મારે ઉપરથી પ્રેસર છે, આ છેલ્લી મુલાકાત છે. આવુ કહી ફરી તે જતો રહ્યો હતો. એ પછી એ જ દિવસે સાંજે ફરીથી હું રાતે સાડા આઠ નવેક વાગ્યે સ્કોર્પિયો લઇને ઘરે જવા નીકળ્યો ત્યારે લાલો બૂલેટ પર આવ્યો હતો અને રાજકમલ પંપ નજીક રૂદ્રાક્ષ કોમ્પલેક્ષ પાસે મારી ગાડી ઉભી રખાવી હતી. મને સ્કોર્પિયો રૂદ્રાક્ષ કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરાવી તેની સાથે આવવાનું કહેતાં હું તેના બૂલેટ પાછળ બેસી ગયો હતો. તેણે મારો ફોન માંગતા મેં તે પણ તેને આપી દીધા હતાં.
ત્યારબાદ લાલો મને બૂલેટમાં બેસાડી ગોંડલ રોડ પર બજાજના શો રૂમ તરફ લઇ ગયો હતો. ત્યાં પહોંચતા મેં લાલાને કહેલુ કે બૂલેટ ઉભુ રાખ હું ઘરેથી પૈસા લઇને આવું. આથી તેણે બૂલેટ ઉભુ રાખતાં જ હું ઉતરીને મારા ઘર તરફ ભાગી ગયો હતો. એ પછી લાલા પાસે મારો બીજો ફોન નંબર પણ હોઇ તેના પર તેણે ફોન કરી કહેલુ કે-હવે તમે ભેગા નહિ આવો તો વાંધો નહિ પણ તમારો ફોન બંધ રાખજો, નહિતર તમારા ઘરના સભ્યોને મારી નાંખીશ. મારી પાસે તમારી સોપારીના પૈસા આવી જાય પછી તમે છુટા...આમ કહી તે જતો રહ્યો હતો. અંતે મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં વિજયસિંહે જણાવતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જે. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે રાજકોટના વિજયસિંહ અને પોરંદરના મેહુલસિંહ વચ્ચે રાજકોટ-પોરબંદર પાટે બસ ચલાવવા મામલે માથાકુટ ચાલી રહી છે. અગાઉ વિજયસિંહની બસ ચોરીને સળગાવી દેવાઇ હતી. ત્યાં હવે તેના નામની સોપારી આપવામાં આવ્યાની ફરિયાદ થતાં ચકચાર જાગી છે.
(4:28 PM IST)










