તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
રાજકોટમાં બત્રીસ વર્ષિય યુવતિએ પ્રેમના નામે સર્વસ્વ ગુમાવ્યું: છેતરાયાની ખબર પડતાં પોલીસને જાણ કરી
ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા પરણેલા શખ્સે લગ્નની લાલચ આપી વારંવાર દૂષ્કર્મ આચર્યુઃ પાંચ લાખ રૂપિયા પણ લઇ લીધા! : શીતલ પાર્ક પાસે રહેતાં ધર્મરાજસિંહ વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યોઃ મારુ છુટુ થઇ જાય પછી તારી સાથે લગ્ન કરીશ...તેમ કહી ફલેટ પણ રહેવા દીધો હતોઃ ઘરે ખબર પડી જતાં ફલેટમાંથી કાઢી મુકી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું: તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં ૩૨ વર્ષની એક યુવતિને શીતલ પાર્ક પાસે રહેતાં પરણેલા શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી થયેલા સંપર્ક બાદ ફોન નંબરની આપ-લે કરી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પોતાના છુટાછેડા થઇ જશે પછી લગ્ન કરી લેશે તેમ કહી રહેવા માટે ફલેટ આપી આ ફલેટમાં અવાર-નવાર શરીર સંબંધ બાંધી લઇ છેલ્લે તેના ઘરે ખબર પડી જતાં ફલેટ ખાલી કરાવી નાંખી તેમજ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં અંતે તેણીએ ફરિયાદ નોંધાવી છે. અગાઉ આ મહિલાએ પરણેલા પ્રેમીને મકાન લેવા માટે પાચ લાખ રૂપિયા પણ આપ્યા હતાં.
આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર ૩૨ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી રાજકોટ શીતલ પાર્કમાં રહેતાં ધર્મરાજસિંહ હેતુભા જાડેજા વિરૂધ્ધ બીએનએસની કલમ ૬૪ (૨) (એમ), ૬૯ મુજબ લગ્નની લાલચ આપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મુળ દેવભુમિ દ્વારકા પંથકની વતની છું. છેલ્લા સાતેક વર્ષથી રાજકો રહુ છું અને ઘરકામ કરુ છું. આશરે બે વર્ષ પહેલા તા. ૧૬/૧૦/૨૨ના રોજ હું ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનનો ઉપયોગ કરતી હોઉ તેના મારફત શીતલ પાર્કના ધર્મરાજસિંહ હેતુભા જાડેજા સાથે સંપર્ક થયો હતો. એ પછી અમે બંનેએ ફોન નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ અમે ફોનમાં વાતચીત કરતાં હોઇ અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો.
ત્યારબાદ અમે બંને એકબીજાને રૂબરૂ મળતાં હતાં. એ વખતે ધર્મરાજસિંહે કહેલું કે મારા લગ્ન થઇ ગયા છે પરંતુ ત્યાંથી છુટુ થઇ જશે ત્યારબાદ હું તારી સાથે લગ્ન કરીશ. આ પછી અમે અલગઅલગ જગ્યાએ ફરવા જતાં હતાં. દ્વારકા, કબરાઉ, સરાર સહિતના સ્થળોએ ફરવા ગયા હતાં. ત્યારે તેણે મારી સાથે ફોટા પણ પાડયા હતાં. આ પછી ધર્મરાજસિંહે મને કહેલુ કે જ્યાં સુધી મારા છુટાછેડા ન થઇ જાય ત્યાં સુધી તારે હું કહું એ ફલેટમાં રહેવાનું છે. તેમ કહી તેણે મને એક ફલેટ રહેવા માટે આપ્યો હતો. આ ફલેટમાં તેણે મારી સાથે લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં.
એક વખત તેણે પોતાને મકાન લેવુ છે તેવી વાત કરતાં મેં તેને ગૂગલ પેથી પાચ લાખ રૂપિયા પણ આપ્યા હતાં. ત્યારબાદ અમારા પ્રેમસંબંધની જાણ ધર્મરાજસિંહની ઘરે થઇ જતાં તેણે ધીમે ધીમે મારી સાથેનો સંબંધ ઓછો કરી નાખ્યો હતો. છેલ્લે આજથી દોઢેક મહિના પહેલા ૨૦/૧૦/૨૪ના રોજ તેણે ફલેટમાં ફરીવાર શરીર સંબંધ બાંધ્યો હતો. એ પછી હું જે ફલેટમાં રહેતી હતી તે ફલેટ ધર્મરાજસિંહના પરિવારના લોકો ખાલી કરાવવા આવ્યા હતાં.
મને ફલેટ ખાલી કરવાનું કહી બાદમાં ધર્મરાજસિંહે પણ સંબંધ પુરો કરી નાખ્યો હતો. બે વર્ષ સુધી મને લગ્ન કરવાની લાલચ આપી પ્રલોભન આપી શારીરિક શોષણ કરી શરીર સંબંધ બાંધી લીધા હતાં. હવે તે મારો ફોન પણ ઉપાડતો નથી. આથી મારે ફરિયાદ નોંધાવવી પડી હતી.
તેમ વધુમાં ભોગ બનનાર મહિલાએ જણાવતાં ઇન્ચાર્જ પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં એએસઆઇ જી. કે. પરમારે ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ બી. વી. સરવૈયાએ હાથ ધરી છે.
(11:42 AM IST)










