<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

નૈનીતાલ-હરિદ્વારની ટૂર બૂકીંગના નામે કૈલાસ પાર્કના હિતેન્‍દ્રભાઇ સાથે સંજય પટેલની ૪.૩૦ લાખની ઠગાઇ

અગાઉ નેપાળ ટૂરમાં ગયા ત્‍યારથી સંપર્કમાં હતોઃ ઓફસેટના વ્‍યવસાયી અને તેમના પાંચ કુટુંબીજનોના રૂપિયા ખાઇ ગયાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

 

રાજકોટ તા. ૧૬: ટૂર બૂકીંગના નામે એક શખ્‍સે શહેરના ઓફેસેટના વ્‍યવસાયી યુવાન અને તેના પાંચ કુટુંબીજનો સાથે ૪,૩૦,૦૦૦ની ઠગાઇ કરતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે નટરાજનગર કૈલાસ પાર્ક મેઇન રોડ પર રહેતાં હિતેન્‍દ્રભાઇ દેવજીભાઇ પડસુંબીયા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી સંદિપ ધીરૂભાઇ મેઘાણી ઉર્ફ સંજય પટેલ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હિતેન્‍દ્રભાઇ પડસુંબીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મુળ વતન વાવડી (મોરબી) છે. મોરબી ખાતે હું ઓફસેટ પ્રિન્‍ટીંગનું કામ કરુ છું. ગત ૧૫/૩/૨૪ના રોજ અમારે કુટુંબીજનોને નૈનીતાલ, હરિદ્વાર ફરવા જવાનું હોઇ અમે સંદિપ મેઘાણી ઉર્ફ સંજય પટેલનો સંપર્ક કર્યો હતો. અગાઉ ૨૦૧૭માં ગણેશ ટૂર ટ્રાવેલ્‍સ મારફત અમે નેપાળ ગયા હોઇ ત્‍યારથી આ સંજય પટેલને અમે ઓળખતા હતાં. મેં તેને ફોન કરી નૈનીતાલ પ્રવાસની વાત કરતાં તેણે હું આવા ટૂર પ્રોગ્રામ કરુ છું, તમને તમામ વ્‍યવસ્‍થા કરી આપીશ તેવી વાત કરી હતી. એ પછી અમે સાધુ વાસવાણી રોડ પર બોમ્‍બે હાઉસીંગ સોસાયટી રામેશ્વર મંડપ સર્વિસ પાસે તેની બેઠક હોઇ હું અને મારા કુટુંબી ધર્મેશ ભીમાણી ત્‍યાં ગયા હતાં.

જ્‍યાં સંદિપ મેઘાણી ઉર્ફ સંજય પટેલ અમને મળતાં અમે નૈનીતાલ અને હરિદ્વાર ટૂરની વાત કરતાં તેણે આખો પ્રોગ્રામ સમજાવ્‍યો હતો. જેમાં રહેવા જમવાની સુવિધા સાથે ફલઇાટ ટિકીટનું શેડયુલ હતું. તેણે અમને રીયા હોલીડે નામની સ્‍લીપ આપી હતી. તેમજ અમારા ફોનમાં હોટેલ, બસના ફોટાઓની વિગતો મોકલી હતી. એ પછી સંજયે કહેલુ કે હું મારો કોરો ચેક મોકલુ એ ખાતામાં ફલાઇટ ટિકીટ માટેના રૂપિયા ભરવાના છે. એ પછી મેં નાગરિક સહકારી બેંક રૈયા રોડ બ્રાંચના મારા ખાતામાંથી સંજય પટેલના ખાતામાં ૫૦ હજાર અને ધર્મેશ ભીમાણીના જામનગર ડિસ્‍ટ્રીક્‍ટ બેંકના ખાતામાંથી ૪૫ હજાર, પરેશભાઇ ચનાભાઇ દુધાગરાના જામનગર બેંકના ખાતામાંથી ૬૦ હજાર, અનિલભાઇ દેવજીભાઇ અઘારાના ખાતામાંથી ૬૦ હજાર મળી પ્રથમ વખત ૩,૧૦,૦૦૦ અમારા છ પરિવાર વતી સંજય પટેલને આપ્‍યા હતાં.

ત્‍યારબાદ સંજયએ ફરી ફોન કરેલો કે જીમ કાર્બેટ નેશનલ પાર્ક અને સાઇટ સીન માટે અત્‍યારે જ બૂકીંગ કરાવવું પડશે તેના દોઢ લાખ થશે. આથી અમે ફરીથી તા. ૨૪/૪/૨૪ના રોજ સંજય પટેલના ખાતામાં અમારા બધા વતી ૧,૨૦,૦૦૦ મોકલ્‍યા હતાં. આ રીતે તેને કુલ ૪,૩૦,૦૦૦ અમે ચુકવ્‍યા હતાં. એ પછી અમે ફલાઇટની ટિકીટો માંગતા તેણે બહાના બતાવવાનું ચાલુ કર્યુ હતું. છેલ્લે તેણે પોતે ૧૨મી મેના રોજ ટિકીટો આપશે તેમ કહેલુ પણ પછી તેનો સંપર્ક કરતાં ફોન બંધ આવતો હતો. અમે તેની બેઠક સાધુ વાસવાણી રોડના મંડપ સર્વિસ ખાતે જતાં ત્‍યાં પણ તે હતો નહિ. આજ સુધી સંજય પટેલનો ફોન બંધ આવે છે અને તે ક્‍યાં છે તેની ખબર નથી. અમારી સાથે ટૂર બૂકીંગના નામે તેણે ઠગાઇ કરી હોઇ અંતે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં હિતેન્‍દ્રભાઇએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. કારેથાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(4:30 PM IST)